________________
કળશ-૧૬૬
૧૮૭
મુમુક્ષુ :- આત્મા સાથે એકત્વ ન થયું.
ઉત્તર :- એકત્વ જ ક્યાં થયું છે ? પંચ મહાવ્રત પાળ્યા, દયાઓ પાળી, સત્ય બોલ્યા, શરીરથી બ્રહ્મચર્ય પાળ્યા. એ તો બધી રાગની ક્રિયા છે. એ તો વૃત્તિનું ઉત્થાન છે. સ્વરૂપ છે એ તો જ્ઞાતા-દૃષ્ટા આનંદકંદ છે. આહાહા...! એ વૃત્તિના ઉત્થાનમાં એકાકાર થઈને પડ્યો એ મિથ્યાદૃષ્ટિ છે. ચાહે તો હજારો રાણી છોડીને મુનિ થયો હોય, કરોડોની પેદાશ છોડીને, દુકાન છોડીને (મુનિ) થયો હોય. આહાહા...! સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- છોડ્યું એટલો લાભ તો ખરો ને ?
સમાધાન :- છોડ્યું છે એ માન્યતા જ મિથ્યાત્વ છે. છોડે કોણ અને ગ્રહણ કરે કોણ ? આત્મા પરને છોડે અને ગ્રહે ? ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ આત્મામાં એવો એક ગુણ છે કે પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી રહિત એનો સ્વભાવ છે. આહા...હા...! આવી વાતું છે. સમજાણું કાંઈ ?
નિશ્ચયથી તો અંતર સ્વરૂપની દૃષ્ટિમાં તો રાગને છોડવો અને સ્વરૂપને ગ્રહવું એવો વિકલ્પ પણ ત્યાં નથી. આહા...હા...! સ્વભાવ આનંદ તરફ ઢળે છે ત્યારે એને વિકલ્પ – રાગની ઉત્પત્તિ થતી નથી તેથી એણે રાગને ત્યાગ્યો એમ વ્યવહારથી કથન કહેવામાં આવે છે. આહા..હા..! આવી વાતું, ભારે ઝીણું, બાપુ ! સમજાણું કાંઈ ? ભગવાન અંદર પરમાનંદની મૂર્તિ પ્રભુ ! એ તો અંદર અનાકુળ શાંતિનો સાગર છે. આહા..હા..! એમાં જેનો ઝુકાવ થયો. આહા...હા...! એને પર તરફના ઝુકાવનો રાગ આદિ થાય તેનો એ જ્ઞાતા છે. તેનો પુરુષાર્થ સ્વભાવ તરફ ઢળી ગયો છે. આહા..હા...! એથી એને એવી કોઈ મન-વચન-કાયાની ક્રિયા થાય તો એનાથી એને બંધ છે નહિ. આહાહા....! અને સાધુ થયો હોય, એકેન્દ્રિય જીવને પણ ન મારવાનો ભાવ હોય, લીલોતરી આ બધા એકેન્દ્રિય જીવ છે. વનસ્પતિ, લીમડો, પીપળા, ડુંગળી એ બધામાં અનંત જીવ છે. આ..હા..હા...! એને જેને મારવાનો ભાવ નથી પણ દયાનો ભાવ છે એ રાગ છે. એ દયાનો ભાવ છે એ રાગ છે અને રાગ છે તે સ્વરૂપની હિંસા છે. ઝીણી વાત છે, ભાઈ ! જગતમાં આનાથી બધું ઊંધું છે.
પુરુષાર્થ સિદ્ધિઉપાયમાં કહ્યું છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવ ! રાગ તે હિંસા છે. ચાહે તો પરની દયા પાળવાનો ભાવ પણ વિકલ્પ છે, રાગ છે. આહા...હા...! એમાં સ્વરૂપની હિંસા છે. ભગવાન જ્ઞાતા-દષ્ટા, રાગની હિંસાના ભાવથી રહિત એનું સ્વરૂપ છે. આહા...હા...! અહિંસા પરમો ધર્મ એને કહીએ કે, રાગની ઉત્પત્તિ ન થાય અને વીતરાગ દશાની ઉત્પત્તિ થાય તેને અહિંસા ધર્મ કહે છે. આહા...હા...! પરને ન મારવા અને એની દયા પાળવી એ અહિંસા. એ અહિંસા ધર્મ છે જ નહિ. આહા...હા...! આકરું પડે માણસને ! પેલી આજીકા કહે, દયાનો શુભ ભાવ બળપૂર્વક કરવો, રુચિથી કરવો અને તે પછી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન આત્માની સમાધિનું કારણ થાય. અરે..રે...! પ્રભુ ! શું કરે છે ? ભાઈ !