________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૩૩ કે ધમકાવીને વાત કરવાનો મારો સ્વભાવ છે, ટેવ પડી ગઈ છે, તો તમે ચલાવો ? કે સામે કહી દો કે તારી ટેવ તારી પાસે રાખ ? ટૂંકમાં આનો અર્થ એ જ છે કે બીજાનું અયોગ્ય વર્તન, ટેવ તરીકે પણ તમે સ્વીકારી-સાંખી શકો નહીં, જ્યારે તમારું અયોગ્ય વર્તન સહજ માનીને બધા સાંખે તેવું ઇચ્છો છો. જાણે દુનિયામાં બીજા કરતાં તમે અજોડ હો તેવી તમારી tendency (વલણ) છે, પણ હકીકતમાં તમારામાં એવું શું તેજ છે તે મને તો ખબર પડતી નથી. તમારામાં રૂપ-સત્તા-સંપત્તિ-કલા-જ્ઞાન શું અદ્વિતીય છે ? કે ખાલી માથામાં રાઈ ભરાઈ ગઈ છે? તમને તમારી જાત માટે અંદરમાં અજોડતાની જે ગ્રંથિ છે તે જ દુર્બુદ્ધિ છે. આ દુનિયામાં અદ્વિતીય તો શું, આપણે મગતરા પણ નથી. આટલા વિશાળ વિશ્વમાં આપણું અસ્તિત્વ કે શક્તિ શું ? કદાચ તમે કહો કે અમે આત્મા છીએ અને આત્મામાં તો અનંત શક્તિ છે, તો પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ તે સ્વીકાર્ય છે, તેમાં મને પણ વાંધો નથી, પરંતુ અન્યમાં પણ તે શક્તિ તો છે જ, વિશેષમાં અત્યારે પ્રગટ શક્તિ તમારામાં કેટલી છે તે પ્રામાણિકતાથી વિચારો. આપણે અનેક રીતે શક્તિમાં વામણા છીએ તે પ્રત્યક્ષ છે. હા, ઘણા નિશ્ચયવાદી બેઠા બેઠા બોલ્યા કરે કે હું સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-અનંત જ્ઞાની છું, પરંતુ તેને કોઈ પૂછે કે કાલે શું થવાનું છે ? તો કહી ન શકે. અરે ! જીવનમાં પણ અનેક પ્રકારના કામ-ક્રોધના આવેગોથી ભરપૂર હોય. આચારના કોઈ ઢંગધડા ન હોય. અશુદ્ધિ ભરેલી નજરે દેખાય છે, છતાં શબ્દોથી હું શુદ્ધ છું, તેમ માત્ર રટણ કર્યા કરે તેનો શું મતલબ ?
સભા : મનમાં ખુમારી રાખીએ તો આગળ વધવા આશ્વાસન મળે ને ?
સાહેબજી : બજારમાં જાઓ ત્યારે કોઈ અબજોપતિને જુઓ તો ખુમારીથી વિચારવાનું કે હું આનાથી સવાયો અબજોપતિ છું; તો તમને સાચું આશ્વાસન મળે કે કાલ્પનિક આશ્વાસન મળે ? આવું આશ્વાસન જોઈતું હોય તો એમ જ વિચારો ને કે હું આખી દુનિયાનો શહેનશાહ છું, પછી ભલે ઘરમાં પણ તમને કોઈ ન માને.
સભા : મદાલસાએ પોતાના નાના ઘોડિયામાં રમતા બાળકને “સિદ્ધોશિ.કહ્યું છે.
સાહેબજી : મદાલસા જૈન શ્રાવિકા ન હતી. બીજા ધર્મોમાં આવી નિશ્ચયની જે વાત કરવામાં આવે છે, તેની આપણાં શાસ્ત્રોમાં ટીકા છે. અરે ! આપણા જૈનધર્મના અનુયાયી દિગંબરો પણ પ્રારંભમાં આવી નિશ્ચયનયની વાતો સમજાવે છે. તેનું ખંડન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં લખ્યું કે “જાણીએ ઊલટી રીતિ બોટિક તણી”. તેમણે કહ્યું કે દિગંબરો ઊંધા માથે ફરનારા છે. ઘોડો પાછળ હોય અને ગાડી આગળ હોય તો ગાડી ઊંધી દિશામાં જ ચાલે. તેમ પહેલાં નિશ્ચય પછી વ્યવહાર બતાડે તે ઉપદેશનો ક્રમ ભૂલી ગયા છે. કોઈ પહેલાં પહેલાં મહેલ ચડી જવાનું કહે અને ત્યારબાદ નિસરણી બતાવે તો તે કેટલું impractical (અવ્યવહારુ) છે ? એમ નિશ્ચયનય પહેલાં મૂકવો અને વ્યવહારને પછી બતાવવો તે સાધ્યપ્રાપ્તિ પ્રથમ અને પછી સાધનપ્રાપ્તિની વાત કરવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org