________________
४७०
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ નહીં વિચારે, પરંતુ તે ભાઈને આત્મા કે જીવ તરીકે જોશે. તેની range broad થશે (સીમા વિશાળ) થશે. તે વિચારશે કે સંસારમાં પરિભ્રમણ કરતો આ જીવ આ જન્મમાં ભાઈ તરીકે આવ્યો છે. ભલે નગુણો હોય તો પણ તે જીવ જ છે, ચેતન છે. તેનાં દુઃખ દૂર કરવાં, તેને શાંતિ આપવી, તેનું ધ્યાન રાખવું તે મારું એક કર્તવ્ય છે. ધર્મ તો સંબંધશૂન્ય જીવ પ્રત્યે પણ ભલમનસાઈ, દયા કે પરોપકારની ભાવના શીખવે છે, તો નિકટના કુટુંબી તરીકે ભાઈની સેવા તો કરવી જ જોઈએ. વળી, હું ધર્મ કરું છું, તો મારા ધર્મની નિંદા, વગોવણી ન થાય, પરંતુ ધર્મનું ગૌરવ વધે તે આશયથી પણ મારાથી કર્તવ્ય ન ચુકાય. આ રીતે કરનારને નાસ્તિક કરતાં અનેકગણું પુણ્ય બંધાય; કેમ કે તે લોકોત્તર ન્યાયથી વિચારે છે. આના કરતાં પણ શ્રેષ્ઠ દૃષ્ટિકોણ જે જૈનશાસનને સમજેલો હોય તેનો ભાઈની સેવારૂપ ફરજ અદા કરતી વખતે આવે, જેથી તેને ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જિનવચન સમજેલો તો આવા પ્રસંગે એમ વિચારે કે કદાચ ભલે ભૂતકાળમાં કટુ નિમિત્તોના સંયોગથી ભાઈ સાથેના સંબંધ તૂટી ગયા હોય, તોપણ મહાપુણ્યયોગે ભાઈનો આત્મા દુર્લભ મનુષ્યભવ, જૈનકુલ, જૈનધર્મ આદિની સામગ્રી પામ્યો છે. તેના આત્માની હિતચિંતા કરવા માટે આ ફરજ સાથેની ઉત્તમ તક છે. એવી રીતે ભાઈની સેવા-માવજત કરું કે તેનું દિલ જિતાઈ જાય. પછી તક મળતાં તેને સાચો ધર્મરસિક બનાવું, ધર્મમાં વધારે સ્થિર કરું અને જૈનશાસનનું ગૌરવ વધે તે રીતે ધર્માત્મા તરીકેનું મારું કર્તવ્ય શુભાશયથી અદા કરું. બાકી આ સંસારમાં કોઈ, કોઈનું નથી, કશું સાથે આવવાનું નથી, કોઈના પર મમત્વ કરવા જેવું નથી. ધર્મને જ શરણ-આધાર માની તેને જીવનમાં પ્રધાન સ્થાન આપવા જેવું છે. આવા નિર્મળ ધ્યેયથી યોગ્ય પ્રવૃત્તિ કરનારને ઉચિત વર્તન સુગમ જ છે. તમારી કોઈ પણ પ્રવૃત્તિમાં જેમ સ્વાર્થ ખસે અને આશય શુભ બને તેમ તે તે પ્રવૃત્તિ પવિત્ર ધ્યેયવાળી બની શકે, અને તો જ તે વર્તન ઉચિત વર્તનમાં સમાવેશ પામે. આ ઉચિત વર્તન જે સતત કરે તેણે જીવનમાં બધાં કર્તવ્યો અદા કર્યા કહેવાય. તે સતત જિનાજ્ઞાનો પાલક છે. તીર્થકરોની સૌ માટે સદા આજ્ઞા ઉચિત વર્તનની જ છે. તે જે પામે તેનું જીવન ધન્ય બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org