________________
૫૪૪
કલામૃત ભાગ-૫
જોનાર કેવો છે ? અને કોણ છે ? એની તો ખબર નથી. દુનિયાના બધા ડહાપણ કર્યા, પણ અંદર ચીજ શું છે તેની તો કોઈ દિ દરકાર કરી નહિ. “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' પોતાની ચીજ અંદર અતીન્દ્રિય આનંદનો કંદ અને જ્ઞાનમૂર્તિ છે.
અહીંયાં પહેલા શબ્દનો અર્થ કરવો છે. મોક્ષાર્થી – એ પહેલા શબ્દનો અર્થ કરવો છે. શું ? જેને અંતરમાં અતીન્દ્રિય આનંદ છે એ પૂર્ણ અતીન્દ્રિય આનંદની જેને અભિલાષા છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ જે આત્મામાં છે તે પૂર્ણ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવાનો જેનો અભિપ્રાય છે. અભિપ્રાય સમજાય છે ? આશય. તેને અહીંયાં મુમુક્ષુ કહે છે, તેને યોગી કહે છે. અર્થાત્ પોતાની ચીજ જે અતીન્દ્રિય આનંદમય છે), અંદર વસ્તુ છે ને ? પદાર્થ છે, તત્ત્વ છે, અસ્તિ છે, મોજૂદ ચીજ છે. અંદરમાં જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે, આ શરીર તો જડ, માટી – ધૂળ છે, પણ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, આ કમાવું, રળવું એ બધા ભાવ મલિન ભાવ છે. એ મલિનભાવની પાછળ અંદર અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ આત્મા (છે) તેનું જેને પ્રયોજન છે - મોક્ષાર્થી. એવા અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવાનો જેનો અભિપ્રાય છે તેને મોક્ષાર્થી કહે છે. બીજી ભાષામાં તેને મુમુક્ષુ કહે છે. ત્રીજી ભાષામાં તેને યોગી કહે છે. યોગી નામ... આ બહારના બાવા યોગ (કરે) એ યોગી નહિ, અંતર આનંદસ્વરૂપ ભગવાનઆત્મા, અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ, તેમાં યોગ નામ જોડાણ થવું. પોતાની વર્તમાન દશાને ત્રિકાળી ધ્રુવ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદમાં એકાગ્ર થવું, જોડવી, વર્તમાન દશાને અંદરમાં લઈ જવી તેનું નામ યોગી, મુમુક્ષુ, મોક્ષાર્થી (કહેવાય છે). જેના અભિપ્રાયમાં પૂર્ણ આનંદની પ્રાપ્તિનો આશય છે. આહાહા..! શરતું બહુ ! આ મોક્ષાર્થીની આટલી વ્યાખ્યા છે.
મોક્ષ નામ દુઃખથી રહિત થવું અને અતીન્દ્રિય આનંદ ભર્યો છે તેનાથી પૂર્ણ સહિત થવું તેનું નામ મોક્ષ (છે). રાગ-દ્વેષ, પુણ્ય-પાપ ભાવ થાય છે એ દુઃખ છે. આ કમાવું ને દવા કરવી ને વિકલ્પ ને એ બધું દુઃખ છે, એમ કહે છે.
મુમુક્ષુ :- આપની દવા કરવા આવે. ઉત્તર :- એ પણ રાગ છે. અહીંયાં તો સત્ય છે એ સત્ય રહેશે. આહાહા..! મુમુક્ષુ :- આત્માનું ઇંજેક્શન.. ઉત્તર :- આત્માનું ઇંજેક્શન જુદું છે !
અહીંયાં ભગવાન આત્મા.... ભાઈ ! એ વસ્તુ શું છે ? ભગ નામ.. ભગવાન શબ્દ પડ્યો છે ને ? તો એનો અર્થ, ભગ નામ લક્ષ્મી થાય છે. કેવી લક્ષ્મી ? અંતરમાં આનંદ અને જ્ઞાન જેમાં પડ્યા છે એ લક્ષ્મી. એ લક્ષ્મીવાન આત્મા છે. એ શરીરવાન નહિ, પુણ્યપાપના વિકલ્પ જે રાગ ઉઠે છે, દયા, દાન, કામ, ક્રોધનો (રાગ ઉઠે છે) એ પણ એના નહિ, એના સ્વરૂપમાં નથી. આહા..હા...! જરી વાત તો ઝીણી (છે), આ શ્લોક ઝીણો છે.