________________
૨૫૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
જીવસૃષ્ટિના ન્યાયને લક્ષ્યમાં લઈ નીતિ-નિયમો દર્શાવે તો તે લોકોત્તર ન્યાયતંત્ર કહેવાય.
સભા : ન્યાય તો પરલોકમાં કર્મસત્તા આપે ને ?
સાહેબજી : તમે નથી શ્રાવકાચારનો મર્મ સમજતા, નથી સાધ્વાચારનો મર્મ સમજતા. તમારી સાથે ક્યાંથી વાત કરું હું ? અરે ! આ લોકમાં, અત્યારે જ સર્વ જીવો પ્રત્યેનો લોકોત્તર ન્યાય પ્રવર્તાવનાર ધર્મસત્તા છે, પરલોકમાં નહીં. તમને ન્યાય શું છે, તે જ ખબર નથી. તમારા પ્રત્યે કોઈ જરાક ગેરવર્તન કરે તોપણ રાતો-પીળા થઈ જાઓ છો. હકીકતમાં સામાએ તમને કાંઈ નુકસાન ન કર્યું હોય, માત્ર જરાક કડક થઈને તમારી ભૂલ બતાવી હોય, તોપણ તમને ‘મારી સાથે અયોગ્ય વર્તન કરે છે, તેવો અહેસાસ થાય છે. તમને કોઈ પણ જીવસૃષ્ટિ તરફથી જરાક અન્યાય થાય તો છળી ઊઠો છો. તમને તમારી જાત માટે જ ન્યાયની ખબર છે, જેને અમે લૌકિક ન્યાય પણ નથી કહેતા કે લોકોત્તર ન્યાય પણ નથી કહેતા. તેને અમે સાચા અર્થમાં સ્વાર્થ કહીએ છીએ. તમારાં ન્યાયનાં કાટલાંમાં માત્ર તમારી જાત જ સમાયેલી છે, તે તો સ્વાર્થનું બીજું રૂપ છે. જ્યારે લૌકિક ન્યાયમાં પણ અન્ય તમામ માનવોના હક્કોનો વિચાર સમાયેલો છે.
સભા ઃ તમામમાં પોતે પણ સમાઈ જાય ને ?
સાહેબજી : વ્યક્તિ પોતે સમષ્ટિમાં સમાઈ જાય છે, પરંતુ વ્યક્તિરૂપે કોઈ monopoly (ઈજારો) રહેતો નથી. પોતે દાદો નથી. તમારા મગજમાં એમ છે કે “તમે બીજા પ્રત્યે જે વર્તન કરો તે વર્તન બીજા તમારા પ્રત્યે કરે તો ન ચાલે; તો તમને અન્યાય થઈ જાય', કેમ કે તમે ઈજારો લઈને જન્મ્યા છો, દાદાનો અર્થ આ જ છે. આખો દિવસ તમારા હક્કો કે અધિકારોનો વિચાર લઈને ફરો છો, તેને જ અમે સ્વાર્થ કહીએ છીએ. તમને જે કોઈ જરાક માનસિક, વાચિક, કાયિક ત્રાસ આપે તે દુષ્ટ થઈ જાય, બદમાશ થઈ જાય. અરે ! તમારી ગેરવાજબી વાતમાં પણ વિરોધ કરે તો તે તમને અન્યાય લાગે. તમે જ્યારે ન્યાયની ગુલબાંગો ફૂંકો એટલે અમે સમજી જઈએ કે “ક્યાંક આનો સ્વાર્થ ઘવાયો છે એટલે ઊછળ્યો છે'.
સભા : બીજા પાસે ન્યાયી વર્તન તો માંગીએ ને ?
સાહેબજી : ન્યાયી વર્તન જે કરે તે જ ન્યાયી વર્તન માંગી શકે. તમે કોઈના પર ગુસ્સો કરો તો તે પણ અન્યાયી વર્તન જ કહેવાય.
સભા : એમાં અન્યાય શું ?
સાહેબજી ઃ જો તમે ગુસ્સો કરો તેમાં વાંધો ન હોય, તો બીજા તમારા પર કરે ત્યારે વાંધો નહિ લેતા. આના (આ શ્રોતા) પર ગુરુ પણ ગુસ્સો કરી શકે તેમ નથી. હિતબુદ્ધિથી ગુસ્સો કરે તોપણ સહન ન કરે તેવા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org