Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
૩૩
સંસારને તિલાંજલિ આપી દીધી હોવાથી તેમના જીવનમાં આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ રહ્યો હોતો નથી, તેથી સ્વાભાવિક છે કે તેમની આજ્ઞા જીવને આત્માર્થમાં જ પ્રેરે છે. સદ્ગુરુની આજ્ઞાના ધોરી પંથે ચાલતાં જીવ આત્મસ્વરૂપની વધુ ને વધુ નિકટ આવે છે. સદ્દગુરુની આજ્ઞાના સબળ માધ્યમ દ્વારા જીવને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે.
સદ્ગુરુની આજ્ઞા જીવને ભવસમુદ્રમાં તણાઈ જતાં અટકાવે છે, સંસારદાવાનળમાં બળી જતાં બચાવે છે. પરપદાર્થને જોઈને તે પ્રાપ્ત કરવાની ઇચ્છામાં પરપદાર્થો પાછળ દોડતી જીવની પરિણતિને આજ્ઞારૂપી અંકુશ રોકે છે અને જીવને વ્યાકુળતાથી ઉગારે છે. પરિણતિ જો આજ્ઞામાં રહે તો જીવનું કદાપિ અહિત થતું નથી. જીવ જો એકનિષ્ઠાએ આજ્ઞારાધન કરે તો તે કર્મોદય સામે સુરક્ષિત રહે છે, પરંતુ પરિણતિ આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો અંતરમાં પોતાના અસત્સંસ્કારોનો તથા બાહ્યમાં કર્મોદયનો શિકાર બની તે જીવ અનંત સંસારની વિટંબણામાં પડે છે.
આત્માર્થી જીવ સદ્ગુરુની આવશ્યકતા અને મહત્તા સમજે છે. તે જાણે છે કે સદ્ગુરુની આજ્ઞાના પાલન વિના મોક્ષ નથી મળતો. ‘સદ્ગુરુની આજ્ઞાભક્તિ નિરંતર, અચળપણે, અખંડપણે રહો' એવી જ તેની અભિલાષા હોય છે. પોતાનું સર્વસ્વ અર્પણ કરી દઈ, પોતાની સંપૂર્ણ શક્તિથી તે સગુરુની આજ્ઞાભક્તિનું આરાધન કરવા ઇચ્છે છે. તે પોતાનું સમસ્ત જીવન સદ્ગુરુના ચરણે સોંપી, સ્વચ્છંદ અને પ્રમાદરહિત તેમની આજ્ઞા ઉપાસવાની ભાવના ભાવે છે.
માતા બાળકને લખતાં શીખવાડતી હોય ત્યારે માતા બાળકના હાથમાં પેન્સિલ પકડાવે છે અને પછી એનો નાનકડો હાથ પોતાના અનુભવી હાથમાં લે છે. તે અક્ષરો લખતી જાય છે અને બાળક એ શીખતું જાય છે. બાળક પોતાનો હાથ માતાના હાથમાં આવવા દે છે. પછી માતાને ચલાવવા દે છે. વચ્ચે એ પૂછતું નથી કે આમ ઉપર કેમ લાવે છે અને આમ નીચે કેમ લાવે છે અને આમ ગોળ ગોળ કેમ ફેરવે છે. એ કાંઈ જ પૂછતું નથી. માતા કરાવે તેમ એ કરે છે. એ પોતાના હાથને અક્કડ નથી બનાવતું, નથી એ જોર કરતું કે નથી આગ્રહ કરતું. જો કે એને કશું સમજાતું નથી, અક્ષરો એનાથી ઉકેલાતા પણ નથી; તોપણ માતા હાથ ચલાવે તેમ ચલાવવા દે છે અને છેલ્લે ‘પોતાનું' એ લખાણ પૂરું થાય ત્યારે એ ખુશ થઈને મારી સામે જુએ છે. તેવી જ રીતે આત્માથી શિષ્ય પણ ભાવના કરે છે કે પ્રભુ, મારો હાથ આપના હાથમાં લો અને એ લઈને આપ લખતા રહો. એની વચ્ચે હું મારું ડહાપણ ચલાવીશ નહીં, સ્વછંદ આચરીશ નહીં, આગ્રહ કરીશ નહીં. એ લખાણ મને ન સમજાય, એનું રહસ્ય મારાથી ન ઉકેલાય તોપણ વાંધો નથી. આપ જે લખાવો છો એ સાચું જ છે એવી શ્રદ્ધા રાખી આપ લખાવો એમ લખતો રહીશ અને એને સમજવાનો પ્રયત્ન કરીશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org