Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અનંતા ચોથા આરા મળે, પણ પોતે જે પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઈ માર્ગ આડાં વિપ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી.'
જૈન સિદ્ધાંત અનુસાર કોઈ પણ કાર્ય સિદ્ધ થવા માટે પાંચ સમવાય કારણો બતાવવામાં આવ્યાં છે - કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (નિયતિ), કર્મ (પૂર્વકૃત) અને ઉદ્યમ (પુરુષાર્થ). પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં આ પાંચ કારણો નિયમથી હોય છે. જ્યારે જ્યારે પણ કાર્ય સંપન્ન થાય છે, ત્યારે આ પાંચ કારણ નિશ્ચિતપણે મળે છે. પાંચે સમવાય કારણના સંમિલનથી જ કાર્યસિદ્ધિ સાંપડે છે. પાંચમાંથી એક પણ કારણ હાજર ન હોય તો કાર્ય થતું નથી. કોઈ પણ એક કારણ ખૂટતું હોય તો કાર્ય સંપન્ન થતું નથી. કોઈ પણ કાર્યમાં આ પાંચમાંથી કોઈ પણ કારણનો સદંતર અભાવ હોય એવું ક્યારે પણ બને નહીં. પાંચે સમવાય કારણોનો સમન્વય થાય ત્યારે જ કાર્ય બને છે. આ પાંચ સમવાય કારણોને સંક્ષેપમાં વિચારીએ – (૧) કાળ – જે કાળમાં કાર્ય બને તે કાળલબ્ધિ. કાર્યની ઉત્પત્તિનો સમય પાકવો જોઈએ. જેમ કે અમુક કલાક ગયા પછી જ દૂધનું દહીં થાય, ઉનાળો બેસે ત્યારે જ આંબો પાકે, યુવાનીમાં કેશ કાળા હોય અને ઘડપણમાં સફેદ થાય વગેરે. શીત, ઉષ્ણતા, વર્ષા, ગ્રહણ, સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત આદિ સર્વમાં કાળ એ એક કારણ છે. (૨) સ્વભાવ – દ્રવ્યની સ્વશક્તિ તે સ્વભાવ. વસ્તુમાં થતું કાર્ય તેના સ્વભાવને અનુરૂપ હોય છે. વસ્તુનો સ્વભાવ જેવો હોય છે તે પ્રમાણે કાર્ય થાય છે. જેમ કે લીંબડો વાવે તો આંબા ન ઊગે, સ્ત્રીને મૂછ ન આવે, અગ્નિની જ્વાલા ઊંચી જ જાય, સૂંઠથી વાયુ ઉપશમે, હરડેથી રેચ લાગે, ગુલાબ સુગંધ આપે, શેરડી મીઠી લાગે વગેરે. વસ્તુ પાકવામાં સ્વકાળ ઉપરાંત તે પ્રકારે ઉત્પન્ન થવાનો સ્વભાવ પણ હોવો જરૂરી છે. (૩) ભવિતવ્યતા (નિયતિ) - જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે, તે ભવિતવ્યતા છે. કેવળી ભગવંતે જે પ્રસંગને જે પ્રમાણે પોતાના જ્ઞાનમાં જોયો હોય, તે જ પ્રમાણે તે પ્રસંગ બનવાનું નિશ્ચિત હોવું તેને ભવિતવ્યતા કહે છે. કાળ અને સ્વભાવ અનુકૂળ હોવા છતાં ભાવિભાવ હોય તેમ બને છે. માત્ર કાળ અને સ્વભાવની અનુકૂળતાથી કામ બની આવતું નથી. જેમ કે કાળબળે ઉનાળો બેસતાં આંબા ઉપર મોર આવે છે અને કેરી બનવાનો મોરનો સ્વભાવ હોવાથી તેમાંથી કેરી થઈ શકે છે, પણ તેમાંના કેટલાક મોર ખરી જાય છે અને ભાવિભાવ હોય તેની કેરી થાય છે. કાળ અને સ્વભાવ અનુરૂપ હોવા છતાં બધા મોરની કેરી થતી નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org