Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૦
૫૧
જ્યાં જીવની રુચિ હોય છે ત્યાં તેની બધી શક્તિઓ કેન્દ્રિત થાય છે. જ્યાં તેની રુચિ હોય છે તે દિશામાં જ તેની સંપૂર્ણ શક્તિઓ કામ કરતી હોય છે. જો તેને આત્માની રુચિ હોય તો તેની સંપૂર્ણ શક્તિઓ આત્મા તરફ જ સક્રિય થાય છે અને જો તેની રુચિ વિષય-કષાયમાં હોય તો તેની સંપૂર્ણ શક્તિઓ વિષય-કષાય તરફ જ સક્રિય થાય છે. જો જીવને મોક્ષ ગમે તો સંસારી પ્રસંગો અને પ્રકારો પડતા મુકાય, સંસારી ભાવો પડતા મુકાય; અને જો સંસાર ગમે તો મોક્ષનો પુરુષાર્થ પડતો મુકાય.
- અજ્ઞાની જીવને વિપરીત રુચિ હોવાથી તેનું વીર્ય પણ વિપરીત દિશામાં વહે છે. તેની શક્તિ લક્ષ્મી, અધિકાર, પરિવારમાં ગૂંચવાયેલી રહે છે. તે લક્ષ્મી, અધિકાર, પરિવારની વૃદ્ધિમાં પોતાની વૃદ્ધિ માને છે અને તેની હાનિમાં પોતાની હાનિ માને છે. લક્ષ્મી, અધિકાર, પરિવારમાં સુખ-શાંતિ-સલામતી હોવાની તેની માન્યતા છે, તેથી આત્માની બધી જ શક્તિ અને પ્રાપ્ત કરવામાં, સાચવવામાં અને વધારવામાં જ વપરાય છે. તે આ વાત સમજવા તૈયાર થતો નથી કે લક્ષ્મી આદિ બધું અનિત્ય છે, સંયોગી છે અને આત્માને લેશમાત્ર પણ સુખ આપી શકે એમ નથી. જ્ઞાની પુરુષો તેને ધનાદિ પાછળ દોડવાના કારણે થતા પરિભ્રમણનાં દુઃખનો બોધ આપે તોપણ તે તેવાં કાર્યોથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. તેઓ પરિભ્રમણના સ્વરૂપનું હૃદયદ્રાવક વર્ણન કરે તોપણ તે સાંસારિક કાર્યોથી છૂટો થતો નથી. વિભાવથી થતી વેદના સાંભળીને પણ તે સંસારના દાવાનળથી વિમુખ થતો નથી.
જ્ઞાની પુરુષો નિષ્કારણ કરુણાથી અજ્ઞાનીના ભવરોગનું નિદાન કરે છે, એનું કારણ તથા ફળ સમજાવવા અથાગ મહેનત ઉઠાવે છે અને છતાં મોહાંધ દૃષ્ટિ, બધિર કર્ણો અને અવિવેકી ચિત્તવાળા અજ્ઞાનીને સંસાર અશાતામય લાગતો જ નથી. અનેક અશાંતિ સાથે તેના મનમાં એક એવી “શાંતિ માટેની ધરપત હોય છે કે “આ તીવ્ર વેદના, અશાતા અને વ્યાકુળતા થોડો પ્રયત્ન કરતાં દૂર થશે અને સંસારમાં હું સુખેથી રહી શકીશ.' તેને વિભાવ રોગરૂપ ભાસતો જ નથી. તેને એ દુઃખરૂપ લાગતો ન હોવાથી તે ઔષધનું સેવન નથી કરતો. કોઈ ગમે તેટલી સારી દવા બતાવે પણ તેને રોગ જણાતો ન હોવાથી તે દવા વાપરતો જ નથી. તેથી પ્રથમ આવશ્યકતા છે દુઃખ ઊભું કરવાની. જો અંતરમાં એમ ભાસે કે “આ વિભાવથી હવે હું થાકી ગયો છું, મારે સ્વભાવમાં જવું જ છે' તો જરૂર કાર્ય સંપન્ન થાય છે.
જીવને વિભાવની રુચિ હોવાથી, આત્માની રુચિ થતી નથી અને તેથી આત્માની વાત પણ સાંભળવી ગમતી નથી. આત્માની અરુચિ હોવાથી તેને આત્માની ચર્ચામાં થાક લાગે છે, કંટાળો આવે છે, અણગમો થાય છે. પોતાના કર્મકૃત વ્યક્તિત્વની પ્રશંસા સાંભળવામાં તે જરા પણ થાકતો નથી, પરંતુ આત્માની ચર્ચા ચાલી રહી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org