Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
સ્વરૂપસ્થ જ છે.
સદ્ગુરુનાં વચનોમાં જીવની ચિકિત્સા સમાયેલી હોય છે. જીવની ભૂમિકા, રુચિ, સંજોગો વગેરે અનેક કારણસર સદ્ગુરુનું વક્તવ્ય બદલાતું રહે છે અને તેથી સદ્ગુરુનું વ્યક્તિત્વ અને વક્તવ્ય બન્ને એકસરખાં જોવા મળતાં નથી. જો આચરણ-ઉચ્ચારણને સમાન કરવામાં આવે તો કાં ગુરુ, કાં શિષ્ય - બેમાંથી એકને ચોક્કસ હાનિ પહોંચે. જો કોઈ વૈદ્ય નક્કી કરે કે ‘હું જે ખાઉં છું તેની જ સલાહ મારા બધા દરદીઓને આપું', તો દરદી હેરાન થાય અને જો એમ ધારે કે દરદીને આપેલી દવા હું પણ લઉં', તો તે પોતે હેરાન થાય! તેમ સદ્ગુરુ જે ભૂમિકામાં છે તે અનુસાર ઉપદેશ આપે તો સામેવાળાને સૂઝ ન પડે અને તેઓ શિષ્યને જે કહે તે પ્રમાણે પોતે કરે તો તેમની દશાને નુકસાન થાય. આ રીતે વૈઘની દવા જેમ બીમાર જીવના લાભાર્થે હોય છે, તેમ સદ્ગુરુનું વક્તવ્ય અજ્ઞાની જીવના ઉદ્ધાર માટે હોય છે.
સદ્ગુરુરૂપી વૈદ્ય અનંત કરુણાથી જીવને તેના ભ્રમની માદકતા અનેક પ્રકારે સમજાવે છે. અસીમ કૃપાસિંધુ સદ્ગુરુ જીવને આત્મભાંતિથી થતા અકલ્પ્ય નુકસાનમાંથી ઉગારે છે. સદ્ગુરુ અસીમ કૃપા કરી મિથ્યાત્વરૂપી શસ્ત્રની તીક્ષ્ણ ધારથી થતા આત્મઘાતથી જીવને બચાવે છે. સ્વરૂપવિભ્રાંતિના કાળ એવા સદ્ગુરુ જીવનું મિથ્યાત્વ તોડાવી તેનું ભવચક્ર છેદે છે. સદ્ગુરુની નિશ્રામાં મિથ્યાત્વના નાશનું કાર્ય કોઈ અનેરી સરળતાથી, જાણે વિના પ્રયાસે સંપન્ન થાય છે.
આમ, તત્ત્વલોચનના દાતા સદ્ગુરુ એ મોક્ષપ્રાપ્તિનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સદ્ગુરુ ક્ષુદ્રતામાં જીવતા જીવને બહુ પ્રેમથી પ્રેરણા કરી જાગૃત કરે છે. તેઓ જીવના સુષુપ્ત ઉપાદાનને જાગૃત કરે છે અને સ્વપરાક્રમની દિશા ચીંધી તેના ઉપર પરમ ઉપકાર કરે છે. સદ્ગુરુના અમાપ અનુગ્રહથી પોતાનાં આગ્રહ, અભિમાન, ઇચ્છા, આકર્ષણ આદિ સર્વનો અંત લાવી, અનંત અવ્યાબાધ સુખના માર્ગે ચાલવાનો અપૂર્વ નિશ્ચય જીવને બંધાય છે, આત્મકલ્યાણનો દઢ મનોરથ ઉદ્ભવે છે. સદ્ગુરુ તેનામાં આત્મપ્રાપ્તિ માટે એવી ઝૂરણા જગાવે છે કે તે આત્મપ્રાપ્તિ કરવાના પ્રયત્નમાં જ લાગેલો રહે છે. તેને બીજું કંઈ સૂઝતું જ નથી.
સદ્ગુરુની અલૌકિક દેશનાના બળે જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેમના વચનયોગથી જીવને પોતાની સર્વ મૂંઝવણોનો ઉકેલ મળી જાય છે. સદ્ગુરુની કોમળતા, પ્રેમાળતા, શાંતતા, પ્રસન્નતા, નિઃસ્પૃહતા આદિ અનંત ગુણોને ઝળકાવતી અલૌકિક મુદ્રા તેને અપૂર્વ સ્વભાવ તરફ આગળ ને આગળ ધપાવે છે. સદ્ગુરુના દર્શનથી તેનું હૃદય કોમળ થઈ જાય છે, શાંતિ અનુભવે છે. સદ્ગુરુને નમવું તેને આનંદદાયક લાગે છે. સદ્ગુરુના નિરાળા જીવન તેમજ તેમની આત્મદશાના અવલોકનથી તે પ્રસન્નતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org