________________
૧૬૪
ભાવતીર્થ-અનુષ્ઠાન અહિંસાપૂર્વક સમગ્ર જીવસૃષ્ટિ સાથે વર્તવું તેનું નામ સમિતિ-ગુપ્તિનું આચરણ. ભગવાને સાધુને પણ જીવન જીવવાની ના નથી પાડી. લાંબી સાધના કરવી હોય તો જીવન તો ટકાવવું જ પડે, પરંતુ બીજાને હેરાન કરીને જીવો તો દોષ કહેવાય. તેથી (૧) જીવનમાં સાધના માટે જરૂરી હલન-ચલન, ઊઠવા-બેસવા આદિની તમામ ક્રિયાઓ જયણાપૂર્વક કરવી તે માટે પ્રથમ ઈર્યાસમિતિનું પાલન છે. તે જ રીતે (૨) બીજા સાથે વ્યવહાર કરવા વાણીનું માધ્યમ જરૂરી છે, પરંતુ તે વાણી પણ બિનજરૂરી, નુકસાનકારક કે પાપપોષક ન બને તેવી રીતે મર્યાદા અને સંયમપૂર્વક હિતકારી વાણીનો પ્રયોગ અવસરે કરવો, તે ભાષાસમિતિ છે; છતાં માત્ર હલન-ચલન કે બોલવાની ક્રિયાઓથી જીવન ટકાવી શકાતું નથી. તેથી (૩) આત્મશ્રેય કરનારે પણ પ્રાથમિક જીવનજરૂરીયાતની વસ્તુઓ અહિંસક પદ્ધતિએ મેળવવી જરૂરી છે. તેવી ચીજો મેળવવા માટે સંપૂર્ણ અહિંસક રીત તે એષણાસમિતિ છે. (૪) વળી જીવનમાં તેવી અહિંસક પદ્ધતિએ મેળવેલી ચીજ-વસ્તુઓનો, કોઈના જીવનને આઘાત-પ્રત્યાઘાત ન થાય અને હિતનું સાધન બને તે રીતે ઉપયોગ કરવો, તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે; અને (૫) વાપર્યા પછી નકામી થઈ ગયેલી ભૌતિક જડ વસ્તુઓનો નવા પાપનું સાધન ન બને તેવી રીતે જયણાપૂર્વક નિકાલ કરવો, તે પારિષ્ઠાપનિકાસમિતિ છે. આ પાંચમાં સાધુના જીવનની સાધના માટે અનિવાર્ય તેવી તમામ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. તેથી હિતકારી પ્રવૃત્તિપ્રધાન સમિતિનું માળખું છે;
જ્યારે ગુપ્તિ એટલે જીવનમાં મન-વાણી-કાયાની અંદર કે બહારથી પાપનાં સાધન ન બને તે રીતે નિરોધ કરવો, સંકોચીને કાચબાની જેમ ગુપ્ત થવું, તે નિવૃત્તિપ્રધાન ગુપ્તિ છે, છતાં મનવચન-કાયાનો સતત આત્મહિતમાં યોગ્ય ઉપયોગ કરવો તે પણ ગુપ્તિ જ છે. ટૂંકમાં સ્વપરપીડાના પરિહારપૂર્વક આત્મગુણોના વિકાસને અનુરૂપ સમગ્રતાથી વર્તન તે જ સમિતિ-ગુપ્તિ છે. જીવનશક્તિઓનો પાપમાં સંપૂર્ણ નિરોધ કરવો, અને શ્રેયમાં ઉપયોગ કરવો, તેને અનુરૂપ વિચાર-વાણી-વર્તન ગોઠવવાં, તે નિર્દોષ જીવનનો પાયાનો ખ્યાલ છે. ભૂત, ભવિષ્ય કે વર્તમાનના સર્વ તીર્થકરોના શાસનમાં નિર્દોષ આચરણરૂપે સમિતિ-ગુપ્તિનો જ ઉપદેશ છે. નિર્દોષ અનુષ્ઠાનરૂપ ધર્મનું આ સનાતન-શાશ્વત માળખું છે. કોઈ તીર્થંકર પણ તેને બદલી શકે નહિ. કાળપરિવર્તનથી પણ આમાં ભેળસેળનો કોઈ સવાલ નથી. જૈનધર્મમાં આચારનું પણ મૂળભૂત માળખું અટલ છે. કાયમ નિર્દોષ જીવનના પાયાનાં ધોરણો એક જ રહેવાનાં. તેને જ સમિતિ-ગુપ્તિ કહીએ છીએ. સર્વ ગુણોનું પોષણ કરાવે અને સર્વ દોષોનો ત્યાગ કરાવે તેવા અનુષ્ઠાનરૂપ આ ક્રિયા છે. તે ક્રિયા જે વ્યક્તિ સેવે તેના આત્મા પરથી ધીમે ધીમે દોષોનો ત્યાગ અને ગુણોનો પ્રાદુર્ભાવ ચાલુ થાય.
१. अष्टानां प्रवचनमातृणां, ताश्चाष्टौ प्रवचनमातरः-तिस्रो गुप्तयः तथा पञ्च समितयः, तत्र प्रवीचाराप्रवीचाररूपा गुप्तयः, समितयः प्रवीचाररूपा एव।
(માવનિવિર પર્વ ભાષ્ય મારૂ, નવદ-૧૨૭૦, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org