Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨ ૨૩
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ મરીચિકુમાર પડે તે સ્વાભાવિક છે. વર્તમાનમાં કેટલાક સાધ્વાભાસો સંયમના મૂળગુણો નહિ પાળતાં ઘરે જવું અનુચિત ગણી પાપાચરણોનો પોટલો માથે ચઢાવે છે તેવી રીતે વર્તવું તે આ મરીચિકુમારને યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. આવા કોઈપણ કારણથી તે મરીચિએ વ્યવહારથી સાધુપણાથી ભિન્ન વર્તાવ જણાવવા સાથે બની શકે તેટલો પાપનો પરિહાર રાખવાનો વિચાર કર્યો અને તેથી જ તે મરીચિકુમારે દેશવિરતિમાર્ગમાં દાખલ થઈ શકે તેવો વર્તાવ અને પરિવ્રાજકનો વેષ આદર્યો.
જગતના સ્વાભાવિક નિયમ પ્રમાણે તે પરિવ્રાજકનો ભગવો વેષ વિગેરે નવીન હોઈ તે તરફ લોકો દિદક્ષા અને જિજ્ઞાસાદિક ધરાવે તે સ્વાભવિક છે, અને તેથી જ સંયમમાર્ગને શુદ્ધ રીતે પાલન કરનારા શ્રમણનિગ્રંથો પાસે લોકોનો જે દરોડો પડે, તેના કરતાં અધિક લોકોનો દરોડો તે મરીચિકુમાર પાસે પડવા લાગ્યો. આ દરોડો કેવળ સામાન્ય મનુષ્યોનો હતો એમ નહિ, પણ મોટા મોટા રાજકુમાર વિગેરે મહર્ધિક મનુષ્યો પણ તે નવીનતાની દિક્ષા અને જિજ્ઞાસા ધરાવતાં તેની પાસે જત્થને અર્થે આવતા હતા પણ તે મરીચિકુમાર તે સર્વની જિજ્ઞાસાની તૃપ્તિ કરતાં સમ્યગૂ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા માર્ગને જ તેઓ જણાવે છે અને સ્વાભાવિક રીતિએ બનવું શક્ય છે તેમ તે લોકો તેમની નવીનતાનો પ્રશ્ન કરતા હતા.
જગતમાં સામાન્ય રીતે શુદ્ધ માર્ગને શુદ્ધ માર્ગ તરીકે અને અશુદ્ધ માર્ગને અશુદ્ધ માર્ગ તરીકે નિરૂપણ કરવો તે મુશ્કેલ નથી પણ પોતાની જાતને અંગે આવી પડતા પ્રશ્નમાં પોતાના અશુદ્ધ વર્તનને અશુદ્ધ વર્તન તરીકે જાહેર કરવો એ ઘણું જ અશક્ય છે. જો કે કેટલાક નાકકટ્ટાની ટોળી વધારવાની નીતિને અનુસરવાવાળા બીજા સર્વની અધમતા જણાવવા માટે પોતાના નામે અધમતા જ જણાવવા તૈયાર થાય પણ પોતાનું સંયમ માટેનું અસામર્થ્ય જાહેર કરવા સાથે માર્ગમાં રહેલા મહામુનિઓના સંયમપણાના ગુણો ગાવા એ અશક્ય નહિ તો દુ શક્ય તો જરૂર જ છે, પણ તેવા દુઃશક્ય માર્ગમાં પ્રયાણ કરતાં મરીચિકુમારને અંશે પણ સંકોચ થયો નહિ.
કેટલાક માર્ગથી પતિત થયેલા લોકો પોતાના આત્માને માર્ગથી ખસેલો માનવાવાળા અને માર્ગસ્થિત બીજા મહાનુભાવોને માર્ગમાં ચાલવાવાળા છે એમ બહુમાનપૂર્વક માનવા છતાં પણ માર્ગસ્થ જનોની વૃદ્ધિને કે સ્વકલ્પિત માર્ગને અનુસરનારાઓની અલ્પતાને સાંખી શકતા નથી પણ આ મરીચિકુમાર તે વિષમ દશામાં કોઈપણ પ્રકારે હતવીર્ય થયો નથી પણ ઉલ્લસિત વર્ષે તેવા પંથમાં જ તેને સતત પ્રયાસ શરૂ રાખ્યો છે અને તેથી જ તે નવીનતાની દિદક્ષા અને જિજ્ઞાસાથી આવેલા સમગ્ર લોકોને તે મરીચિકુમાર શ્રમણમાર્ગની દેશના આપી તે શ્રમણમાર્ગ લેવા તૈયાર કરી શ્રમણસિંહોની પાસે જ મોકલી આપે છે.