________________
કળશ-૧૫૭
૭૧
એની પાસે આવ્યા નથી. એની પાસે તો મને આવ્યા’ એવી મમતા એની પાસે આવી છે. આહા..હા...! એ મમતા દુઃખરૂપ છે. આ..હા..હા....!
પ્રશ્ન :- મમતા ભલે દુઃખરૂપ હોય પણ પૈસા તો સુખરૂપ છે ને ?
સમાધાન :– પૈસા તો ક્યાંય રહી ગયા, ધૂળ તો એને અડતી પણ નથી. એને અડે છે મમતા ! આહા..હા...! વાતું ફેર છે, બાપુ ! આખી દુનિયાથી (જુદી જાત છે). અત્યારે તો સંપ્રદાયમાં પણ આ વાત રહી નથી. શું કહીએ ? આખી ચીજનો બદલો થઈ ગયો !
અંદર ભગવાનઆત્મા ! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ રાગ છે, શુભ છે, વિકાર છે. એનાથી પ્રભુ અંદર જુદો છે. કેમકે એ રાગ તો પલટે છે. શુભરાગ થયો વળી અશુભ થાય. અહીં સાંભળવામાં અત્યારે શુભ રાગ છે, વળી જ્યાં ઘરે કે દુકાનમાં જશે તો ત્યાં હોળી સળગશે ! આ કરો.. આ તાર કરો, આને આ કરો... પાપ ! ભાઈ ! એ પુણ્ય અને પાપના બન્ને પરિણામ પલટતા, નાશવંત છે અને એની સામે અંદર ભગવાનઆત્મા ચિદાનંદસ્વરૂપ અવિનાશી બિરાજે છે એની એને ખબરું ન મળે. આહા..હા...! ધર્મને નામે પણ દયા, દાન, વ્રત, ભક્તિને ધર્મ માની અનંતકાળથી રખડી મર્યો છે. આહા..હા...!
અંદર આત્મા... અહીં આસ્વાદે (છે) એમ આવ્યું ને ? કોને આસ્વાદે છે ? ત્રણ કાળ શુદ્ધ સ્વરૂપને આસ્વાદે છે. અજ્ઞાની કોને આસ્વાદે છે ? રાગ અને દ્વેષને (આસ્વાદે છે). મેસુબ આવે કે રસગુલ્લા આવે એને એ વેદતો નથી, ઈ તો જડ છે. તેના તરફ લક્ષ કરીને ઠીક છે’ એવો રાગ કરે એને એ વેઠે છે. રાગને વેદે છે, દુઃખને વેદે છે. અરે.. અરે...! આ માપ ? સમજાણું કાંઈ ?
અનાદિનો અજ્ઞાની સાધુ થયો, દિગંબર મુનિ થયો, પંચ મહાવ્રત પાળ્યા તોપણ એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખરૂપ છે, સમજાણું કાંઈ ? રાગ છે. આ..હા..હા...! આવી વાતું ભારે આકરી, ભાઈ ! એ રાગના વેદનમાં, દુઃખના વેદનમાં એની જીંદગી અનંતકાળ ગઈ. રાજા થયો, અબજોપતિ થયો, તોપણ તે રાગના વેદનમાં, દુઃખના વેદનમાં હતો. આહા...હા...! હવે, વાત ગુંલાટ ખાય છે. પ્રભુ ! આત્મા અંદર આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન છે. ઘન છે, ચૈતન્યનો સમૂહ છે, આનંદનો પિંડ છે, સચ્ચિદાનંદ છે. સત્ શાશ્વત ચિત્ જ્ઞાન અને આનંદનો સાગર છે ઈ. તમારા રૂપિયાની તો ગણતરી હોય કે, આ બે કરોડ કે ત્રણ કરોડ કે ધૂળ કરોડ. આનું તો માપ નથી એટલા અંદર રત્ન પડ્યા છે ! આત્મામાં ચૈતન્યના રત્નો, અનંત ગુણરૂપી રત્ન અંદર પડ્યા છે, ભાઈ ! આ..હા..હા...! એવા ભગવાનઆત્માની જેણે સ્વસન્મુખ થઈને ૫રથી વિમુખ થઈને, નિમિત્તો, રાગ અને એક સમયની દશાથી પણ વિમુખ થઈને પૂર્ણાનંદના નાથની સન્મુખ થઈને જેણે આત્માને જાણ્યો અને વેઠ્યો એને ધર્મી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
અહીં તો બે-પાંચ-દસ કરોડ હોય એમાં પાંચ લાખ ખર્ચે તો કહે, ઓ..હો..હો...!