________________
૨૯૨
કિલામૃત ભાગ-૫ ભગવાન પૂર્ણ આનંદ વીતરાગ થઈ ગયા. આહા..હા..! સર્વજ્ઞ કેવળી ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણે. આહા...હા...! એની વાણી એકાક્ષરી (હોય છે). એની અંદર ૭૦૦ ભાષા આવે. સાંભળવાવાળા પોતાની ભાષામાં સમજે. પણ ભગવાનના મુખમાંથી ‘ૐ ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ભગવાનની વાણીમાંથી આગમ રચે. ભગવાનની વાણીમાંથી આવે એને આગમ કહીએ, હોં ! આહાહા..! જુઓ ! આ બધા પરમાગમ છે. આમાં પોણા ચાર લાખ અક્ષર છે. એ બધી પરમાત્માની વાણી છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી છે. પોણા ચાર લાખ અક્ષર છે, મશીનથી કોતરાયેલા છે, હિન્દુસ્તાનમાં પહેલું વહેલું છે. મશીન ક્યાંય આવ્યું નથી. અહીં ઇટાલીથી મશીન આવ્યું હતું, અહીંયાં છે. એનાથી આ પોણા ચાર લાખ અક્ષર કોતરાયેલા છે. તેથી આને પરમાગમ કહેવામાં આવે છે. પરમાગમ મંદિર કહેવામાં આવે છે. પોણા ચાર લાખ અક્ષર ! સોનાના અક્ષર સાઠ હજાર કરવાના હતા. લોકો કહેતા હતા. અમે કોઈ દિ' કહ્યું નથી કે, તમે આટલું કરો. લોકો કહે કે, અમારે આ કરવું છે. સાઠ હજાર સોનાના અક્ષર ! મેં ના પાડી. ભાઈ ! અમે જંગલમાં છીએ, તમે સાઠ હજાર સોનાના અક્ષર (લખવા માગો છો). બંધ રાખ્યું, પંદર હજાર કરીને બંધ કરી દીધું. એ બનવાનું હોય ત્યાં બને છે, એને બનાવનાર આત્મા એમ માને કે મેં બનાવ્યું ! આહા..હા...! આકરી વાતું (છે). એનો ભાવ શુભ હો. પણ ઈ શુભ પણ પુણ્ય છે. એ પણ પર આશ્રિત ભાવ છે અને એનાથી ધર્મ માને તો મિથ્યાત્વ છે. આ..હા...હા...!
પ્રશ્ન :- ધર્મનું કારણ માને તો ?
સમાધાન – કારણ-ફારણ બિલકુલ નહિ. ધર્મ વીતરાગી પર્યાયનું કારણ કારણપરમાત્મા આત્મા (છે). ત્રિકાળી ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ! ભગવાન સર્વશે કહ્યો એ આત્મા. બીજાઓ કહે ઈ નહિ. એવો જે અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ (બિરાજે છે), જેને પ્રભુ કારણ પરમાત્મા કહે છે, એ કારણપરમાત્મા ધર્મની પર્યાયનું કારણ થાય છે. આહાહા...! બહુ ફેર, વાતે વાતે ફેર ! આહા..હા...!
અહીં તો આટલા શબ્દનો અર્થ મોટો આકરો છે. કારણ કે...” શું કારણ? ‘મિથ્યાત્વ ભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે.” હવે કહે છે, એનો હેતુ ? “મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ.હા...હા...! પરનું કરી શકું એ મિથ્યાત્વ ભાવ (છે), એ વ્યવહાર (છે) અને પરને આશ્રયે થતો વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ, એ ભાવ પણ પરાશ્રિત લક્ષવાળો ભાવ છે). એને પોતાના માનવા એટલે જેટલા મિથ્યાત્વ ભાવ (છે) તેટલા વ્યવહાર ભાવ કહેવામાં આવે છે. આહાહા..! આકરી વાતું છે આ ! સાધારણ માણસને તો પાગલ જેવું લાગે એવું છે. આ શું માંડી ? ભગવાને એમ માંડી છે, બાપુ ! તું સાંભળ !