________________
૧૮
તો
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇંદ્રિયોનો રાગ છોડી, એને વશ કરો.
સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇંદ્રિયોને આધીન થઈ કરીએ છીએ. માટે ઇંદ્રિયરૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુંતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તો કુપાત્ર-દાન કરી કૃતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બુદ્ધિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુઃખથી ભોગવાય છે. પાપમાં લગાડે છે. દાનભોગમાં ખર્ચ્યા વિના મરણ થયે, આર્તધ્યાનથી છોડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણી, દુ:ખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. આ લક્ષ્મી જલતરંગવત્ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લો. પરલોકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છેટે મેલી અને રાત-દિવસ એનું જ ચિંતવન કરતાં કરતાં દુર્ધ્યાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પહાણા સમાન કરી છે, જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો, રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ધોર આરંભ કરે છે, વખતસર ભોજન નથી કરતો. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતો. ચિંતાતુર થઈ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે. તો તું હવે જિનેંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, ભૂભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષ્મીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતાં તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ ?