________________
ભાવતીર્થ - રત્નત્રયી
પ૯ થાય છે ? અને કયા ભાવથી મને અશાંતિ-દુઃખ થાય છે ? જેમ તમારી જીભ ઉપર કઈ વસ્તુ લાળમાં ભળે તો ભાવે, અને કઈ વસ્તુ ભળે તો ન ભાવે તે તમે સ્પષ્ટ કહી શકો છો, કે ખારી-મીઠી ભળે છે તો ભાવે છે, કડવી-તૂરી વસ્તુ ભળે છે તો ભાવતી નથી; તેમ મનનો કયો ભાવ પીડા આપે છે અને કયો ભાવ શાંતિ આપે છે, તેનું પૃથક્કરણ કરો.
સભા : ઘણાને બીજાને પીડા આપવામાં શાંતિ મળે છે.
સાહેબજી : તમારું આ વિધાન મને મંજૂર નથી; કેમ કે બીજાને પીડા આપવાની મહેનત કરો, પણ જો પેલો અંદરમાં અકળાય નહીં, તો પીડા આપનારને શાંતિ નહીં મળે. તે અકળાય તો જ તમને શાંતિ થશે. તમે પીડા આપી તેનાથી તેને અશાંતિ થઈ, તો તમને શાંતિ મળી; જે દર્શાવે છે કે પીડા આપવાથી તમને શાંતિ નથી થઈ, પરંતુ મનમાં જે અશુભ આવેગ હતો, જેનાથી તમે બેચેન હતા, તે પેલાને પીડા આપવાથી શમ્યો, તેથી તમને શાંતિ થઈ. તમારું તાકેલું નિશાન નિષ્ફળ જાય તો શાંતિ નહિ થાય. કોઈને ગુસ્સામાં અપશબ્દો કહો, પણ તે ધ્યાનમાં ન લે કે શાંતભાવે સહન કરી લે, તો તમે વધારે ધૂંઆપૂંઆ થશો; કારણ કે આવેગપૂર્વક તાકેલું તમારું નિશાન નિષ્ફળ ગયું છે, જેથી તમારો આવેગ શમ્યો નહીં. તે શમી જાય તો તમને અવશ્ય શાંતિ થાય. આનો અર્થ એ કે બીજાને પીડા આપવાથી નહીં, પણ તમારી આંતરિક પીડારૂપ તમારો દુષ્ટ આવેગ શમવાથી જ શાંતિ મળે છે. Universal lawનો ક્યાંય ભંગ નથી. એકલી ઇચ્છાથી સુખ-શાંતિ નહિ, પણ તૃપ્તિથી જ સુખ-શાંતિ મળે, એ નિયમ અચલ છે. અહીં આવેગ રહે ત્યાં સુધી શાંતિ નથી, આવેગ શમે એટલે તૃપ્તિજન્ય શાંતિ છે. તેથી કોઈપણ માર્ગે તૃપ્તિ મેળવો, સુખ અવશ્ય મળશે જ. તૃપ્તિ પેદા કરવાના ઉપાય એ છે : (૧) પહેલાં મનમાં આવેગજન્ય વ્યાકુળતા પેદા કરવી, ત્યારબાદ આવેગને શમાવી તૃપ્તિ મેળવી શકાય, જે દાઝીને દવા દ્વારા ઠંડક મેળવવા જેવો ઉપાય છે. (૨) જ્યારે બીજો રસ્તો આવેગથી કાયમ દૂર રહી સહજતૃપ્ત રહેવાનો માર્ગ છે, જેમાં વગર દાઝયે શીતળતા પામવાની છે. તમારે કયો રસ્તો પસંદ કરવો છે તે તમારી મરજી પર છે.
સભા : આવેગ વગર તૃપ્તિ આવે ?
સાહેબજી : તમે તમારી સામે હાજર સંયમી મહાત્માઓને જુઓ. આ કાળમાં પણ એવા મહાત્માઓ છે, જે કરોડોની ભૌતિક સંપત્તિ છોડી, દીક્ષા લઈ સુંદર સંયમ પાળે છે. તમે જેટલાં આવેગનાં સાધનો ઘરમાં વસાવ્યાં છે તેમાંનું વિકાર-આવેગનું એક સાધન ઉપાશ્રયમાં નથી, છતાં તેઓ મસ્તીથી જીવે છે. પરિચય કેળવી તેમના ચોવીસ કલાકનું જીવન જુઓ તો કોઈ જાતના આવેગ વિના શાંત-તૃપ્ત જીવન જીવનારા અત્યારે પણ હાજર છે. આ પ્રત્યક્ષ દાખલા નકારી શકાય તેમ નથી. જેને સ્ત્રીનું આકર્ષણ જ નથી તેને વાસના કેવી રીતે પીડશે ? તેને મનમાં સદા બ્રહ્મચર્યની તૃપ્તિ રહેવાની જ. દુનિયા પહેલાં વાસનાથી શેકાઈને પછી ભોગ દ્વારા તૃપ્તિ મેળવે છે. ભોગવીને વાસનાતૃપ્તિ કરવી હોય તો પહેલાં વિકારોથી દાઝવું અનિવાર્ય છે. વળી એ શાંતિ કામચલાઉ હશે, પાછા વિકારોના આવેગ, પાછું ભોગો દ્વારા તેનું શમન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org