________________
૫૦૬
નિર્વાહ પૂર્ણતઃ થયો નથી. આ ત્રુટિ સિવાય આ રચનામાં મહાકાવ્યનાં અન્ય બધાં શાસ્ત્રીય લક્ષણોનો નિર્વાહ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ઉદાત્ત ભાષાશૈલી, પ્રૌઢ કવિત્વકલ્પના, ગંભીર પાંડિત્ય, ઉચ્ચ આદર્શ અને માનવ જીવનની વિવિધતાનું દર્શન પણ આ કાવ્યમાં થાય છે.
શ્રેણિકચરિત્રમાં શાસ્ત્રીય શૈલીની સાથે સાથે પૌરાણિક શૈલીનું પણ દર્શન થાય છે. તેમાં અન્ય પૌરાણિક મહાકાવ્યોની જેમ સ્થાને સ્થાને ભગવાન મહાવીરની દેશનાઓ અને દેશનાઓમાં પણ અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે. આ કાવ્યમાં ભવાન્તરોના વર્ણન દ્વારા પૂર્વજન્મનાં પુણ્ય-પાપનાં ફળો ઉત્તરભવમાં દર્શાવવામાં આવ્યાં છે, જેમકે સેડુક બ્રાહ્મણ જૈનધર્મવિરુદ્ધ કાર્ય કરવાના કારણે દેડકો બને છે અને દેડકો ભક્તિભાવનાથી દેવ બની જાય છે. ઘણી અતિમાનવીય ઘટનાઓનું વર્ણન પણ આ કાવ્યમાં છે. આ બધી પૌરાણિક વિશેષતાઓ હોવા છતાં પણ શ્રેણિકચરિતને આપણે પૌરાણિક મહાકાવ્ય નથી માની શકતા કારણ કે તેના પ્રત્યેક પદ્યમાં ઉક્ત વ્યાકરણનો કોઈ ને કોઈ સિદ્ધ પ્રયોગ અવશ્ય દર્શાવવામાં આવ્યો છે. તેથી, શાસ્ત્રીયતાની તરફ અધિક બલ હોવાને કારણે તેને શાસ્ત્રીય કાવ્ય ગણવું જોઈએ. આ કાવ્યની કથાવસ્તુનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે પહેલાથી છઠ્ઠા સર્ગ સુધી રાજગૃહ નગર, શ્રેણિક નરેશ, તેની રાણીઓ અને રાજકુમાર અભયનું વર્ણન તથા મહાવીરનું આગમન, તેમના દર્શનાર્થ લોકોનું જવું, સમવસરણમાં અર્ચના-વંદના તથા તેમની દેશનાનું નિરૂપણ છે. સાતમા સર્ગમાં દેશના સમયે એક કોઢિયો આવી પોતાના પૂયરસથી મહાવીરની પૂજા કરી તેમને ‘મરી જાવ', શ્રેણિકને ‘જીવો', અભયકુમારને ‘જીવો ચાહે મરો' અને કાલશૌકરી કસાઈને ‘ન જીવો ન મરો' કહે છે. તેથી ક્રોધિક થઈને શ્રેણિક સૈનિકોને તેને પકડી લેવા આદેશ આપે છે પરંતુ તે અન્તર્ધાન થઈ જાય છે. ત્યારે આશ્ચર્યમાં પડી રાજા મહાવીરને તે કોઢિયા વિશે પૂછે છે. આઠમા, નવમા અને દસમા સર્ગોમાં કોઢિયા સુરના પૂર્વ ભવનું વર્ણન આપવામાં આવ્યું છે અને તેણે જે કહ્યું તેની વ્યાખ્યા આપવામાં આવી છે તથા શ્રેણિકનું રાજભવને પાછા ફરવાનું વર્ણન છે.
અગીઆરમા સર્ગમાં તે જ દેવ શ્રેણિકના સમ્યક્ત્વની પરીક્ષા કરે છે અને પ્રસન્ન થઈ એક ગોલ્લક અને એક અમૂલ્ય હાર આપે છે. બારમા સર્ગમાં કાલશૌકરી કસાઈના મરણનું તથા તેના પુત્ર સુલસના ધાર્મિક જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે.
Jain Education International
જૈન કાવ્યસાહિત્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org