________________
४८
ભાવતીર્થ - રત્નત્રયી ફળનો જ ભોક્તા છે. ચેતન એવા આત્મામાં રહેલી દર્શનશક્તિ, સમજણશક્તિ અને આચરણશક્તિનો યથાર્થ ઉપયોગ કરવો તે જરૂરી છે, આપણે તે નથી કરતા ત્યારે જ નુકસાન થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ દુઃખનાં નિમિત્તોને દુઃખનાં કારણ માને છે, પણ તે નિમિત્તોમાં પોતે કરેલું વિપરીત આચરણ દુઃખનું મૂળ કારણ છે, તે વિચારવાની તૈયારી નથી. આપણે બીજાની ભૂલ જોવા જ ટેવાયેલા છીએ. તમારા મનમાં અશાંતિ છે, તો તેમાં કારણ તમારા આંતરિક આવેગો અને તેનું પ્રેરક મિથ્યાજ્ઞાન વગેરે છે. એક નાનોસરખો દાખલો લ્યો, કે વ્યક્તિ અહંકારના કારણે પોતાનામાં બુદ્ધિ હોય તેનાથી વધારે માની બેસે, તેના કારણે સ્કૂલ-કોલેજમાં પોતાના ગજા બહારનાં લક્ષ્યાંકો બાંધે, કે હું મોટો સ્પેશ્યાલીસ્ટ કે ડબલ એન્જિનિયર થઈશ. પછી આગળ જઈને દુ:ખી થાય. પહેલેથી મિથ્યાજ્ઞાનના કારણે વાસ્તવિકતાનો વિચાર કર્યો નહીં. દરેક ક્ષેત્રમાં નિયમ છે કે જે ભ્રમણામાં રાચે તેનું જીવન દુઃખમય-ત્રાસમય હોય જ. 'મિથ્થાત્રયીનું દહન કરે રત્નત્રયી ?
સંસાર એકાંત દુઃખમય છે, તેથી તેનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર છે; તેમ મોક્ષ એકાંત સુખમય છે, તેથી તેનાં કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે. જ્યાં સર્વ સુખનાં સાધન છે તે મોક્ષ છે, જ્યાં સર્વ દુઃખનાં સાધન છે તે સંસાર છે. સૌ પ્રથમ સુખદુઃખનાં સાધનો સ્પષ્ટ થવાં જોઈએ. જ્યાં સુધી મનમાં એમ હશે કે અહંકાર સુખનું સાધન છે, ત્યાં સુધી તમે અહંકારની પાછળ જ દોડશો. રાગમાં મજા આવે છે એવો ખ્યાલ આવે છે ત્યાં સુધી રાગ કર્યા કરશો; કેમ કે તમારી સમજ ઊંધી છે. આ મિથ્યાજ્ઞાન એ જ સંસારનું મૂળ છે. દેહ, ઇન્દ્રિય કે કર્મનાં બંધન પણ તેની આડપેદાશ છે; અનાજ વાવો સાથે ઘાસ ઊગે, તેમ આનુષંગિક તકલીફો છે. જે આત્મામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર નથી, તે દેહને ધારણ જ ન કરે. તમારો આત્મા દેહમાં પુરાયો છે તેનું કારણ પણ આ મિથ્થાત્રયી જ છે. આત્મા માટે દેહ પાંજરું છે, બંધન છે. જાતે કરીને પાંજરામાં કોણ પુરાય ? ખોળિયું વળગ્યું એટલે ઇન્દ્રિયો આવી, મન પણ સાથે આવ્યું. ઇન્દ્રિયો અને મનની જરૂરિયાતો પાળવા-પોષવા કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ વગેરે લાંબી લંગાર ચાલુ થઈ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ન હોય તો કોઈ વળગણ પેદા થવાની જ નહિ. જે મિથ્થાત્રયીનું દહન કરે તેના સંસારનું દહન થાય. રત્નત્રયીમાં જ સંસારનો નાશ કરવાની તાકાત છે. તે સિવાય આ જગતમાં એવું કોઈ તત્ત્વ નથી કે જેમાં સંસારનો નાશ કરવાની શક્તિ હોય. તીર્થકરોના સંસારનો ઉચ્છેદ પણ આ રત્નત્રયીથી જ થાય છે. તેમણે પણ રત્નત્રયીને પૂર્ણ સાધી સ્વયં મુક્તિ પ્રાપ્ત કરી છે, અને બીજાને પણ મુક્તિ પમાડવા રત્નત્રયીનો જ ઉપદેશ આપ્યો છે. १. ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव, भवन्त्याशु तदा पृथक् ।।१७९।।
(અધ્યાત્મસાર, ધિક્કાર-૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org