________________
૭૦
ભાવતીર્થ - રત્નત્રયી આ દુઃખોપચારનો ક્રમ ગુમડું પકવીને ડ્રેસીંગ કરવા બરાબર છે. ગુમડા વિનાની નિરોગી દશા, અને ઉપચાર દ્વારા કામચલાઉ ગુમડું મટાડવું, બંને સ્વસ્થતામાં જમીન-આસમાનનો તફાવત છે. દુનિયા આ રહસ્ય સમજવા-સ્વીકારવા તૈયાર નથી; કારણ કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર ગાઢ છે. જગત સુખ માટે જે માર્ગે દોડી રહ્યું છે, તે સુખ પણ તૃપ્તિનું જ છે, પણ તે કામચલાઉ-ક્ષણિક તૃપ્તિ પામવા પુનઃ પુનઃ દાઝીને ઠરવાનો માર્ગ છે. પ્રભુએ દર્શાવેલો તૃપ્તિનો માર્ગ સહજતૃપ્તિનો છે. વિકારોને મૂળમાંથી નષ્ટ કરીને સદા શાંત થવાનો અને પોતાની શુદ્ધ ચેતનાને માણવાનો આનંદમય માર્ગ છે; પણ તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વિના સમજાય જ નહિ, અને આચરવા તો સમ્યક્યારિત્ર પણ જરૂરી છે. આ કાળમાં પણ જિનાજ્ઞા પ્રમાણે જે ચારિત્ર પાળે છે, તેના જીવનમાં સુખનો જે અનુભવ છે, તે સંસારી જીવોને કલ્પનાતીત છે.
સભા : દાઝયા પછી ઠંડક થાય, તે સાચી ઠંડક નથી ?
સાહેબજી : તેવી ઠંડક જોઈતી હોય તો પહેલાં દાઝવું પડે. ખંજવાળથી થતા ખસખરજવામાં રાહત જેને જોઈતી હોય તેણે ખસ-ખરજવું પેદા કરવું પડે. આવેગ શમાવીને જીવનમાં સુખ જોઈતું હોય તો પહેલાં આવેગથી રીબાવવું અનિવાર્ય જ રહેવાનું. ભગવાને બંને રસ્તા સ્પષ્ટ દર્શાવ્યા છે. ગેરસમજ કાઢી નાંખો તો સરળતાથી સ્પષ્ટ સમજાશે. અશાંતિનું નિરાકરણ કરીને શાંતિના માર્ગે જવું હોય તો અશાંતિની પીડામાંથી પસાર થવું જ પડે; જ્યારે સીધા શાંતિના માર્ગે જવું તે જ સાચો સમજદારીનો માર્ગ છે. ભોગ દ્વારા ઇન્દ્રિયોના વિકારોને શમાવી તૃપ્તિ પામવાનો અને સહજતૃપ્તિ પામવાનો તે બંને માર્ગ સૃષ્ટિમાં સદા કાળના ચાલ્યા આવે છે. સંસારગામી જીવો પ્રથમ માર્ગ અપનાવે છે, મુક્તિગામી જીવો દ્વિતીય માર્ગ અપનાવે છે; કારણ કે બંનેની પસંદગીનાં પ્રેરક બળ ક્રમશઃ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે; અહીં પોતપોતાની પસંદગી અનુસારે પુરુષાર્થ કરવો તે જ મિથ્યાચારિત્ર અને સમ્યક્યારિત્ર છે. તમારા અંતરમાં તમને આંતરિક દુઃખ-સંતાપ આપનારા પરિણામોને જેટલી તીવ્રતાથી ઓળખશો તેટલા સમ્યગ્દર્શનની સમીપ જશો. સમ્યગ્દષ્ટિ જીવને પોતાના આત્માના તમામ દુઃખકારી ભાવો અને સુખકારી ભાવોનું વેદનપૂર્વક વિભાજન હોય છે. તેથી જ તેની શ્રદ્ધા અનુભવસિદ્ધ નિશ્ચલ છે. તમને ગુણ પર વિશ્વાસ નથી, દોષ પર પૂરો ભરોસો છે. તમે માનો છો કે આસક્તિ-દ્વેષ-અહંકાર કરવાથી સુખ મળશે. હકીકતમાં તેના કારણે તમે રિબાઓ છો, પીડાઓ છો, છતાં તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી; કેમ કે સંવેદના મિથ્યાદર્શન અનુસારી છે. તેને તોડવા આંતરિક ભાવોનું મંથન કરી વિશ્લેષણ જરૂરી છે. આત્મગુણોમાં સુખની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. ગંભીરતામાં સુખ છે અર્થાત્ ઉછાંછળાપણાના ભાવમાં દુઃખ છે. ધીરજમાં સુખ છે, અધીરાપણામાં દુઃખ છે. નિર્ભીકતામાં સુખ છે, ભયના પરિણામમાં દુઃખ છે. કામવાસનાના પરિણામમાં દુઃખ છે, બ્રહ્મચર્યના પરિણામમાં સુખ છે. આ રીતે હજારો ગુણોમાં સુખનો દઢ વિશ્વાસ પ્રગટે, દોષોમાં વિશ્વાસ ડગે, તો જ સમ્યગ્દર્શન આવે. ત્યારબાદ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના માર્ગે પૂરપાટ ગતિ સુગમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org