________________
૧૮૧
ભાવતીર્થ-અનુષ્ઠાન
સભા : બોલ્યા વગર નમસ્કાર કરે તો ?
સાહેબજી : કાયા નમાવીને કરે તો કાયિક નમસ્કાર કહેવાય, અને માત્ર મનથી નમસ્કાર કરે તો માનસિક નમસ્કાર કહેવાય; પરંતુ મન, વચન અને કાયા ત્રણેથી નમસ્કાર કરે તો ત્રિતય નમસ્કાર કહેવાય; છતાં સમવસરણમાં ત્રણેય પ્રકારનો નમસ્કાર થાય તો ભાવતીર્થંકરને જ. ભીંત પર કે પુસ્તકમાં લિપિ આદિ રૂપે તીર્થકરનું નામ લખ્યું હોય તેને નમસ્કાર કરો તે, કે તેમના વાચક શબ્દને ઉચ્ચારણરૂપે નમસ્કાર કરો તો તે, નામ તીર્થકરને નમસ્કાર કહેવાય. તીર્થકર આકાર, ચિત્ર કે પ્રતિમા આદિરૂપે હોય અને તેને નમસ્કાર કરો તો તે સ્થાપનાતીર્થંકરને નમસ્કાર છે; જ્યારે છબસ્થ આદિ અવસ્થામાં રહેલા તીર્થકરને નમસ્કાર કરો, કે તીર્થકરના નિર્વાણ પામેલા દેહ આદિને નમસ્કાર કરો, તો તે દ્રવ્યતીર્થકરને નમસ્કાર છે. કેવલી તરીકે વિચરતા ચોત્રીસ અતિશય યુક્ત સમવસરણમાં બિરાજમાન તીર્થકરને નમસ્કાર કરો તો તે ભાવતીર્થકરને નમસ્કાર કહેવાય. આમ, ચારે નિક્ષેપા ક્રમશ: નામ, આકાર, દ્રવ્ય અને ભાવની મુખ્યતાવાળા છે, પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, સદંતર જુદા નથી; કારણ કે સમવસરણમાં બિરાજમાન પ્રભુ પણ તે કાળે તેમના નામથી અવિભક્ત છે, આકાર તો સાથે જોડાયેલો જ છે, દેહ કે આત્મારૂપ દ્રવ્ય પણ ત્યાં હાજર જ છે, ગુણમય ભાવ પ્રગટ વિદ્યમાન છે. તેથી ભાવતીર્થકરમાં પણ ચારે નિક્ષેપા અપેક્ષાએ હાજર જ છે. ચારે નિક્ષેપથી કરાતી ભક્તિઉપાસના-ધ્યાન પરમાત્માની સર્વાગી ઉપાસના છે. એક પણ નિક્ષેપાને ભાવ સાથે સંલગ્ન હોય તો નામંજૂર ન કરાય.
તે જ રીતે ધર્મતીર્થ શબ્દ લઈએ તો તેના પણ ચાર નિક્ષેપા થશે. (૧) ધર્મતીર્થ શબ્દ, તેનું ઉચ્ચારણ કે તેનું લિપિરૂપે આલેખાયેલું નામ તે નામધર્મતીર્થ છે. તેને પણ પૂજ્યભાવથી નમસ્કાર કરવા યોગ્ય છે; કારણ કે તે તીર્થંકરના શાસનને મનમાં ઉપસ્થિત કરાવે છે. (૨) ધર્મતીર્થની પ્રતીકાત્મક સ્થાપના સમવસરણ કે ચૈત્યવૃક્ષ છે; કારણ કે ત્યાંથી જ તીર્થપ્રવર્તન થાય છે, તે આકાર જ તીર્થનો સૂચક છે. (૩) દ્રવ્યધર્મતીર્થમાં તમામ તારક આલંબનો અને ઉપકરણોનો સમાવેશ થાય છે, જેનું વર્ણન હવે કરીશું; અને (૪) ભાવતીર્થના તો પાંચ પ્રકારો આપણે વર્ણન કર્યા જ છે. તેથી આ ધર્મતીર્થ પણ ચારે નિક્ષેપે વંદનીય, પૂજનીય જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org