Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કલ્પના ન કરે તો મોક્ષસ્વભાવ પ્રગટે છે. ગમે તેવા પ્રારબ્ધોદયમાં આત્મજાગૃતિ રાખી, તેમાં તન્મય ન થતાં જો તે તેનો સાક્ષી રહે તો શુભાશુભ ભાવ છેડાતાં મોક્ષસ્વભાવ પ્રગટે છે. જે ઘટનાના પ્રતિકાર દ્વારા સંસારવૃદ્ધિ થતી હતી, તે જ ઘટના પ્રત્યે રાગદ્વેષવિરહિતતા પ્રગટતાં સંસાર ક્ષય થાય છે.
સહજાત્મસ્વરૂપી આત્મતત્ત્વનું ભાન સતત ટકાવવું અને પ્રારબ્ધોદયે જે વસ્તુવ્યક્તિ-પરિસ્થિતિનો સંગ-પ્રસંગ થાય તે પ્રત્યે વીતરાગભાવે રહેવું - આ સત્ય પુરુષાર્થ પરમાર્થને ઇચ્છતા જીવે કરવાનો છે. આવો સત્ય પુરુષાર્થ જીવ કરતો નથી, કારણ કે તેનામાં હજી પરમાર્થ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા જ પ્રગટી નથી. તેને મુક્તિની સાચી ઇચ્છા જ પ્રગટી નથી. સંસારમાં કોઈ દુઃખ આવે ત્યારે દુઃખગર્ભિત વૈરાગ્યના કારણે સંસારથી છૂટવાનું તેને મન થઈ જાય છે, પણ તે કંઈ મુક્તિની યથાર્થ ઇચ્છા નથી. જીવને જગતમાં જરા દુ:ખ પડે, સંસારમાં થોડી પ્રતિકૂળતા સતાવે તો તેને વૈરાગ્ય ઊછળી આવે છે કે આ બધું નકામું છે, આમાંથી તો હવે મારે છૂટવું જ છે; અને ફરી મનગમતા સંયોગો મળે એટલે છૂટવાની વાત ભુલાઈ જાય છે. આ કંઈ મુક્તિની સાચી ઇચ્છા કહેવાય નહીં. જીવનમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, હર પળે મુક્તિની ઝંખના રહેતી હોય તો જ જીવની ઇચ્છા સાચી ગણાય, તેનામાં મુમુક્ષતા પ્રગટી કહેવાય.
અનંત કાળમાં અનંત વાર ધર્મક્રિયાઓ કરવા છતાં જીવને પરમાર્થની સાચી ઇચ્છાના અભાવે સફળતા મળી નથી. પરમાર્થની સાચી ઇચ્છા વિના ભવચક્ર મોક્ષચક્રમાં પરિવર્તિત થતું નથી, તેથી પરમાર્થની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ પરમાર્થની પ્રબળ ઇચ્છા પ્રગટાવવી આવશ્યક છે. સંસારની રુચિ છોડી આત્માની રુચિ ઉત્પન કરવી ઘટે છે. અનાદિની પરપદાર્થની રુચિને પલટાવ્યા વિના બહિર્મુખ પ્રવર્તતો ઉપયોગ અંતર્મુખ થતો નથી. આત્મકલ્યાણની ઇચ્છા વિના ઉપયોગ અંતર્મુખ થતો નથી. પરમાર્થ પ્રાપ્તિની અનન્ય ઇચ્છા જ ઉપયોગને અંતર્મુખ કરી આત્માનુભવ કરાવે છે.
જેવી ઇચ્છા તેવું કાર્ય થાય છે. જે કામ કરવાની જીવને અંદરથી જરૂર જણાય છે તે કામ તે કરે છે. “આ કરવું જ છે' એમ નક્કી થાય તો જીવ કાર્ય કરવા તત્પર થાય છે. ઇચ્છા બળવાન હોય તો તે જરૂર ઉપાય કરે. કામ કરવાની દઢ ઇચ્છા હોય તો આ કામ મારાથી થશે કે નહીં થાય? એવા પ્રશ્નને અવકાશ રહેતો નથી. કામ ગમે તેટલું અઘરું હોય પણ જો પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો તે અવશ્ય થાય છે. તીવ્ર તાલાવેલી હોય તો બધું જ શક્ય બને છે. સાચી રુચિ હોય તો કાર્ય અવશ્ય થાય છે. વીર્ય રુચિને અનુસરે છે, તેથી જ્યાં રુચિ હોય ત્યાં વીર્યની ફુરણા થાય છે અને વીર્યની પ્રબળતા વડે કાર્ય સધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org