Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પા. ૩ નું અનુસંધાન) કર્મક્ષયના ઉપદેશદ્રારાએ જેની અદ્વિતીય મહત્તા જાહેર થઈ છે એવા શ્રી અરિહંત ભગવાન જેવા આરાધ્યતમ પંચપરમેષ્ઠીઓ અને તે જ પરમેષ્ઠીઓના પરમેષ્ઠીપણાના જીવનરૂપ સમ્યગ્દર્શનાદિ ગુણો એ નવ આરાધ્યતમ પદાર્થોના નામે તે નવેની આરાધના કરવા પૂર્વક જે તપ કરવામાં આવે તે તપની મહત્તા અદ્વિતીય હોય તેમાં આશ્ચર્ય શું ? એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે નવે પદની આરાધનાના નવ દહાડા નિયમિત કરી તે એક વખતની આરાધનાને ઓળી ગણી તેવી ઓળીઓ નવ વખત કરવાનું જણાવતાં આ સિદ્ધચક્ર એટલે નવપદ આરાધનનું તપ એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલા વર્ગ નામના તપને અનુસરે છે. અન્ય બીજ, પાંચમ વિગેરે તિથિઓને આશ્રીને થતી તપસ્યાઓ જ્યારે સામાન્ય આંતરાવાળી કે ઘણા આંતરાવાળી હોય છે ત્યારે આ નવપદની તપસ્યા નવ દિવસ સુધી સળંગ કરવાની હોવાથી નિરંતર તેમજ નિયમિત છ - છ મહિને કરવાની હોવાથી અલ્પ અંતરવાળી કહી શકાય. જૈનશાસનને સમજનારો મનુષ્ય એ વાત તો સારી રીતે સમજે છે કે નવકારશી કરતાં પોરશીમાં અને પોરશી કરતાં પુરિમૂઢમાં અને આગળ પણ તપસ્યાનું નિરંતરપણું અને પાછળના તપના ફળને દશગણું વધારનાર થાય છે, એ હિસાબે શ્રી સિદ્ધચક્ર એટલે શ્રી નવપદજીની આરાધનમાં સતત્ કરાતાં નવા આયંબિલ એ દશ કોડ આયંબિલની બરોબર થાય. જો કે આ પૂર્વે જણાવેલા હિસાબવાળું ફળ તપસ્યાની નિરંતરતાનો ઉત્કર્ષ જણાવવા માટે તથા આગળ કર્મક્ષયની અધિકતા જણાવવા માટે જરૂર ઉપયોગી છે, પણ તે હિસાબ આલોચનાદિકરૂપ પ્રાયશ્ચિતદ્વારાએ કરાતી શુદ્ધિને અંગે ઉપયોગી નથી, કેમકે જો શુદ્ધિમાં અપાતાં તપને દશગુણા ફળના હિસાબે લઈએ તો લાગેલા દોષના પાપને પણ નિરંતરપણાને અંગે દશગુણા હિસાબે લેવું પડે, અને તેથી જ શાસ્ત્ર અને પરંપરા પાક્ષિકાદિના એકાદિ ઉપવાસને બે આયંબિલ, ચાર એકાસણા આદિ વિભાગે જણાવે છે, પણ સામાન્ય કર્મનિર્જરાને અંગે એક તપની સાથે નિરંતરપણે તપ કરતાં આત્માને વીર્ષોલ્લાસ અને ભાવોલ્લાસની ઘણી તીવ્રતા જોઈએ છે, અને તે તીવ્રતાની અપેક્ષાએ દશગણું ફળ ક્રમસર માનવામાં યોગ્ય જ જણાય છે. વળી આ નવપદના આરાધનને અંગે કરાતી ઓળીમાં બંને વખત કરાતાં પ્રતિક્રમણા, બંને વખત કરાતી પડિલેહણની ક્રિયા, ત્રણ વખત કરાતું દેવવંદન, નિયમિતપણે દેવાતાં ખમાસણાં અને કાઉસગ બબ્બે હજાર વખત કરાતું સ્મરણરૂપ જાપ અને સ્નાત્રપૂજા કે મહાપૂજાદિ રૂપે નવે દિવસ લાગલાગટ કરાતી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આરાધના જીવને કેવી ઉચ્ચતર પરિણતિમાં લઈ જાય છે તે તો કેવળ તે આરાધના કરનારા કે સર્વજ્ઞા મહારાજા જ જાણી શકે તેમ છે. જો કે ભૂમિશયન અને બ્રહ્મચર્યાદિકનું પાલન તે નવ દિવસ નિરંતર થતું હોવાથી તે તપ ત્યાગમૂર્તિરૂપ સાધુપણાની વાનગીરૂપ છે, પણ પૂર્વે જણાવેલા દેવવંદનાદિકની સ્થિતિનો વિચાર કરતાં ખરેખર એ સિદ્ધચક્ર એટલે નવપદ આરાધનાનું તપ ઘણી - શુદ્ધ વાનગી છે. જો કે કેટલાક ભવ્ય જીવો તે નવપદને આરાધન કરવાના દિવસોમાં મહારંભાજિક કાર્યો તો વર્ષે જ છે પણ જે કેટલાક ભદ્રિક ભવ્ય જીવો તે નવપદની ઓળી કરવા છતાં પણ આરંભ સમારંભાદિકના કાર્યને ન વર્જતા હોય તેઓએ પણ તે ઓળીજીના નવ દિવસોમાં આરંભ સમારંભના કાયા વર્જી પોતાની નવપદ આરાધનાને ઉજ્જવળ બનાવવી જોઈએ.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર ' ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.