________________
વૃત્તિઓનાં કારણે, “મન”, “બુદ્ધિ”, “અહંકાર” અને “ચિત્ત”, એવાં ચાર નામો વડે તેને ઓળખાવવામાં આવે છે (આ પ્રમાણે) : સંકલ્પો અને વિકલ્પોની એની વૃત્તિઓને લીધે, “મન”; પદાર્થોના નિશ્ચયરૂપ ધર્મનાં કારણે, “બુદ્ધિ"; અહીં (સ્થૂલ દેહમાં) હું-પણાંનું અભિમાન કરવાથી, “અહંકાર”, અને પોતાની ઇચ્છેલી વસ્તુમાં સતત પરોવાયેલું રહે ત્યારે, તે “ચિત્ત” (કહેવાય છે). (૯૫-૯૬)
-
ટિપ્પણ :— “કરણ” એટલે ઇન્દ્રિય. આ પહેલાંના શ્લોકમાં નિરૂપિત પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, સ્થૂલ શરીરનાં બાહ્ય સ્વરૂપમાં રહેલી હોવાથી, તે દશેય ઇન્દ્રિયોને ‘બાહ્યકરણો' કહી શકાય, જ્યારે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, ચાર બહાર નહીં પણ અંદર, શરીરની ભીતર રહેતી હોવાથી, તેને “અન્તઃકરણ” કહેવામાં આવે છે. અંદરની આ ‘આંતર' કરણ, અંતઃકરણ, હકીકતમાં અને ખરેખર તો, માત્ર એક જ હોવા છતાં, એની ભિન્ન ભિન્ન ક્રિયાઓ અને વૃત્તિઓને કારણે, ટૂંકમાં, એનાં કાર્યગત ભેદનાં કારણે, તેને, તે તે ક્રિયાઓમાં તે વ્યાકૃત હોય ત્યારે, શબ્દાર્થ-વિભાગમાં દર્શાવેલી વીગતો પ્રમાણે, મન-બુદ્ધિચિત્ત-અહંકાર, - એવાં જૂદાં જૂદાં નામો આપવામાં આવે છે.
આપણા રોજિંદા દુન્યવી જીવનવ્યવહારમાં, મન અને ચિત્ત, - એ બંનેને (Mind) એવા પરસ્પરના પર્યાયો (Synonyms) જ માનવામાં આવે છે. અને ‘બુદ્ધિ’ એટલે આ બંને(મન અને ચિત્ત)ની સ્વભાવગત પ્રક્રિયા, એમ સમજવામાં આવે છે, પરંતુ તાત્ત્વિક રીતે, દાર્શનિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ, તે સર્વનું કાર્ય(Function)ક્ષેત્ર ભિન્ન હોવાથી, તે સર્વ, સામાન્ય મટીને, પારિભાષિક શબ્દો (Technical words) બની જાય છે.
એ જ રીતે, ‘અહંકાર’ને અભિમાન(Pride)ના અર્થમાં સમજવામાં આવે છે, પરંતુ આ જ ‘અન્તઃકરણ' જ્યારે એમ સમજવા માંડે કે “હું કરું છું”, “હું ભોગવું છું'; ટૂંકમાં, પોતે કોઈ પણ ક્રિયા સાથે, કર્તા કે ભોક્તાના ભાવ સાથે, સંલગ્ન થઈ જાય ત્યારે, તે અન્તઃકરણ જ વેદાન્તના તાત્ત્વિક અર્થમાં, “અહંકાર” બની રહે છે.
આમ, મનુષ્ય-જીવનના દૈનંદિન દુન્યવી વ્યવહારમાં મન, ચિત્ત વગેરે જેવા શબ્દો, ગમે તેવા આડેધડ અને અવ્યવસ્થિત અર્થમાં (Roughly) પ્રયોજાય છે, તેનાં તાત્ત્વિક સૂક્ષ્મ સ્વરૂપોને અહીં સમજાવવામાં આવ્યાં છે.
અગાઉ, જેમ, સામાન્ય રીતે અનુષ્ટુપ-છંદના શ્લોકમાં બે લીટીને બદલે ત્રણ લીંટીઓ મૂકવામાં આવી હતી (શ્લોક-નં ૯૦), તેમ અહીં ઉપજાતિ-છંદવાળા આ શ્લોકમાં ચારને બદલે છ ચરણો મૂકવામાં આવ્યાં છે. (૯૫-૯૬)
૯૭
प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः ।
स्वयमेव वृत्तिभेदाद् विकृतिभेदात् सुवर्णसलिलादिवत् ॥ ९७ ॥ ૧૮૮ | વિવેકચૂડામણિ