Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
અનુભવે છે. સદ્ગુરુના સાન્નિધ્યમાં તેનો બધો થાક ઊતરી જાય છે.
સદ્ગુરુના વિશેષ તથા નિરંતર સંગમાં રહેવાથી ઉપશમ, ભક્તિ, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય છે અને સાત્ત્વિક સુખ-શાંતિનો અનુભવ થાય છે. આ અનુભવ જો કે તાત્ત્વિક સુખ-શાંતિનો અનુભવ નથી; પરંતુ જેમ સમુદ્ર હજી દેખાતો ન હોય છતાં પણ ત્યાંથી આવતી પવનની શીતળ લહેરીઓનો સ્પર્શ ખાતરી આપે છે કે સમુદ્ર હવે ક્યાંક નજીકમાં છે, જરૂર ત્યાં પહોંચાશે જ; એ રીતે સાત્ત્વિક આનંદની લહેરીઓ નિર્મળ આત્માનંદની શ્રદ્ધા જગાડે છે, તાત્ત્વિક આનંદની પ્રાપ્તિની હોંશ તીવ્ર કરે છે. સાત્ત્વિકતામાં અટક્યા વિના, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર યથાર્થ આરાધના કરનારને તાત્ત્વિક અનુભૂતિ અવશ્ય થાય છે. સદ્ગુરુરૂપી વૈદ્યનો આવો અદ્ભુત મહિમા છે. (૩) પથ્ય આજ્ઞા
૩૧
કુશળ ચિકિત્સક પાસે રોગનું નિદાન કરાવ્યા પછી તેણે બતાવેલો ઇલાજ કરવાથી રોગમુક્ત થવાય છે. રોગની ચિકિત્સામાં બે વસ્તુ મહત્ત્વની છે ઔષધ અને પથ્ય (ચરી). જો પથ્યના પાલન સાથે ઔષધનું સેવન કરવામાં આવે તો અચૂક ફાયદો થાય છે, નહીં તો કોઈક વાર અનર્થકારક પરિણામ આવવાનો પણ સંભવ રહે છે. ચરી નહીં પાળવાથી ઔષધની અસર થતી નથી અને ક્યારેક તો ઔષધ વિપરીતપણે પરિણમે છે. તેવી જ રીતે ગુરુઆજ્ઞારૂપ પથ્યના પાલન સાથે જો સત્સાધનરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો તે અચૂક ગુણકારી થાય છે, નહીં તો આત્માર્થની હાનિ થવારૂપ અનર્થકારક વિપરિણામ આવે છે.
ઔષધ આરોગ્યનું કારણ હોવા છતાં પણ પથ્યનું પાલન આવશ્યક છે. પથ્યપાલન વિના આરોગ્યની સિદ્ધિ થતી નથી. ઉદાહરણ તરીકે મળશુદ્ધિ કરવાના આશયથી જો હરડે ગ્રહણ કરે, પણ મગના પાણી પીવારૂપ તથા તળેલા પદાર્થો, મીઠાઈ વગેરે ભારે વાનગીઓ ન ખાવારૂપ પથ્યનું પાલન ન કરે, તેને હરડે ગ્રહણ કરવા છતાં મળશુદ્ધિના કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. જેમ પથ્યના પાલનપૂર્વક જો ઔષધનું ગ્રહણ થાય તો જ કાર્યસિદ્ધિ થાય, તેમ આજ્ઞા-આરાધનરૂપ પથ્યના પાલન-પૂર્વક શ્રીગુરુએ બતાવેલ સત્સાધનરૂપ ઔષધનું ગ્રહણ થાય તો જ ભ્રાંતિરૂપ રોગ મટે એમ પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ કહે છે. પથ્યનું પાલન અંતઃકરણના ભાવ વિના શક્ય નથી. રોગમુક્તિ માટેનો ભાવ જેટલો ઉગ્ર, તેટલું પથ્યનું પાલન કડક. જેટલું પથ્યપાલન કડક, તેટલી ઔષધની અસર ઝડપી.
રોગ નિર્મૂળ થાય એમ જે જીવ અંતઃકરણથી ઇચ્છે છે તે કુશળ વૈદ્યનું શરણ લે છે અને પોતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના પ્રમાણે ઔષધસેવન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org