Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૭૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪ લોકોત્તર મા જવાવાળા જૈનો અને જૈનેતરો કે જેઓ લોકોત્તર માર્ગને નથી સમજતા તેઓ પણ ભયંકર ભીખમપંથીઓના જેવા દયાના દુશ્મનો હોતા નથી, અને તેથીજ આ નયસાર મિથ્યાત્વી છતાં પણ દયાના અપૂર્વ ઝરણામાં પ્રવેશ કરી શક્યો. એમ કહીએ તોપણ ખોટું નથી કે નયસારના હૃદયમાં ઉગવા પામેલી હૃદયંગમ અનુકંપાલતાના મનોહર ફળરૂપે જ મહાવીરપણું થયેલું છે અને તે જ અનુકંપાના ફળરૂપ ત્રિલોકપૂજ્ય, સર્વજ્ઞ ભગવાન મહાવીર મહારાજના ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસનને પામવાને આ જગત ભાગ્યશાળી થયેલું છે. જો અનુકંપારૂપી જળ નયસારના હૃદયમાં ન હોત તો, ન તો થાત નયસારને સમકિત, ન થાત ભગવાન મહાવીર, તો પછી આ જગત અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસનને પામત જ ક્યાંથી ? અનુકંપાદાનને ઉઠાવવાવાળા તેરાપંથીઓ તરફથી કોઈ વખત એમ કહેવામાં આવે છે કે અસંયતને દાન દેવાથી તેના અસંયમની અનુમતિ થાય અને તેથી દાન દેનારને તે અસંયતના અઢારે પાપસ્થાનકની અનુમોદનાથી મહાપાપ લાગે, અર્થાત્ એમના કહેવા પ્રમાણે હિંસા કરનારાને એકલું હિંસાનું પાપ લાગે છે, ત્યારે અનુકંપાદાન દેનારને અઢાર પાપસ્થાનકો લાગે છે, પણ આ કથન શાસ્ત્રવિરુદ્ધ તેમજ યુક્તિથી પણ વિરુદ્ધ હોઈ કોઈપણ સુજ્ઞ મનુષ્ય માની શકે તેમ નથી, કેમકે પ્રથમ તો જેઓએ સાધુપણું લઇ સર્વવિરતિ અંગીકાર કરી નથી, તેઓ દાન દે કે ન દે તોપણ સર્વ જગતના જીવોના અઢારે પાપસ્થાનકની અનુમોદનાના ભાગીદાર જ છે. અનુમોદનાથી આવતા પાપકર્મનું રોકાણ ગૃહસ્થને હોતું જ નથી, પણ તે અનુમોદનાના પાપનું રોકાણ તો સર્વવિરતિવાળા સાધુઓનેજ હોય છે અને તેથી જ ભગવતીજી વિગેરેમાં શ્રાવકોને માટે કિવિધ ત્રિવિધ એટલે મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ એવાં જ ઉત્કૃષ્ટ પચ્ચખાણ કહ્યાં છે, છતાં ગૃહસ્થને પણ હિંસાદિક સંબંધી ત્રિવિધ ત્રિવિધ પચ્ચખ્ખાણ માનવામાં આવે તો સાધુ અને શ્રાવકપણામાં કોઈપણ જાતનો ફરક રહે નહિ, અને તેથી શ્રાવકને ચોથું અને પાંચમું ગુણઠાણું જ હોય તથા સાધુને છઠ્ઠ ગુણઠાણું હોય એ ફરક રહી શકે જ નહિ. વળી, અવિરતિને અનુકંપાબુદ્ધિથી પણ દાન દેતાં જ તેની અવિરતિનું પોષણ ગણી તેની અનુમોદના ગણવામાં આવે તો પાંચમા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધીના જીવો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયથી ભરેલા હોઈ તેઓને પણ દાન દેનારો જ્ઞાનાવરણીય આદિના પોષણને કરનારો થઈ તે ઘાતિકર્મના અનુમોદક કેમ નહિ બને અને તેથી મહાપાપી કેમ નહિ થાય ? વળી તે ભીખમપંથીના ટોળાંને પણ દાન આપનારો મનુષ્ય તે ભીખમપંથીના ટોળામાં વીતરાગતા અને સદા અપ્રમત્તતા ન હોવાથી તે ટોળાંને ભેખધારીના આત્માનાં રહેલા પ્રમાદ, કષાય અને હિંસાદિકની અનુમોદના કરનારો થઈ મહાપાપી કેમ નહિ બને ? અને એ દયાના દુશ્મનોની અપેક્ષાએ તો શ્રીજ્ઞાતાસૂત્રમાં કહેલી અને મેઘકુમારના જીવ હાથીએ કરેલી સસલાની દયા અઢાર પાપસ્થાનકે અનુમોદનામય થઈ જાત, પણ શાસ્ત્રકારે તો તે જ હાથીએ કરેલી સસલાની દયાથી હાથીને મનુષ્યભવ વિગેરેને પ્રાપ્તિ જણાવી લાભ જણાવ્યો છે. આવી રીતે અનુકંપાદાનનો નિષેધ શાસ્ત્ર વિરુદ્ધ છે એમ સ્પષ્ટપણે જાણી શકાય છે. હવે એ અનુકંપાનો નિષેધ યુક્તિથી વિરુદ્ધ કેવી રીતે છે અને નયસારને અનુકંપાનો પ્રસંગ કેવી રીતે આવે છે તે આપણે વિચારીએ.