________________
૧૩૮
ભાવતીર્થ-અનુષ્ઠાન અથડાવે, બેઠાં-બેઠાં ગાલ પર તમાચા મારે; જંગલી જેવો કાયક્લેશ ન ચાલે. જે ગુણપોષક કાયક્લેશ ન હોય તેવા કાયક્લેશને ધર્મ કહેવાય નહિ. તેને ધર્મ કહેવો તે જ મિથ્યાત્વ છે. ઉનાળામાં અગ્નિ સળગાવીને તાપણું કરવું તે કાયાને કષ્ટદાયક છે, પરંતુ આત્માના જયણા આદિ કોઈ ગુણોનું પોષક નથી, ઊલટું ઘાતક છે. વળી સંન્યાસી તો સંપૂર્ણ નિષ્પાપ આચરણ કરનાર હોય; કારણ કે જેણે સાંસારિક પાપક્રિયાઓનો ત્યાગ કર્યો છે તેને આવી હિંસક ક્રિયાઓ કરવાની આવશ્યકતા નથી.
સભા : એક દીવાથી પણ આરતી થાય, તો ૧૦૮ દીવાની આરતીનું શું કામ ?
સાહેબજી : અરે ! ભગવાનને તો એક દીવાની પણ જરૂર નથી. ભગવાન અંધારામાં છે માટે દીવો કરવાનો છે કે તમે અંધારામાં છો માટે દીવો કરવાનો છે ? બાહ્ય દીવા તો અંદરના ભાવઅંધકારને દૂર કરવા પ્રતીક સમાન છે. આરંભ-સમારંભમાં બેઠેલા ગૃહસ્થને જયણાપૂર્વક દીવો કરવાથી ભક્તિના શુભભાવોની વૃદ્ધિ થતી હોય તો જ એક દીવો પણ કરવો સાર્થક ગણાય. એક દીવો કરવો લાભકારી મંજૂર હોય તો ૧૦૮થી અધિક લાભ સ્વીકારવામાં વાંધો નહીં આવે.
સભા : આરતી ઉતારીને અગ્નિકાયના જીવોની વધારે હિંસા કરીને વધારે પાપ શું કામ બાંધવું ?
સાહેબજીઃ તમારી વાત એવી છે કે અમે રસોઈ કરીને રોજ જમીએ છીએ; જોકે રસોઈ કરવી તે હિંસારૂપ પાપક્રિયા છે, તેથી સાધર્મિકને ક્યારે પણ જમાડવા નહીં; કેમ કે ધર્મ માટે વધારે હિંસા કરાય નહિ. ભૂખ લાગે અને ભોજનનો સમય થાય ત્યારે પોતે ગરમાગરમ જમવાનું, પરંતુ સાધર્મિકને જમાડવાનું આવે ત્યારે કહેવાનું કે ધર્મના નામથી પાપ કરાય નહિ. એક સાધર્મિકને જમાડવામાં છકાયના અસંખ્ય જીવોની વધારે હિંસા કરવી પડે, જે કરવાથી નવું પાપ બંધાય. તેથી તે કરવું નથી. હકીકતમાં ભગવાનની આજ્ઞા તમારે બારે મહિના સાધર્મિક ભક્તિ કરવાની છે. શક્તિઅનુસાર ભક્તિ કરીને પછી જ ભોજન લેવાનું છે. આ તો તમે પેટભરા છો, એટલે એમ ને એમ જમી લો છો. તમારા વિચાર પ્રમાણે તો ભગવાનની આજ્ઞા પાળવાની રહેતી નથી; કારણ કે તમે વિચારો છો કે હું મારા માટે પાપ કરું પણ બીજા માટે શું કામ કરું ? તમારી સુખ-સગવડ ખાતર આલીશાન બંગલો બાંધો, પરંતુ ઉપાશ્રય બનાવવાની વાત આવે ત્યારે કહેવાનું કે આટલું તો બાંધકામની હિંસા દ્વારા પાપ કર્યું, હવે ઉપાશ્રય માટે બીજું પાપ ક્યાં કરું ? આવું વિચારશો તો તમારે શ્રાવક યોગ્ય ભક્તિનાં કાર્યો જ બંધ કરવામાં આવશે. તેથી આ વજૂદ વગરની દલીલ છે. હકીકતમાં પાપમાં બેઠેલા પાપથી થતો ધર્મ નહિ કરે તો બાવાજી થઈ જશે. તેને માટે કોઈ ધર્મ રહેશે જ નહિ; કેમ કે તે સંપૂર્ણ નિષ્પાપ ધર્મ કરી શકતો નથી, અને જે કરી શકે તેવો આરંભયુક્ત ધર્મ તેને કરવો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org