________________
ટિપ્પણ : ફરી એક વાર, ‘રૂપક’-અલંકાર પ્રયોજવાનું, આચાર્યશ્રીનું, કોશલ અહીં પ્રતીત થાય છે. જંગલ હોય, એટલે વાઘ-સિંહ જેવાં હિંસક પ્રાણીઓ, પોતાના શિકાર માટે, સમગ્ર અરણ્યપ્રદેશમાં આતંક ફેલાવતાં, અહીં-તહીં-સર્વત્ર, ઘૂમતાં જ હોય છે, એટલે જે લોકો સલામત રહીને જીવવા ઇચ્છતા હોય, તેમણે પેલાં જંગલ તરફ કદી ન જવું જોઈએ.
શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ, એ વિષયો એટલે ભયંકર જંગલ, અને ‘મન’ એ જ, મોઢું ફાડીને સતત ઘૂમતો શક્તિશાળી વાઘ ! આવું જંગલ, અને આવો વાધ ! આવાં જંગલમાં, ભૂલે-ચૂકે પણ, ભૂલા પડનાર મુસાફરને કદી છોડે, પેલો વાઘ ? એને દેખે એટલી જ વાર ! તરત જ ‘ઓહિયાં' ! ટૂંકમાં, સાધક-મુમુક્ષુ એટલે, આવા વાઘનો શિકાર બનતો મુસાફર !
મન એ બંધનનું કારણ છે, એવું આ પહેલાં કહેવામાં આવ્યું છે. મુમુક્ષુ સાધક ત્યારે જ બંધનમાં ફસાય છે, જ્યારે તે શબ્દ વગેરે વિષયોમાં આસક્ત બની જાય છે. પછી તો શબ્દાદિના કારાવાસમાંથી એનો છૂટકારો, તો અને ત્યારે જ થાય, જો અને જ્યારે ઝેર જેવા આ વિષયો પ્રત્યે, એ જ મન, વૈરસ્ય કે વૈરાગ્યભાવ જગાડે ! પરંતુ, આ રીતે, પહેલાં સામે ચાલીને, બંધનમાં-કેદમાં જવા જેવો ગુનો કરવો, અને પછી, એમાંથી છૂટવા માટે, પેલાં મનની દયા પર જીવવું, એના કરતાં, પહેલેથી જ, સાવચેત રહીને, બંધનમાં પડવું જ નહીં, એવું સૂઝે, એ
કેવું મોટું સદ્ભાગ્ય !
આવું સદ્ભાગ્ય, સદા-સર્વદા, સાધક-મુમુક્ષુને મળતું જ રહે, એવી સોનેરી સલાહ આચાર્યશ્રી, રૂપક અલંકારનાં માધ્યમમાં, અહીં આપે છે : ‘વનવિહાર’ સહુને ગમે, પરંતુ એ વનમાં જો માંસભક્ષક હિંસક પ્રાણીઓ મુક્ત રીતે સર્વત્ર આથડ્યાં જ કરતાં હોય તો, એવો ‘વનવિહાર’, મુસાફરે, એની જિંદગીના ભોગે જ કરવો પડે ! આવાં જોખમથી અજાણ્યો મુસાફર જાન ગુમાવે, એમાં તો એ બાપડો લાચાર !
પરંતુ આચાર્યશ્રી તો સાધકોને સમયસર ચેતવણી આપે છે કે આ વિષયભ્રમણરૂપી ‘વનવિહાર’· આવો મહા-જોખમી છે ! તેથી, એ જોખમને સમજીને જ, તેમણે તે તરફ ન જવું (ન ગચ્છન્તુ) !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૭૮) ૧૭૯
मनः प्रसूते विषयानशेषान्
स्थूलात्मना सूक्ष्मतया च भोक्तुः । शरीरवर्णाश्रमजातिभेदान्
गुणक्रियाहेतुफलानि नित्यम् ॥ १७९ ॥
૩૪૨ / વિવેકચૂડામણિ