________________
પત્રક–૩૦૪
તા. ૧૨-૧૧-૧૯૮૯, પ્રવચન . ૮૩ પત્રક – ૩૦૪, ૩૦૫ અને ૩૦૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્રાંક ૩૦૪, પાનું ૩૦૮. “સોભાગભાઈ' ઉપરનો પત્ર છે. યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. આ અરસામાં મળવાનું થયું લાગે છે. કારતક સુદ ચાલે છે. સમાગમનો સંબંધિત (વિષય) પત્રમાં દર્શાવ્યો છે. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલીને વાત કરવા દેતા નથી. અમારી સાથે મન ખોલીને તમારે જે વાત કરવી જોઈએ એ બે ચાર કારણોવશ તમે નથી કરી શકતા. એવું અમે જોયું. કારણો પણ દર્શાવે છે.
એક તો “અનંત કાળનું વલણ... પરિણતિ. અનંત કાળનું પરિણતિમાં વલણ છે. બીજું, “સમાગમીઓનું વલણ....' આ એક ધ્યાન ખેંચ્યું છે કે તમને જે સંગ છે એ સંગ બરાબર નથી. કુસંગ પ્રત્યે ધ્યાન દોર્યું છે. એક તો અનંત કાળનું વલણ બરાબર નથી. બીજું તમે જેના સમાગમમાં છો, જેના પરિચયમાં છો એ પણ બરાબર નથી.
મુમુક્ષુ :- કુસંગ તો ટાળી શકાય છે, અસત્સંગ ટાળી શકાતો નથી. - પૂજ્ય ભાઈશ્રી :- અસત્સંગ ટાળી નથી શકાતો પણ પોતે તો સાવધાન રહી શકે છે ને ! રસ પોતે કેટલો લેવો એ તો પોતા ઉપર આધારિત છે કે એ કાંઈ બહારના સંયોગો ઉપર આધારિત છે ? પોતે ઊલઝી ઊલઝીને પડે અને પછી સંગ ઉપર દોષ નાખે તો એ વાત તો કાંઈ યોગ્ય નથી. લોકના દ્રવ્યો લોકમાં છે. પોતે લોકમાં છે અને લોકના દ્રવ્યો લોકમાં છે. છએ દ્રવ્યનો સંયોગ છે.
વાસ્તવિકતાએ જોવામાં આવે તો કોઈ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ પોતાને માટે નથી. જે છે તે પૂર્વકર્મને કારણે છે. જે છે એમાં પણ પોતે પૂર્વના અપરાધથી નિમિત્ત છે, પોતાનો અપરાધ જ નિમિત્ત છે. મફતનો તો કોઈ સંયોગ વિષે ગયો નથી કે આવ્યો નથી. એટલે ઇષ્ટ-અનિષ્ટપણું કરે છે એ પોતે કરે છે. જ્ઞાતા-દષ્ટ રહેવું હોય તો કાંઈ તકલીફ નથી, આપત્તિ નથી અને નહિતર વિટંબણાનો પાર નથી.