________________
અનુવાદ :
આત્માનું સ્વરૂપ જાણનાર અને આત્માનંદ-રસનું પાન કસ્નાર(સાધક) માટે, વાસના-વિહીન મૌનથી બીજું કશું ઉત્તમ સુખકારક નથી. (પર૮) ટિપ્પણ:
આચાર્યશ્રીએ, શ્લોક-પર૬માં, “મનસ્વ મૌનમ્ I'ની જે આજ્ઞા શિષ્યને આપી હતી, તે મૌનની સાચી વ્યાખ્યા અને વિભાવનાની ચર્ચા, અહીં પણ ચાલુ છે.
“મૌન” એટલે શું ? એનું તાત્ત્વિક સ્વરૂપ કેવું હોય ? દરેક મોક્ષાર્થી સાધક જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે મોક્ષપ્રાપ્તિના માર્ગમાં મુખ્ય અવરોધો આ બે છે : બુદ્ધિ અને વાસના. બુદ્ધિની મૂળભૂત કુટેવ એટલે મિથ્થા સંકલ્પ-વિકલ્પોનું સર્જન; પરંતુ સાધક જો સભાન-સજાગ રહે અને આવી ફલેશકારક બુદ્ધિને પણ પોતાનાં બ્રહ્મજ્ઞાનના પ્રભાવમાં, બ્રહ્મભાવમાં સ્થિર કરે તો, બ્રહ્મમાંની બુદ્ધિની આવી સ્થિતિ જ એના માટે આદર્શ મૌન-અવસ્થા બની રહે અને એને પરમ શાંતિ આપી રહે. બીજું વિઘ્ન છે, - વાસનાનું. આત્માનાં સ્વરૂપને જાણનાર અને આત્માનંદના અમૃતરસનું પાન કરનાર સાધક પણ જો પોતાનાં મૌનને વાસના-રહિત, વાસનાશૂન્ય બનાવી શકે તો, આવાં મૌનથી, વધારે સુખદ બીજું કશું પણ તેના માટે હોઈ શકે નહીં.
બુદ્ધિ અને વાસનાનાં અનુસંધાનમાં, મૌનનાં સ્વરૂપની જે તાત્ત્વિક છણાવટ, હમણાં, ઉપર, કરવામાં આવી તે જ મૌનની સાચી વિભાવના છે. બાકી, માત્ર વાણીનું મૌન, એને તો શાસ્ત્રોમાં કાષ્ઠ-મૌન” એવું નામ આપવામાં આવ્યું છે, જે, અપરિપક્વ બાળકો અને અજ્ઞાનીઓ માટે જ યોગ્ય ગણાય. મનને યાંત્રિક રીતે નિયંત્રિત કરીને બોલતું બંધ રાખવું અને એ જ મનમાં વિચારો-વિકારો-વાસનાઓનાં ઉગ્ર અને પ્રચંડ વા-વંટોળ ચાલતાં હોય તો, એવું યાંત્રિક (Mechanical) મૌન સાધક માટે જરા પણ ઉપકારક બની શકે નહીં.
સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે બ્રહ્મજ્ઞાની માટે તો, ચિત્તની વાસના-રહિત સ્થિતિ, એ જ સમ્યફ અને તાત્વિક મૌનની આદર્શ અવસ્થા છે, અને આવું મૌન જ, એના માટે, સર્વોત્તમ પ્રકારે સુખપ્રદ બની રહે !
અને આત્મસ્વરૂપની જ્ઞાનપ્રાપ્તિ તથા આત્માનંદનાં રસામૃતનાં પાન જેવી ઉચ્ચ-આધ્યાત્મિક કક્ષાએ પહોંચનાર સાધક માટે, પોતાનાં મૌનને વાસનાવિહોણું બનાવી દેવું (નિર્વાસનાન્ મૌનાત), એ જરા પણ અઘરું નથી.
શ્લોકનો છંદઃ અનુરુપ (પ૨૮) - વિવેકચૂડામણિ | ૧૦૫૫