Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨
પંચસંગ્રહ-૧
કરવો જોઈએ. તેમાં પણ પહેલા ગુણસ્થાનકનું સ્વરૂપ કહી તેની અંદર યોગ ઉપયોગની ઘટના કરવી જોઈએ. તેથી ગુણસ્થાનકનું સવિસ્તર સ્વરૂપ કહે છે. તેમાં ગુણસ્થાનકો આ પ્રમાણે છે— ૧. મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક, ૨. સાસ્વાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, ૩. સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક, ૪. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, ૫. દેશવિરતિ ગુણસ્થાનક, ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક, ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક, ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક, ૧૦. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક, ૧૨. ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ ગુણસ્થાનક, ૧૩. સયોગીકેવલી ગુણસ્થાનક અને ૧૪. અયોગીકેવલી ગુણસ્થાનક. તેમાં ગુણસ્થાનકનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે—જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણો છે. તે ગુણો આવારક કર્મોથી દબાયેલા છે. તે કર્મોના વત્તા કે ઓછા અંશે દૂર થવાથી પ્રગટ થયેલા જ્ઞાનાદિગુણોના સ્થાન-ભેદ-સ્વરૂપ વિશેષને ગુણસ્થાન કહે છે. પહેલે ગુણઠાણે આવા૨ક કર્મો વધારે પ્રમાણમાં હોવાથી અશુદ્ધિ વિશેષ હોય છે, ત્યારે જ્ઞાનાદિ ગુણો અલ્પ પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે, અને ઉપર ઉપરના ગુણસ્થાનકે . પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ શુદ્ધિ વધારે વધારે હોવાથી જ્ઞાનાદિ ગુણો વધારે પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણોના સ્વરૂપની વિશેષતાને ગુણસ્થાન કહેવામાં આવે છે. જોકે આ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપની વિશેષતા અસંખ્ય પ્રકારની હોય છે તેથી ગુણસ્થાનો પણ અસંખ્ય થાય છે, છતાં તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને એક એકમાં સમાવી સ્થૂલ દૃષ્ટિથી ચૌદ ગુણસ્થાનક જ કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે ગુણસ્થાનકનો સામાન્ય અર્થ કહી હવે પ્રત્યેક ગુણસ્થાનકનું સ્વરૂપ કહે છે.
૧. મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક—જીવ અને અજીવ આદિ તત્ત્વોની મિથ્યા—વિપરીત છે દૃષ્ટિ-શ્રદ્ધા જેને તે આત્મા મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. કોઈ પુરુષે ધતુરો ખાધો હોય તેને જેમ ધોળામાં પીળાની પ્રતીતિ થાય છે, તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયથી આત્માને જીવ અને અજીવના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી તે આત્મા મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણોના સ્વરૂપ - વિશેષને મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહીં ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ અશુદ્ધિ વધારે હોવાથી અને શુદ્ધિ અલ્પ હોવાથી ગુણો અલ્પ પ્રમાણમાં ઉઘાડા થયેલા હોય છે.
પ્રશ્ન—જો આત્મા મિથ્યાદૃષ્ટિ છે, તો તેને ગુણસ્થાનકનો સંભવ કેમ હોઈ શકે ? કારણ કે ગુણો તો જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે, તે ગુણો જ્યારે વિપરીત પ્રતીતિ-શ્રદ્ધા હોય ત્યારે કેમ હોય ? તાત્પર્ય એ કે જ્ઞાનાદિ ગુણો જ્યારે મિથ્યાત્વમોહના ઉદયથી દૂષિત થયેલા હોય ત્યારે તે દૂષિત ગુણોને ગુણસ્થાન કેમ કહેવાય ?
ઉત્તર—જો કે તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ આત્માના ગુણને સર્વથા દબાવનાર પ્રબળ મિથ્યાત્વમોહનીયના વિપાકોદય વડે જીવ અને અજીવ આદિ વસ્તુની પ્રતીતિરૂપ તાત્ત્વિક શ્રદ્ધા પ્રાણીઓને વિપરીત હોય છે, તોપણ દરેક પ્રાણીઓમાં આ મનુષ્ય છે, આ પશુ છે, ઇત્યાદિ વિષયની પણ કાંઈક પ્રતીતિ હોય છે. છેવટે નિગોદ અવસ્થામાં પણ તથાપ્રકારની આ ઉષ્ણ છે,