________________
૧૦૬
ભાવતીર્થ-અનુષ્ઠાન પાસે સંપત્તિ નથી તેથી ધનથી થતો ધર્મ તો કરી શકે તેમ નથી; પરંતુ જૈનશાસનમાં ઊંચો ધર્મ વિરતિ છે, જેને આરાધવા પૈસાની જરૂર જ નથી. એટલે આખો દિવસ દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ, યથાશક્તિ તપ, ધ્યાન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે અનુષ્ઠાન કર્યા કરે છે. આ બધી ક્રિયાઓ તેના ગુણને ટકાવવા માટે સાધનરૂપ છે. જેમ ચિત્ર દોરતાં આવડી ગયું પછી practice ચાલુ રાખે તો ચિત્રકામની કલા ટકી રહે, તેમ નિર્નામિકાના મનમાં બેસી ગયું છે કે સંસાર દુઃખથી જ ભરેલો છે. વાસ્તવમાં અહીં સુખ જેવું કાંઈ નથી. સાચું સુખ આત્મામાં છે. તેને પામવા આત્માના ગુણો વિકસાવવા જરૂરી છે, જેના સાધનરૂપે તીર્થંકરે આ શુભક્રિયાઓ કહી છે. આવો દૃઢ નિર્ણય હોવાથી સન્ક્રિયાઓ કર્યા કરે છે. આવા કષ્ટમય જીવન વચ્ચે પણ તેણે અનેક પ્રકારનાં તપ-અનુષ્ઠાનો કર્યા. થોડા સમય પહેલાં આ જીવ એવો રાંકડો હતો કે જેને જોઈને દયા આવી જાય. આવા દયાપાત્ર દુઃખી જીવનમાં પણ ધર્મ મળવાથી આખી આંતરિક સ્થિતિ બદલાઈ ગઈ. પહેલાં આખો દિવસ રડતી હોય, દુઃખી થતી હોય. હવે જવાબદારીનું કામ પતે એટલે ધર્મક્રિયાઓ-આરાધનામાં પરોવાઈ જાય. આખો દિવસ આરાધના કર્યા કરે. મા મેણાં મારે તોપણ દુઃખ થતું નથી. ધર્માત્માને મેણાં મારનાર જ થાકી જાય. આખી મનોદશા જ બદલાઈ ગઈ. જીવનમાં પ્રધાનતા ધર્મક્રિયા-આરાધનાની છે. થોડી સંસારની જવાબદારી હોય તે યોગ્ય રીતે કરી લે.
છતાં આ કન્યાનું દુર્ભાગ્ય એવું છે કે યુવાનીમાં આવી તોપણ કોઈ તેને પરણવા તૈયાર નથી. સંસારમાં demand-માંગ સત્તા-સંપત્તિ-રૂપ આદિની છે. જેની પાસે પુણ્ય નથી તેને આમાંનું કશું ન હોય. તેવા પાત્રને કોઈ ઇચ્છે નહિ. નિર્નામિકાને પણ કોઈ પરણવા તૈયાર નથી. જો ધર્મ પામેલ ન હોય તો ઝૂરી-ઝૂરીને જીવવાનું આવે. આ ધર્મ પામેલ છે, છતાં એવું સત્ત્વ, નિર્વિકારિતા કે ત્યાગનો ભાવ નથી; સંસારની ભોગોની અપેક્ષા મનમાં પડી છે. સંસાર છોડીને ચારિત્ર લેવાની તૈયારી નથી. ભોગની અપેક્ષા છે, પણ પુણ્યના અભાવે ભોગસામગ્રી મળે તેમ નથી. આ સંસારમાં અપેક્ષા હોવા છતાં પુણ્ય ન હોવાથી ભોગ વિના ઘણાં રખડે છે, પરણવાની ઇચ્છા હોવા છતાં વાંઢા ફરે છે. અરે ! પરણેલાંની પણ સ્થિતિ એવી છે કે પત્ની ક્યાંય રહેતી હોય અને પતિ ક્યાંય રહેતો હોય. સૈનિકોને યુદ્ધમેદાનમાં સરહદ પર રહેવું પડે, મોટી કંપનીઓમાં ઓફિસરોને પણ ટ્રાવેલીંગમાં બહાર રહેવું પડે. ઘણા કમાવા પરદેશ જાય, વર્ષો પછી પાછા આવે. આ સૌને કાંઈ ત્યાગનો ભાવ નથી. મનમાં બ્રહ્મચર્યનો પરિણામ હોતો નથી. વિકાર-વાસના-આસક્તિ હોવા છતાં, ભોગની કામના છતાં ટટળી-ટટળીને સમય પસાર કરવો પડે. તમે દુનિયાનું અવલોકન કરો તો વાસના-વિકારો જીવોને કેટલાં દુઃખો આપે છે તે દેખાય.
સભા : દેખાય જ છે. સાહેબજી : તો તમારા જીવનમાં સાવચેત થઈ જાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org