Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ્રથમ આષાઢને અભિવર્ધિત કાળચૂલા તરીકે શાસ્ત્રમાં કહ્યો છે.
વાચકે એ વાત પણ બારીક બુદ્ધિથી વિચારવાની છે કે દરેક યુગના છેલ્લા અભિવર્ધિતમાં નિયમિત અવસ્થાનરૂપી પર્યુષણા કરવાનું બતાવતાં દરેક શાસ્ત્રકારો અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસનો જ વખત બતાવે છે તેથી તે દરેક યુગના છેલ્લા અભિવર્ધિતમાં બીજા અષાઢ સુદિ પુનમે જ ચાતુર્માસી દરેક શાસ્ત્રકારોએ કરવાનું જણાવ્યું છે, કેમકે પહેલી અષાઢ સૂદિ પુનમે ચાતુર્માસી કરી હોય તો નિયત અવસ્થાનરૂપ પર્યુષણા કરવાનું અષાઢ ચતુર્માસી પછી વીસ દિવસે રાખી શકત જ નહિ અને કદાચ કોઈ શંકાકારના કહેવા પ્રમાણે પહેલા અષાઢ સૂદિ પુનમે ચાતુર્માસી રાખી તેના પછી વીસ દિવસે પર્યુષણા કરવાનું નિયત કરે તો બીજા અષાઢ સુદિ પાંચમને દિવસ નિયત અવસ્થાનરૂપ પર્યુષણ કરવાનું નક્કી થાય અને તે હિસાબે પણ એટલે કાળચૂલારૂપ પ્રથમ અષાઢમાં સૂદિ પુનમે ચાતુર્માસી કર્યા છતાં પણ બીજા આષાઢ સુદી પાંચમે નિયત અવસ્થાનરૂપ પર્યુષણા કરતાં તે બીજા અષાઢની પણ પ્રમાણિકતા પ્રથમ અષાઢની ચાતુર્માસીની માફક માનવી પડે અને શ્રાવણ સૂદિ પાંચમે પણ અવસ્થાનરૂપ પર્યુષણા લાવવા માટે બીજા અષાઢ માસને કાળચૂલાના માસ તરીકે માનવો પડે, અર્થાત્ પહેલો આષાઢ જે કાળચૂલા માસ તરીકે હતો તેને કાળચૂલા માસ તરીકે ન માને તો પણ બીજો અષાઢ કે જે કાળચલા માસ તરીકે નથી તેને શાસ્ત્રવિરુદ્ધપણે કાળચૂલા માસ તરીકે માનવો પડે. શાસ્ત્રકારો તો સ્પષ્ટપણે ત્રીજા અભિવર્ધિત કે પાંચમા અભિવર્ધિતમાં અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસ ઓળંગીને શ્રાવણ સૂદિ પાંચમે જ નિયત અવસ્થાનરૂપ પર્યુષણા કરવાનું તે વખતને માટે પણ જણાવે છે, એટલે ત્રીજા કે પાંચમા એકે અભિવર્ધિતમાં અષાઢ સૂદિ પાંચમે નિયત અવસ્થાનરૂપ પર્યુષણા કરવાનું ન જણાવેલું હોવાથી ત્રીજા કે પાંચમા બંને અભિવર્ધિતમાં શ્રાવણ સૂદિ પાંચમની પહેલાના વીસ દિવસે જ અષાઢ ચાતુર્માસી ગણી અંતના અભિવર્ધિતમાં બીજા અષાઢ સૂદિ પુનમે જ ચાતુર્માસી ગણેલી છે, અને તેથી દરેક યુગના અંતના અભિવર્ધિત વર્ષમાં બે અષાઢ માસ છતાં પહેલા અષાઢ માસને જ કાળચૂલા માસ તરીકે ગણેલો છે અને તે ઉપરથી વાચક સહેજે સમજી શકશે કે વધેલા અષાઢમાં જ્યારે પહેલો અષાઢ જ શાસ્ત્રકારોએ કાળચૂલા તરીકે ગણ્યો તો બીજા ચૈત્રાદિ માસોની વૃદ્ધિ લૌકિક ટીપણાને અનુસાર ન માનવીએ જુદી વાત છે, પણ જો લૌકિક ટીપણાને અનુસાર ચૈત્રાદિ માસોની વૃધ્ધિ માનવામાં આવે અને તેથી શ્રાવણ કે ભાદ્રપદ માસની વૃદ્ધિ કબુલ કરાય તો તેમાં પણ પહેલા શ્રાવણ કે પહેલા ભાદ્રપદને જ કાળચૂલા માસ તરીકે ગણવો જ પડે. અધિક એવો જે પહેલો શ્રાવણ કે ભાદ્રપદ હોય તેને કાળચૂલા તરીકે ન ગણતાં અધિક નહિ એવા બીજા શ્રાવણ કે બીજા ભાદ્રપદને કાળચૂલા તરીકે કે અધિક માસ તરીકે ગણવો તે શાસ્ત્રના કથનથી બહાર હોવા સાથે દૈવજ્ઞોના કથનથી પણ બહાર જ ગણાય.
(અપૂર્ણ) આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.