________________
કળશ-૧૮૧
૪પ૩
શરીર, વાણી, મનની તો વાત શું કરવી ? પરદ્રવ્ય તો પરમાં રહ્યાં, પણ આત્મા વસ્તુ ચૈતન્યઘન છે, શુદ્ધ સ્વભાવનો પિંડ પ્રભુ (છે) અને એમાં દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય એ રાગ છે. એ રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. સાંધ એટલે એક થયા નથી. અજ્ઞાનીએ અનાદિથી એક માન્યા છે. આહા..હા...! - ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ જીવતત્ત્વ – જીવદ્રવ્ય (છે) અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ (થાય) એ પુણ્ય, રાગ – પુણ્યતત્ત્વ (છે). અંદર બે તત્ત્વ ભિન્ન છે. કર્મ, શરીરની તો વાત શું કરવી ! એ તો તદ્દન પરદ્રવ્ય છે. પણ આત્માની પર્યાયમાં રાગ જે થાય, શુભ રાગ કે અશુભ રાગ (થાય) એ વિકલ્પ છે, એ અસ્તિ છે પણ ચૈતન્યતત્ત્વ અને એ રાગના અસ્તિ તત્ત્વની વચ્ચે સંધિ છે, સાંધ છે, બે એક નથી. આહા...હા...!
કાલે કહ્યું હતું ને ? લાખો મણના મોટા પથ્થર હોય છે ને ? એ પથ્થરની અંદર કુદરતે રગ હોય છે, ઝીણી રગ હોય છે). “રાજકોટમાં જંગલ ગયેલા ત્યારે જોયેલું. આમ પથ્થરના દળિયા, એમાં એક દોરી જેવી વચ્ચે સંધિ હોય છે. ઉપરના પથરાને અને નીચેના પથરાને (જુદી પાડતી) એક દોરી જેવી ઝીણી સાંધ હોય છે. અંદર બે એક નથી. કુદરતના પથ્થરના દળમાં પણ એક પથ્થરનું દળ અને બીજા દળ વચ્ચે સાંધ હોય છે, રગ હોય છે. એમાં કોતરી અને દારૂની વાટ મૂકે, અને મૂકે ને ભાગે ! એ ફૂટતાં) એકદમ પથરા ઉડી જાય. બે વચ્ચે સાંધ છે), અંદર જુદા છે. કુદરતના પથ્થરના દળ જુદા છે. આહા...હા....!
એમ આત્મા ભગવાન જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ અને રાગ, ચાહે તો દયાનો, દાનનો, ભક્તિનો (હો), પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર તરફની ભક્તિનો પણ એ રાગ છે... આહા..હા..! કેમકે નવ તત્ત્વમાં એ રાગ એક પુણ્યતત્ત્વ છે. અથવા એ આસ્રવતત્ત્વ છે. એ તત્ત્વ અને ચૈતન્યતત્ત્વની વચ્ચે સાંધ – તડ છે, તડ ! બે એક નથી થયા. અનાદિથી અજ્ઞાનીએ એક માન્યા છે, પણ) એક થયા નથી. એ અહીં કહે છે.
“જીવ-કર્મનો અન્ત સન્ધિબંધ...” જીવ અને રાગ. કર્મ શબ્દ અહીં રાગ (લેવો). કર્મ ભલે જડ લ્યો, પણ જડ તરફના લક્ષવાળો જે રાગ (છે), રાગ. ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો. જીવતત્ત્વ ભગવાન અને રાગતત્ત્વ બેની અંતઃસંધિનો બંધ છે. અંતઃસંધિનો સંબંધ લાગે છે. (એક) છે નહિ, છે જુદાં. આહા..હા..! ઝીણું બહુ, પ્રભુ ! અંતરનો માર્ગ ઝીણો છે. અનંતકાળથી એ રાગ અને ભગવાન બે ભિન્ન છે એની ભિન્નતા એણે કરી નથી. છે ભિન્ન. આહા...હા...! શરીર, કર્મ, વાણી ને કુટુંબ-કબીલા અરે..! દેવ-ગુરુ ને શાસ્ત્ર એ તો ક્યાંય પર રહી ગયા. પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચે તો અત્યંત અભાવ છે. પણ અહીંયાં સૂક્ષ્મ સંધિ – પ્રજ્ઞાછીણી કહેવી છે ને ? રાગનો વિકલ્પ જે ઉઠે એ અને નિર્વિકલ્પ ચૈતન્ય સ્વભાવ બે વચ્ચે અન્તઃસંધિનો બંધ છે. જોયું? અન્તઃસંધિ (કહ્યું છે). જે અંતરમાં સાંધવાળો સંબંધ. આહા...હા..! ઝીણું બહુ ! કેમ ?