________________
૧૪૮
ભાવતીર્થ-અનુષ્ઠાન
વાસનાનો તમને અંદાજ નહોતો તેની વ્યક્ત ખબર પડી. તમે કહો કે મારામાં આસક્તિ નથી, પણ આસક્તિ કેટલી છે તે તો કસોટી કરીએ ત્યારે ખબર પડે. આમ કહો મને દેહની મમતા નથી, પણ અઠવાડિયું પૌષધ કરાવીએ તો ખબર પડે. કોઈ કહે મને સુખ-દુઃખની અસર નથી; તો પાંચ મિનિટ વાળનો લોચ કરીએ તો તરત ખબર પડે. મોટે ભાગે તમે તમારી જાત માટે ઊંચો અભિપ્રાય બાંધીને જીવતા હો છો. હકીકતમાં illusionમાં (ભ્રમણામાં) જીવો છો, તે કસોટીમાં મુકાઓ ત્યારે ખબર પડે.
સભા : શ્રીયકને ઉપવાસ મરણાંત સાબિત થયો.
સાહેબજી : તે તો રોગ હોય તો થાય. કોઈ રોગમાં ઔષધ તરીકે આહાર અનિવાર્ય હોય, તેથી તેવા સંયોગમાં આહારનો ત્યાગ કરનારને જોખમ થાય; પરંતુ તેનાથી સાર્વત્રિક નિયમ ન બંધાય કે ઉપવાસ મારનાર છે. તમે ખમાસમણું આપવા જાઓ અને તમારું હાડકું ઢીલું હોય તેથી fracture થઈ જાય, તો તેટલામાત્રથી ખમાસમણું fractureનું કારણ છે એમ ન કહેવાય. ગુણપોષક ક્રિયા પણ સંયોગવિશેષમાં કોઈને નુકસાનકારક પણ બને. તેથી જ ઉપવાસ આદિ અનુષ્ઠાન પણ ગીતાર્થગુરુના અનુશાસનમાં રહીને કરવાનું કહ્યું છે. બાકી ક્રિયા સ્વભાવથી ગુણપોષક હોય તો તે અવશ્ય ધર્માનુષ્ઠાન છે જ. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં જે જે સ્વભાવથી ગુણપોષક ક્રિયાઓ છે, તે તે સદા ધર્માનુષ્ઠાન જ છે; માત્ર તેનું આચરણ અધિકારી અનુસાર કરવાની આજ્ઞા છે. આ રીતે ગુણપોષક તમામ ક્રિયાઓને જૈનધર્મમાં સદ્અનુષ્ઠાન કહ્યાં છે. અહીં ગુણ પણ આધ્યાત્મિક લેવાના. કેમ કે મોક્ષમાર્ગમાં તો આધ્યાત્મિક ગુણનું જ મૂલ્ય છે. ક્રિયાના બે પ્રકાર : (૧) દોષપોષક ક્રિયા અને (૨) ગુણપોષક ક્રિયા :
જેમ અમુક ખાદ્ય પદાર્થો શરીરને સ્વભાવથી જ નુકસાન કરનારા હોય છે, ઝેર વગેરે; અને અમુક ખાદ્ય પદાર્થો શરીરને સ્વભાવથી જ પોષણ આપનારા હોય છે, દૂધ વગેરે; તેમ અમુક ક્રિયાઓનું સ્વરૂપ જ એવું છે કે જે મનમાં મેલા ભાવ પેદા કરે છે, દા. ત. હિંસા, જૂઠ વગેરેની ક્રિયા. જ્યારે અમુક ક્રિયા સ્વભાવથી જ મનમાં નિર્મળતા કે શુભભાવ પેદા કરે છે, દા. ત. દયા-દાનની ક્રિયા. આ નિયમ સૈકાલિક-સાર્વત્રિક છે. તેથી જ ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાનના વિભાગ પણ સનાતન-શાશ્વત છે, તે કોઈએ પેદા કરેલા નથી. ખુદ તીર્થકરો પણ ઉપદેશ દ્વારા માત્ર તેને દર્શાવે જ છે. - ક્રિયા અને મનના ભાવોનો સંબંધ તો શરીરશાસ્ત્ર પણ સ્વીકારે છે. દેહની અમુક posture (અંગસ્થિતિ) કરો તો દીનતા-કરુણાનો ભાવ આવે, અમુક posture કરો તો ઉન્માદ-વિકારનો ભાવ આવે. તેથી જ કામશાસ્ત્ર પણ અંગસ્થિતિરૂપ ભિન્ન-ભિન્ન આસનો રજૂ કર્યા છે. ભાવ અને ક્રિયાનો તાણા-વાણાની જેમ સંબંધ છે, તેથી ધર્મ-અધર્મની ક્રિયાનો વિભાગ તેની ગુણોત્પાદકતા કે દોષોત્પાદકતા આધારિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org