________________
એ જ રીતે, અહીં, વાત (TIME) વિશેનાં, તેનાં, એવાં જ વલણની વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે.
આમ તો, સહુ જાણે છે તેમ, “કાળ” તો, સતત, નિરંતર, અણ-અટક્યો વહેતો રહેલો. એક પ્રવાહી છે. એના કોઈ ભાગ-વિભાગ પાડી શકાય નહીં; અને છતાં આપણી અનુકૂળતા માટે, વહી ગયેલા સમય માટે “ભૂતકાળ, વહી રહેલા સમય માટે “વર્તમાન કાળ, અને હવે પછી વહનારા સમય માટે “ભવિષ્ય” અથવા “ભાવિકાળ, - એવા ત્રણ વિભાગો આપણે, - મનુષ્યોએ – પાડ્યા છે.
આ ત્રણ કાળ પ્રત્યેનું, સામાન્ય મનુષ્યોનું વલણ એવું હોય છે કે મહદંશે તે. ભૂતકાળના સારા પ્રસંગોના સુમધુર સંસ્મરણોને મનમાં ફરીથી લાવીને, દુઃખી વર્તમાનકાળને તે ભૂલવા પ્રયત્ન કરે છે; અથવા દુઃખદ ભૂતકાળને યાદ કરીને, સુખદ વર્તમાનકાળની મજાને નિરર્થક બગાડી નાખે છે. એ જ પ્રમાણે, ભવિષ્યકાળની ચિંતા કરીને સુખી વર્તમાનકાળને માણી શકતો નથી; અથવા ભાવિની ભવ્ય કલ્પના કરીને, વર્તમાન દુઃખોને ભૂલવા તે મથે છે.
સહ સમજે છે તે પ્રમાણે, આવું બધું જ નકામું છે, કારણ કે ત્રણમાંથી એકેય કાળ પર મનુષ્યનું કશું જ નિયંત્રણ નથી. એના ગમા-અણગમા(Likes and dislikes)ને જરા પણ ધ્યાનમાં રાખ્યા વિના, એની પોતાની રીતે, કાળ તો સદા વહેતો જ રહેતો હોય છે. દૈવ, પ્રારબ્ધ કે નિયતિ(Destiny)એ નક્કી કર્યા પ્રમાણે, એનાં પૂર્વ-નિયોજિત “સમય-પત્રક' પ્રમાણે જ બધું થતું રહે છે.
આવી શાશ્વત વસ્તુસ્થિતિને, “જીવન્મુક્ત”મહાપુરુષે તો આત્મસાત કરી લીધી જ હોય છે, એટલે તે, નથી ભૂતકાળને યાદ કરતો કે નથી વિચાર કરતો ભવિષ્કાળ વિશે, અને વર્તમાનકાળ બાબત તો તે પૂરેપૂરો ઉદાસીન જ રહે છે, જે બની રહ્યું હોય છે, એમાં તે પોતાની જાતને ગોઠવી (Adjust) દે છે અને પ્રારબ્ધવશાતુ, જે કંઈ પ્રાપ્ત હોય, તેમાં, “અજગર'વૃત્તિથી, જીવતો હોય છે.
મહાભારતનો આ શ્લોક, આ સંદર્ભમાં, અહીં પ્રસ્તુત હોવાથી, ટાંકવાના પ્રલોભનને હું રોકી શકતો નથી :
सुखं वा यदि वा दुःखं शुभं वा यदि वा-अशुभम् ।
प्राप्तं प्राप्त उपासीत हृदयेन-अपराजितः ॥ (“સુખ કે દુઃખ, શુભ કે અશુભ, - પ્રાપ્ત પરિસ્થિતિ પ્રમાણે, - જે કંઈ બનતું હોય તેમાં, હૈયું હાર્યા વિના, મનુષ્ય, જીવ્યા કરવું જોઈએ.”).
એમ લાગે છે કે આ શ્લોકમાંનું તાત્પર્ય જ, “જીવન્મુક્ત’નાં આ લક્ષણમાં, સુયોગ્ય રીતે, પ્રતિશબ્દિત થયું છે.
૮૫ર | વિવેકચૂડામણિ