________________
અને સુંદર વિવેકવિજ્ઞાનરૂપી સમર્થ તલવાર વડે જ છેદી શકાય છે ! (૧૪૯)
- ટિપ્પણ – આમ તો, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, માત્ર શબ્દોના અર્થ જ નહીં પરંતુ અહીં, આ ટિપ્પણ-વિભાગમાં, જે કાંઈ સમાવિષ્ટ કરવાની જરૂર રહે, તે બધું જ કહી દેવામાં આવ્યું છે, તે છતાં ગ્રંથકારના પ્રભાવક એવાં, આ શ્લોકમાંનાં, નિરૂપણનું, થોડું વધુ રસદર્શન કરીએ.
આ પહેલાંના શ્લોકમાં, બંધનનાં મૂળમાં રહેલાં અજ્ઞાનનાં નાશ–નિવારણરૂપે આત્મજ્ઞાનનાં મહત્ત્વને અસરકારક રીતે અધોરેખાંકિત (Underline) કરવામાં આવ્યું જ છે. છતાં અહીં વધારાની, અને એટલાં જ મહત્ત્વની, જે એક વાત ઊમેરવામાં આવી છે, તે તો સર્વ પ્રકારની આધ્યાત્મિક-દાર્શનિક સાધનાની સિદ્ધિ માટે, પરાકાષ્ઠા (Climax) સ્વરૂપની છે.
ઈશ્વર-પ્રસાદ, પરમેશ્વરની પાવન કુપા, એ કાંઈ ગાંડા-ઘેલા એવા ભક્તની વેવલી વાત નથી. અડગ-અતૂટ-ઊંડી-અંતસ્તલસ્પર્શી ઈશ્વરશ્રદ્ધામાંથી જ સુલભ એવી આ ઈશ્વર-કૃપાનો જેટલો મહિમા ભક્તને, એટલો જ મુમુક્ષુ સાધકને પણ છે, બલકે, હોવો જોઈએ, - એ શાશ્વત સત્ય પ્રત્યે આચાર્યશ્રીએ અહીં સહુ તત્ત્વચિંતકો અને દાર્શનિકોનું લક્ષ ખેંચ્યું છે. આપણાં ઉપનિષદોમાં, જીવ-જગત અને જગદીશને લગતી છે અને જેવી–જેટલી તત્ત્વ-ચર્ચા કરવામાં આવી છે, તે વિશ્વના કોઈ પણ ગ્રંથોમાં કરવામાં આવી નથી, - એ હકીકત તો હવે સહુ પાશ્ચાત્ય તત્ત્વચિંતકોએ પણ ઐક્યમત્યપૂર્વક (Unanimously) સ્વીકારી લીધી છે.
અને ઉપનિષદોના એ આર્ષદૃષ્ટા ઋષિમુનિઓએ જે તત્ત્વચિંતન નિરૂપ્યું છે, તેના પાયામાં પણ ઈશ્વરશ્રદ્ધા અને ઈશ્વરકૃપાની જરા પણ ઉપેક્ષા કરવામાં આવી નથી, એ પણ આ અનુસંધાનમાં ખૂબ પ્રસ્તુત અને સૂચક છે. અને આદ્ય શ્રીશંકરાચાર્ય પોતે ? ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર પરનાં તેમનાં ભાષ્યોનો સ્વાધ્યાય કરનાર વિદ્વાનો તો જાણે જ છે કે તેઓશ્રી કેટલાં મોટાં ગજાના તત્ત્વચિંતક છે. આવા આચાર્યશ્રી સ્વયં કેવા પરમશ્રદ્ધાળુ અને વિનમ્ર ઈશ્વરભક્ત છે, એની પ્રતીતિ તો એમનું પ્રત્યેક સ્તોત્ર કરાવે જ છે.
અને ગીતામાં પણ ઉપદેશ-પ્રયોજનાની મુખ્ય ભૂમિકા ભલે કર્મ(અર્જુનને એનાં સ્વધર્મ સમા મુદા તરફ પ્રેરવા)ની રહી, પરંતુ એ જ ભૂમિકા પર જ્ઞાન અને ભક્તિનો કેવો અનિવાર્ય એવો, સુભગ સમન્વય ! જ્ઞાન વિનાની ભક્તિનું હાર્દ જેમ કાચું, તેમ જ ભક્તિ વિનાનું જ્ઞાન પણ એટલું જ કોરું ! - આ જ એ સમન્વય-નિરૂપણનો હેતુ !
આત્મજ્ઞાનની ખોજમાં નીકળેલા મુમુક્ષને ઈશ્વરશ્રદ્ધા અને ઈશ્વરકૃપા જેવી નમ્રતા અને નિર્બળતા પોસાય નહીં, એવું રખે કોઈ માની બેસે! - એવી આશંકાના ભયનાં કારણે, આ બાબતમાં આટલું લંબાણ અને વિસ્તરણ જરૂરી બની ગયું.
શ્લોકનો છંદ : ઈન્દ્રવંશા ૧૪૯)
વિવેકચૂડામણિ | ર૯૩