Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
૩૫
ચિત્ત સ્થિર થાય છે. આવી એકલયતા આવે છે ત્યારે ધ્યાન સિદ્ધ થાય છે. આ પ્રમાણે વિચાર અને ધ્યાન એ બન્ને એક જ ચિત્તની બે અવસ્થા છે.
ચિત્તની અનેક પ્રકારની અવસ્થાઓ હોય છે. ચિત્તમાં પ્રતિક્ષણ ઊઠતા વિચારો, પોતાની ઇચ્છાથી કરાતા ભિન્ન ભિન્ન વિષયો વિષેના વિચારો, એક જ વિષય ઉપર એકાગ્રતાથી થતા વિચારો, વિચારો ઉપર બળપૂર્વક થતું નિયંત્રણ, વિચારો ઉપર સહજસાધ્ય પ્રભુત્વ, ચિત્તની સવિકલ્પદશા, નિર્વિકલ્પદશા ઇત્યાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ગીકરણ કરી, તે માટે ભિન્ન ભિન્ન પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. ચિત્તની શક્તિ એટલી સૂક્ષ્મ, સંકુલ અને સતત પ્રવાહવાળી છે કે એને અમુક ચોક્કસ પ્રકારના ચોકઠા(watertight compartment)માં ગોઠવવાનું બહુ અઘરું છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ક્યારે અને કેવી રીતે સરી પડાય છે એ પકડવું અઘરું છે. કેટલીક અવસ્થાઓ એટલી નજીક નજીકની હોય છે, એટલી મળતી આવે છે કે તેને તદ્દન ભિન્ન પાડી શકાતી નથી. આ અવસ્થાઓને કોઈક એક નામ આપે છે તો કોઈક બીજું નામ આપે છે. એમ છતાં એકંદરે જે મુખ્ય મુખ્ય અને રૂઢ થયેલાં નામવાળી અવસ્થાઓ છે તે વિષે પૂર્વાચાર્યોએ ઘણો સારો પ્રકાશ પાડ્યો છે
આલંબન સહિત અસ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના. આલંબન સહિત સ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે ધ્યાન. આલંબન રહિત સ્થિર ચિત્તવૃત્તિપ્રવાહ તે સમાધિ.
(૧) ચિંતન
ચિંતનમાં વિષયોની કોઈ સીમા હોતી નથી. વિચારધારા મુક્ત ભાવથી વહે છે. વિકલ્પો થયા કરે છે અને નવા નવા વિષયોના વિચારોથી ચિત્ત ઉભરાયા કરે છે. (૨) અનુપ્રેક્ષા
અનુપ્રેક્ષામાં એક જ વિષય ઉપરના અનેક વિચારો છે. આમાં નિશ્ચિત કરેલા એક વિષય ઉપર જ વિચારવામાં આવે છે. તેમાં વિષય બદલાતો નથી, માત્ર વિકલ્પ બદલાતા રહે છે. દા.ત. અનિત્ય અનુપ્રેક્ષા કરતી વખતે પદાર્થના અનિત્ય સ્વભાવ વિષે જ વિચારો કરવામાં આવે છે. વિચારો બદલાય છે, પણ પદાર્થના અનિત્ય સ્વભાવનો વિષય બદલાતો નથી.
(૩) ભાવના
ભાવનામાં એક જ વિષયના એક જ વિકલ્પનું પુનરાવર્તન થાય છે. અનુપ્રેક્ષામાં એક વિકલ્પ બીજી વાર રટવામાં આવતો નથી, જ્યારે ભાવનામાં એકનો એક વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org