________________
૩૫૦
કિલશામૃત ભાગ-૫
અને ભગવાન તો એ પુણ્ય-પાપ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે. આહા...હા..! અરે.રે....! ક્યાં સાંભળવા મળે ? ને ક્યાં વિચારે ? એમ ને એમ જિંદગી પૂરી કરીને ચાલ્યા જાય
“મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે....” જોયું? એ પોતાના માનીને અનુભવે છે એટલે એનો સ્વામિ થાય છે અને ધર્મીને આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાનનો સ્વામિ છે. રાગનો સ્વામિ નથી. રાગ આવે ખરો પણ એનો સ્વામિ નથી એટલે કર્તા નથી. આહા..હા....! પુણ્યના પરિણામમાં ધર્મીને ધણીપતું નથી. શું કીધું છે ? ધર્મજીવને પુણ્ય પરિણામમાં ધણીપતું નથી. અજ્ઞાની જીવને પુણ્ય પરિણામમાં ધણીપતું – સ્વામિત્વપણું – આ મારું છે એમ હોય છે. બન્નેમાં આ મોટો ફેર છે. આહા...હા...! સમજાણું આમાં ?
મુમુક્ષુ – સમ્યક્દૃષ્ટિના પુણ્યને તો સાતિશય પુણ્ય કહેવામાં આવે છે.
ઉત્તર :- એટલે શું ? પુણ્યાનુબંધી પુણ્ય, એમ. ભવિષ્યમાં પુણ્ય આવશે તો એને છોડીને પવિત્રતા પ્રગટશે એ અપેક્ષાએ વાત છે. મિથ્યાષ્ટિને પુણ્ય આવશે, એના ફળ આવશે તો એમાં રોકાઈ જશે. અમે પૈસાવાળા છીએ ને કુટુંબવાળા છીએ ને અમે મોટા છીએ. અમને દસ-દસ હજારના મહિને પગાર મળે માટે અમે બીજા કરતાં માહાભ્યવાળા છીએ ! ઈ ત્યાં પુણ્યના ફળમાં મરી જશે, ત્યાં રોકાઈ જશે. સમજાણું કાંઈ ?
અહીં હમણાં ત્રણ છોકરા નહોતા આવ્યા ? “મોરબી... મોરબી ! (એક મુમુક્ષુ હતા ઈ) ગુજરી ગયા. એકને આઠ હજારનો પગાર છે, “મુંબઈ ! એકને દસ હજારનો પગાર છે, એક “અમેરિકામાં રહે એને પંદર હજારનો છે. મહિને, હોં ! હમણાં ત્રણે આવ્યા હતા, નહિ? પણ બાપા ! એ તારા પગાર-ફગાર એ બધા પુણ્યના કારણ છે. એમાં કાંઈ મોટપ છે (એમ નથી), એમાં કાંઈ છે નહિ, ધૂળમાં પણ નથી.
મુમુક્ષુ :- આપ આમ કહો ને દુનિયામાં બહુ વખાણ કરે છે.
ઉત્તર :– એ દુનિયા પાગલ તો બીજાના વખાણ જ કરે ને ! પાગલની દુનિયા પાગલના વખાણ કરે. પંદર હજારનો પગાર ! એક દિવસના પાંચસો ! પણ વેપારીને તો મહિનામહિનાની વીસ-વીસ હજારની પેદાશ હોય. એક મહિનામાં વીસ શું લાખ-લાખની પેદાશ હોય. આ પેલો નથી ? એક રાજા. અરબસ્તાનનો એક રાજા છે તો એક કલાકના દોઢ કરોડની પેદાશ ! એક કલાકની દોઢ કરોડની પેદાશ અત્યારે છે. અરબસ્તાનમાં એક રાજા (છે) અને બીજો એક રાજા છે જેને એક દિવસની અબજની પેદાશ છે. અત્યારે છે. એક દિવસની અબજની પેદાશ, હોં! મૂડી જુદી. એથી શું પણ ? ધૂળ ! મરીને હેઠે નરકે જવાના. આહા..હા..! પૂર્વના કોઈ પાપાનુબંધી પુણ્ય મિથ્યાત્વસહિત બાંધ્યું હોય એને લઈને આ બધો દેખાવ દેખાય. પણ સાંજની સંધ્યા પછી અંધારા ! એમ આ બધા દેખાવ પછી અંધારામાં ચાલ્યા જવાના.