________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૨૮૩ જેથી પ્રજા ભવિષ્યમાં ધર્મ સારી રીતે પામી શકે, ધર્મને લાયક બને; અને તેથી જ જેવો પ્રજાજીવનમાં સાચો ધર્મ ઉમેરાયો ત્યારબાદ તે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ બન્યા. તમે હલકાને પુરુષાર્થ માનો છો, પરંતુ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કે સામાજિક પ્રવૃત્તિ તે રીતે અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થ ન બને. આ દેશ-કાળમાં પણ ભગવાનની આજ્ઞા મુજબ અર્થોપાર્જનમાં પ્રયત્ન કરો તો તે અર્થપુરુષાર્થ કહેવાય, આજ્ઞા મુજબ કામમાં પ્રયત્ન કરો તો કામપુરુષાર્થ કહેવાય. ખરેખર તમને ભગવાનની આજ્ઞા શું છે, તે જ ખબર નથી. ધંધો કરવા જતી વખતે કેવા ભાવ રાખવાના, વ્યવસાયમાં કેવી કેવી વિધિઓ જાળવવાની તેનું યોગ્ય જ્ઞાન નથી. જમવું એ કામપ્રવૃત્તિ છે, વાસના જ કામ નથી. પાંચે ઇન્દ્રિયોના ભોગોને કામ કહ્યા છે. અરે ! તેને આવનારી તમામ સામાજિક સદ્વ્યવહારોરૂપ પ્રવૃત્તિ પણ કામના વિભાગમાં જ આવે. તે તમે ભગવાનની આજ્ઞા મુજબ કરો તો તેને અમે કામપુરુષાર્થ કહીએ. જિનાજ્ઞા વગરની સાંસારિક પ્રવૃત્તિઓ એકલા અર્થ-કામ છે, પુરુષાર્થ નથી. જમતી વખતે, ઊંઘતી વખતે, લોકવ્યવહાર કરતી વખતે, વેપારના અવસરે, જીવનના તમામ ક્ષેત્રોમાં ભગવાનની આજ્ઞા શું છે, તે પહેલાં જાણવી પડે.
સભા ઃ અમે તો સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયામાં જ આજ્ઞા વિચારીએ.
સાહેબજી : તે સિવાય સંસારમાં છૂટાં હરાયાં ઢોરની જેમ રખડવાનું, તેવો અર્થ થયો. દેવગુરુ-ધર્મને સમર્પિત ગૃહસ્થ, સંસારમાં સર્વત્ર આજ્ઞા વિચારી, આજ્ઞાસાપેક્ષ પ્રવૃત્તિ કરે.
સભા : તો પછી અમારે અર્થ, કામમાં પુરુષાર્થ કરવાનો ને ?
સાહેબજી : અર્થ, કામ તો છોડવાના કહું છું, તે અનર્થરૂપ જ છે, દુર્ગતિનાં કારણ છે, સદા હેય જ છે, એકાંતે પાપ છે. અરે ! અમે તો કહીએ કે જેને અર્થ-કામ ગમે તેને ધર્મ કદી ગમે જ નહીં. ધર્મ ગમે તે અર્થ-કામને સારા માટે જ નહીં. અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ જીવનમાં લાવવા માટે તમારામાં અર્થ, કામ પ્રત્યે હીનબુદ્ધિ, હેયબુદ્ધિ જોઈએ જ. બાકી, શાસ્ત્રકારોએ જ ગૃહસ્થને માર્ગાનુસારી, જૈન, સમ્યગ્દષ્ટિ કે શ્રાવકની ભૂમિકામાં રહેલો હોય તો પોત-પોતાની કક્ષા અનુસાર ત્રિવર્ગની ઉપાસના ગુણરૂપે દર્શાવેલ જ છે. તેથી ગૃહસ્થ પ્રતિદિન અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થમાં સમુચિત પ્રયત્ન કરે, તેની શાસ્ત્રમાં ક્યાંય નિંદા નથી. હા, સાધુએ જીવનમાં અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થ સેવવાના નથી જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org