________________
કળશ-૧૬૦
સન્મુખ થઈને વેદન થયું તો કહે છે કે, એ પ્રાણી નિઃશંક છે. આ..હા...! એને અકસ્માત ભય નથી. એટલે ? અણચિંતવ્યું કંઈ આવી જાય અને મને નુકસાન કરે તો ? એવું સમિકતીને હોતું નથી. કારણ કે અણચિંતવી ચીજ જ વસ્તુ ધ્રુવ આનંદકંદ પ્રભુ દૃષ્ટિમાં છે એમાં અણચિંતવ્યું કાંઈ થાય કે અકસ્માત્ કોઈ બીજો આવીને ત્યાં એને દખલ કરે એવી ચીજ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
જે ચીજમાં કર્મનો પણ જ્યાં અભાવ છે. આઠ કર્મ જે છે એનો પણ જેમાં અભાવ છે અને એ રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ વસ્તુ છે. આ..હા...! બધાના આત્મામાં આવી ભગવત્ સ્વરૂપ ચીજ બિરાજે છે. એની જ્યારે દૃષ્ટિ અને અનુભવ થાય છે ત્યારે એને કંઈ અકસ્માત ભય રહેતો નથી. જે છે ઈં છે, એમાં અકસ્માત શું થાય ? આહા..હા...! કોઈ ભીંતની ઓથે ઊભો હોય અને એકદમ ભીંત પડે (એને) લોકો અકસ્માત કહે. ઝાડની નીચે ઊભો હોય અને વાવાઝોડું થઈને ડાળ પડે, ઝાડની ડાળ માથે પડે ! અકસ્માત્, કાંક ઊભો હોય, ગામમાં ઊભો હોય અને બહારથી સિંહ આવે. સિંહ ફરતા (ફરતા) ગામને પાદરે આવી જાય છે. એટલે અકસ્માત્ જાણે આમ ઊભો હોય અને એકદમ એને પકડે. એવું અકસ્માત આત્મામાં નથી, કહે છે. આહા..હા...! એક ગામ હતું ત્યાં સિંહ મોઢા આગળ આવ્યો હતો. બહાર ફરતા ફરતા મોઢા આગળ આવ્યો અને એક-બે ઢોરને માર્યા. ભેંસને મારીને એનું આળું ખાતો હતો. ગામને પાદર ! માણસ જાય ત્યાં જાય ત્યાં હાય... હાય...! માણસની વસ્તીમાં સિંહ આવ્યો તો લોકોને અકસ્માત લાગે ! જોકે ખરેખર અકસ્માત નથી, તે સમયે તે પર્યાય થવાની જ હતી. પણ આ આત્મામાં એવો પણ અકસ્માત નથી કહે છે. આહા..હા...!
૧૦૭
જે જ્ઞાનઘન અતીન્દ્રિય આનંદદળ એવો ભગવાનઆત્મા જેને દૃષ્ટિમાં અને અનુભવમાં આવ્યો તેને અંત૨માં કોઈ અકસ્માત થાય એ રહ્યું નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? આમ પચીસ વરસના ત્રણ-ચાર છોકરા હોય. પચીસ, ત્રેવીસ, એકવીસ, ઓગણીસ – બેબે વર્ષને આંતરે ચાર-પાંચ છોકરા હોય અને એકદમ વાઘ, સિંહ આવ્યો હોય ત્યારે એને મારે. ખાવાની તૈયારી હોય, ચૂરમાના લાડવા કર્યાં હોય અને જમવા બેઠા (હોય) એમાં સિંહ આવ્યો ! આહા..હા...! અકસ્માત લાગે છે ને ? જોકે ઈ અકસ્માત નથી. એ સમયે તે પર્યાય થવાની તે થાય છે. એવો અકસ્માત તો આત્મામાં પણ નથી કહે છે.
આહા..હા...! જ્ઞાનનું પૂર નૂર પ્રભુ ! એકલો જ્ઞાન સ્વભાવિક વસ્તુ પોતે (છે) એમાં અકસમાત ભય (નથી). એ જ્ઞાનના પૂરને અનુભવનાર જીવને અકસ્માત (ભય) હોતો નથી. આહા..હા...! જુઓને ! એક ફેરી થયું હતું ને ? એક કરોડપતિ શેઠિયો ઘોડાગાડી લઈને બહાર ફરવા નીકળ્યો. (તેની પાસે) ઘડિયાળ ને એવી થોડી ઘણી આઠેક હજારની ચીજ હશે. કરોડપતિ માણસ ! દીકરા, દીકરી, મોટા મકાન (હતા). બહાર ફરવા ગયેલો, જ્યાં
?