________________
૨૦૪
જૈન કાવ્યસાહિત્ય
પ્રાચીન પૂર્વધરોએ ભાગ લીધો તેમનાં કથાનકો શ્રમણવર્ગમાં ગુરુશિષ્યપરંપરાથી જીવિત છે. પ્રથમ, દસ આગમો ઉપર ભદ્રબાહુએ નિર્યુક્તિઓ લખી હતી, તેમાં આ કથાનકોનો સાધારણ ઉલ્લેખ છે. તે નિર્યુક્તિઓમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ ન થઈ શક્યો કારણ કે તે તો ગાથાઓ અને સૂત્રોનો અર્થ જ દર્શાવે છે. તે પછી સૂત્રો અને નિર્યુક્તિઓને વિસ્તારથી સમજાવવા માટે પ્રાકૃત ચૂર્ણિઓ રચાઈ. આ ચૂર્ણિઓમાં આ કથાનકો વિસ્તારથી ઉલ્લિખિત છે. આ ચૂર્ણિઓને પણ વિસ્તારથી સમજાવતી ટીકાઓ હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોએ લખી. આ વિપુલ કથાનકોના સમુદાયનો ઉપયોગ હેમચન્દ્રાચાર્યે પરિશિષ્ટપર્વનું નિર્માણ કરવામાં કર્યો છે. પ્રો. યાકોબીએ પરિશિષ્ટપર્વની સંપૂર્ણ સામગ્રીનું વિશ્લેષણ કર્યું છે અને દર્શાવ્યું છે કે હેમચંદ્ર પોતાની આ કૃતિમાં પ્રાયઃ પૂરેપૂરી સામગ્રી પ્રાચીન સ્રોતોમાંથી લીધી છે. તેમ છતાં હેમચન્દ્રની આ કૃતિ ખરેખર શ્લાઘનીય છે કારણ કે તે વિખરાયેલી સામગ્રીને ઐતિહાસિક ક્રમમાં જોડે છે અને ઓજસ્વી કાવ્યશૈલીમાં પ્રસ્તુત કરે. છે. કાવ્યની દૃષ્ટિએ તે કથાનકોને કલ્પના અને કાવ્યમાધુર્ય આપીને હેમચન્દ્ર ખૂબ શણગાર્યા છે અને આવશ્યક વિસ્તાર તથા ભાષાપરિવર્તન દ્વારા પ્રાચીન પરંપરાના ઈતિહાસને સચ્ચાઈથી રજૂ કર્યો છે.
પ્રથમ પર્વથી પાંચમા પર્વ સુધીમાં જબૂસ્વામીથી શરૂ કરીને ભદ્રબાહુ સુધીનો વૃત્તાન્ત છે. તેમાં બીજું અને ત્રીજું પર્વ અનેક પ્રકારની પ્રાણીકથાઓ, લોકકથાઓ અને નીતિકથાઓથી ભરેલું છે. પાંચમા પર્વના મધ્ય ભાગથી આઠમા પર્વ સુધી આપણને ભારતના પ્રાચીન રાજનૈતિક ઈતિહાસ માટેની અદૂભુત સામગ્રી પ્રાપ્ત થાય છે, જેમકે પાટલિપુત્રની સ્થાપના, નન્દ રાજાઓનું આખ્યાન, મૌર્ય ચન્દ્રગુપ્ત અને તેમના મંત્રી ચાણક્ય, વરરુચિ, શકટાલ, પછી બિન્દુસાર, અશોક, સમ્મતિ વગેરેના વિશે મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. આ ભાગ ભારતીય ઈતિહાસ માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. નવમાથી તેરમા પર્વ સુધીના આ અન્તિમ ભાગમાં સ્થૂલભદ્રથી શરૂ કરી વજસ્વામી સુધીની જૈન પરંપરાનો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.
આમ પ્રસ્તુત કૃતિમાં જબૂસ્વામીથી વજસ્વામી સુધીના પટ્ટધરોનાં જીવનો અને તેમના દ્વારા ઐતિહાસિક કથાનકોનો સારો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કૃતિ પૂર્વે ભદ્રેશ્વરની કહાવલીમાં ૬૩ શલાકાપુરુષો ઉપરાંત સંક્ષેપમાં પટ્ટધરો તથા કાલભાચાર્યથી હરિભદ્રસૂરિ સુધીના યુગપ્રધાનોની કથાઓ કેવળ સંગ્રહરૂપમાં આપી છે. કહાવલીથી પરિશિષ્ટપર્વમાં એ વિશેષતા છે કે પરિશિષ્ટપર્વમાં એકસૂત્રતા, પ્રવાહિતા, પ્રસાદ અને સુશ્લિષ્ટતા વગેરે ગુણો અધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org