________________
ભાવતીર્થ –અનુષ્ઠાન
૧૭૧
ઉપદેશ આપીએ ત્યારે પણ ઘણા કહે છે કે બધા બ્રહ્મચર્ય પાળશે તો પ્રજા ટકશે કેવી રીતે અર્થાત્ પોતે પ્રજાને ટકાવનારા છે. વળી પ્રજા ટકશે તો નવા સાધુ થશે, તેવું પણ બોલનારા છે, પરંતુ મૂરખ એટલું નથી સમજતો કે આ દુનિયામાં બધા બ્રહ્મચર્ય પાળી શકે તેવું સત્ત્વ કે લાયકાત બધામાં હોતી જ નથી; જેમ બધાની કરોડપતિ થવાની શક્તિ કે પુણ્યાઈ છે જ નહિ. તેથી આવા અશક્ય વસ્તુના તરંગ-તુક્કા કરી ચિંતા કરી અસંબદ્ધ વિચારવું તે પણ એક ઘોર આશાતના છે.
ધર્મમય જીવન જીવવું હોય તો દુનિયાનું અને પોતાનું ભલું થાય તેવો ભિક્ષાધર્મ સ્વીકારવો જરૂરી છે. ભગવાનને અમને ઓશિયાળા કે બિચારા-બાપડા રાખવામાં રસ નથી. જેણે દૃઢ મનોબળ અને સત્ત્વ સાથે આખા સંસારનો ત્યાગ કર્યો છે તે વ્યક્તિ શું મહેનત કરીને કમાવાનું સત્ત્વ ન ધરાવે ? સાધુમાં સ્વબળથી કમાઈને જીવવાની ક્ષમતા હોય જ છે, પરંતુ ભગવાને કહ્યું કે જો ધનઉપાર્જનની પ્રવૃત્તિ કરશો તો તેમાં દોષની પૂરી શક્યતા છે. ધન બીજાનો ભોગ લઈને, શોષણ કરીને મેળવી શકાય, અને તેનો ઉપયોગ પણ પાપમાં જ થાય, તેવું સંસારનું માળખું છે. તેથી ભગવાને કહ્યું કે નિર્દોષ જીવન જીવવું હોય તો આજીવિકા કમાવાનો આગ્રહ ન રાખતા, એ રીતે જીવન ટકાવવામાં પૂર્ણધર્મનું આચરણ શક્ય નથી.
સભા : શ્રાવક દોષ ઘટાડવા ભિક્ષા માંગી શકે ?
સાહેબજી : ના, તે ભિક્ષા માંગે તો પાપ લાગે; કેમ કે હાથ-પગ મજબૂત છે, શરીર હદુંકટું છે, મગજની બુદ્ધિ દોડે છે. વળી જીવન જરૂરિયાતનું લીસ્ટ લાંબું છે. શરીર કે ઇન્દ્રિયોની સગવડતા પોષે, વિકારો પોષે તેવી પણ તમારી જરૂરિયાતો છે. વિકારો પોષવા બીજા પાસેથી દાનમાં માંગીને લેવું તે યોગ્ય નથી. જે વ્યક્તિ સંપૂર્ણ નિર્દોષ પવિત્ર જીવન જીવવા માંગે છે, મન-વચન-કાયાની શક્તિનો સદુપયોગ જ કરવા માંગે છે, તેને સમાજ દાન આપે તે વાજબી છે. સાધુના પાત્રામાં એક રોટલી વહોરાવશો તો તેના કણે-કણનો, દાણે-દાણાનો સદુપયોગ થવાનો છે. તેનો જગતના કલ્યાણમાં કે સ્વહિતમાં જ શારીરિક શક્તિ ખર્ચાવારૂપે ઉપયોગ થવાનો. જે શક્તિ જગતના હિતમાં જવાની છે તેમાં સમાજ ઉમળકાથી દાન આપે તે ઉચિત જ છે. અરે ! આવો શક્તિનો પૂરેપૂરો સદુપયોગ કરનારને સમાજ પાસેથી દાન લેવાનો પણ અધિકાર-હક્ક છે; કારણ કે તે પૂર્વશરત સાથે લે છે કે આ વસ્તુનો હું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનામાં જ ઉપયોગ કરીશ. તેના દ્વારા મારા આત્માનું અને અન્ય જીવોનું જીવન ઉન્નત થાય, કલ્યાણ થાય તેવાં સત્કાર્યો જ થશે. જ્યારે ગૃહસ્થ તો સંસારના ભોગો ભોગવે છે. તે ભિક્ષાથી દેહનું પોષણ કરે તો મહાપાપ બંધાય. તમારા જીવનમાં ઇન્દ્રિયો અને મનની તૃષ્ણાપૂર્તિની જાત-જાતની પ્રવૃત્તિઓ છે, જેમાં તમારી મન-વચન-કાયાની શક્તિ ભરપૂર વપરાય છે. તેથી તેવું જીવન જીવનાર દાન લેવાનો અધિકાર ન ભોગવી શકે. મહાશ્રાવકને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org