________________
સરળ-સહેલા છે; તે છતાં શ્લોકનાં પ્રતિપાદયિતવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ :
શિષ્ય કહે છે કે, “આજે તો હું જ્યારે આત્મા જ બની ગયો છું ત્યારે, હવે હું દેહ નથી, દેહ મારામાં નથી, હું દેહમાં નથી. ટૂંકમાં, દેહ સાથે મારે કોઈ સંબંધ જ નથી.
અને મારી પ્રવર્તમાન પરિસ્થિતિ જ જ્યાં આવી, આ પ્રકારની, બની ગઈ છે, - એટલે કે, દેહ સાથે કશો જ સંબંધ ન હોવાની, - તો પછી, એ હકીકત પણ સંપૂર્ણરીતે તર્ક-સુસંગત-(Logical) જ બની જાય છે કે મારે હવે દેહના કોઈ ધર્મો સાથે સંબંધો હોઈ શકે જ નહીં : દેહ એ ધર્મી છે, અને જાગ્રત્-વગેરે ત્રણ અવસ્થાઓ તે ધર્મીના ધર્મો છે. મારે જો ધર્મી સાથે જ કશો સંબંધ ન હોય તો તે(ધર્મી)ના કોઈ ધર્મો સાથે તો સંબંધ હોઈ શકે જ ક્યાંથી ? હવે તો હું એ અવસ્થાત્રયનો માત્ર ‘દૃષ્ટા' (Seer) જ છું, સાક્ષી જ છું !”
શ્લોકમાંનાં આવાં પ્રતિપાદન માટે પ્રયોજવામાં આવેલી ઉપમા, સાચે જ, સૂચક, સમુચિત અને અર્થ-સાધક છે. આપણે ગયા શ્લોકમાં જ જોયું છે કે નિર્લેપતાની બાબતમાં આકાશ (વિહાયસ્) એક આદર્શરૂપ છે : આકાશમાં અહીં-તહીં, સર્વત્ર, અનેક વાદળાં હોય છે અને આ પણ, આકાશની ઉદારતા અને ખાનદાની (Nobility) જ કહેવાય કે તેમની મલિનતાથી પોતાને મલિન કરવા ઇચ્છતાં એવાં વાદળાંને પણ તે પોતાનામાં આવવા-૨હેવા દેવા તથા સમાવી લેવા (Accommodate કરવા) તત્પરતા દાખવે છે !
અને આ મેઘ શાનો બનેલો હોય છે ? એમાં ક્યાં કયા તત્ત્વો રહેલાં હોય છે ?
-
ધૂમ-ખ્યોતિ:-સતિન-મનુતાં સંનિપાતઃ । (કાલિદાસ : મેઘદૂત) ધૂમાડો-પ્રકાશ-પાણી અને પવનના સમુદાય સમો આ મેઘ જ્યારે આકાશમાં એકથી બીજે ઠેકાણે ભ્રમણ કરે ત્યારે, કોઈ એમ નથી કહેતું કે મેઘની સાથે આકાશ પણ ભ્રમણ કરે છે ! અને એ જ મેઘ જ્યારે ધરતી પર પોતાનાં પાણી વરસાવે ત્યારે, સહુ જાણે છે કે આકાશ જરા પણ ભીંજાતું નથી !
આકાશની બાબતમાં આવી ઘટના એક સિદ્ધ હકીકત છે, તો એ જ ન્યાયે, “હું પણ, - જે હવે દેહ રહ્યો નથી, એવો હું પણ, - દેહના ધર્મોથી સંપૂર્ણરીતે અસંબંદ્ધ અને અલિપ્ત હોઉં, - એ વાત પણ એટલી જ સાચી અને સિદ્ધ છે.”
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૦૧) વિવેકચૂડામણિ / ૯૯૭