Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કરવાનો પ્રસંગ પ્રાપ્ત થવાથી અદ્વિતીય લાભનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. જો કે શ્રી ચતુર્વિધ સંઘના તેવા નરરત્નોનો સમાગમ સંઘપતિ કે સામાન્ય યાત્રાળુને પોતાના પ્રસંગમાં પણ હોય છે, તો પણ સ્થાનાંતરના વિશેષ કરીને વિશેષતર ગુણસંપન્ન સંઘયાત્રાના પ્રસંગને લીધે જ સંઘપતિ યાત્રિક અને સામાન્ય યાત્રિકને મળે છે, અને તે પણ અનેક શુભ સ્થાનોના રહેવાવાળા શુભતર અનુષ્ઠાનને સેવવાવાળા નરરત્નોનું લાંબા કાળ સુધી સમાગમ અને સત્કાર આદિનો વખત એ સંઘયાત્રાના પ્રસંગમાં જ મળે છે. છતાં જે નરરત્નો તેવી સંઘયાત્રામાં ન પણ આવ્યા હોય, તેવા પણ નરરત્નોના સમાગમનો લાભ સંઘપતિ યાત્રિક અને સામાન્ય યાત્રિક દરેક ગામે જ્યાં જ્યાં સંઘનો પડાવ હોય ત્યાં નવા નવા આલાદનીય કે સાધિષ્ઠાયક તીર્થો અને ચૈત્યોના દર્શનાદિના પ્રસંગની વખતે અને તે સિવાયના પણ ગામોમાં મેળવવાને ભાગ્યશાળી થાય છે.
- શ્રી સંઘપતિનું સામાન્ય કર્તવ્ય પહેલાં સંઘવિધિના લેખમાં જણાવેલું હતું, પણ તે કેવળ સંઘયાત્રાની વિધિને અંગે જણાવેલું હોઈ આખા સંઘસમુદાયને અનુસરીને હતું અને આ સ્થાને તે સંઘપતિનું કર્તવ્ય એક યાત્રિક તરીકે જણાવેલું છે, અને આ જ કારણથી યાત્રિકોના પ્રસંગે જણાવતાં પહેલે નંબરે સંઘપતિરૂપ યાત્રિકનો પ્રસંગ જણાવેલો છે. જેવી રીતે સંઘપતિયાત્રિકનું કર્તવ્ય યાત્રિક તરીકે જણાવ્યું છે, તેવી જ રીતે સામાન્ય યાત્રિકોનું કર્તવ્ય પણ જણાવવું અસ્થાને નથી. સામાન્ય યાત્રિકોએ સંઘવિધિ અને સંઘપતિના કર્તવ્યના અનુમોદન સાથે સંઘપતિને અંગે જણાવેલા લાભો પોતાની શક્તિ પ્રમાણે લેવા તૈયાર થવું જ જોઇએ. સામાન્ય યાત્રિકોએ પોતાની શક્તિ પ્રમાણે દરેક સ્થાને સુપાત્રદાન અને સાધર્મિક ભક્તિનો લાભ લેવા તૈયાર રહેવું જ જોઈએ. જ્યાં જ્યાં સંઘનો પડાવ થાય ત્યાં તીર્થચૈત્ય હોય કે સામાન્ય ચૈત્ય હોય તેની આશાતના ટાળવા, તેમજ દર્શન, પૂજાદિથી લાભ મેળવવા માટેની સામગ્રી તૈયાર કરવી જ જોઇએ. દરેક ગામે પૂજાના ઉપકરણો, શ્રી જિનેશ્વર ભગવાનના આભૂષણો કે પૂજાના સાધનો મહેલવા માટે ઉપયોગ અને પ્રયત્ન કરવો જ જોઈએ. જે મનુષ્યો તન, ધન કે મનથી જે જે કાર્ય કરી શકતા હોય, તે તે મનુષ્યોએ તે તે કાર્યો યાત્રિકપણાના વખતમાં તો જરૂર બજાવવાં જ જોઇએ. સંઘપિત યાત્રિક કે સામાન્ય યાત્રિકો કદાચિત્ થોડો માર્ગ લાંબો થાય તો પણ તીર્થના માર્ગમાં આવતાં કે નજીકમાં રહેલા ભવ્યતીર્થ અને ચૈત્યોની યાત્રાદિકનો લાભ મેળવવા કોઇ દિવસ પણ ભાગ્યશાળી થયા સિવાય રહેવા જોઇએ નહિ. યાત્રિકોએ યાત્રાના પ્રસંગમાં તન, મન, ધનની સફળતાને પ્રતિક્ષણ અનુમોદવી જોઇએ, યાદ રાખવાની જરૂર છે કે શાસ્ત્રીય વિધિ પ્રમાણે ધર્માનુષ્ઠાનનું કરવું તે એક બીજ વાવવા જેવું છે, પણ તે અનુષ્ઠાનની અનુમોદના કરવી તે જ જલસિંચન જેવી હોવાથી અનુષ્ઠાનને ખરેખર ફળ સુધી પહોંચાડે છે. સિંચન વગરનું વાવેલું બીજ જેમ નિષ્ફળ થાય છે કે અલ્પફળ જ આપે છે, તેવી રીતે ધર્માનુષ્ઠાન કરવારૂપ બીજ પણ અનુમોદના વગર તેવી દશાને પામે છે, માટે યાત્રિકોએ સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ, તીર્થસેવા વિગેરે કરાતાં અપૂર્વ કાર્યોની અનુમોદના અહર્નિશ કરવી જોઇએ. બીજાએ કરેલા પણ સુપાત્રદાનાદિક ધર્માનુષ્ઠાનોની અનુમોદના પોતે કરેલા કાર્યોની અનુમોદનાની માફક જ ફળ દેવાવાળી છે, માટે યાત્રિકોએ યાત્રાના પ્રસંગમાં સર્વ જગાએ સર્વ પ્રકારે થતાં ધાર્મિક કાર્યોના અનુમોદનમાં લીન રહેવું જોઈએ, અને જો આવી રીતે સત્કાર્ય કરવામાં અને તેના અનુમોદનમાં