________________
આ પહેલાંના શ્લોકોમાં કહેવામાં આવ્યું છે તેમ, આ વિશુદ્ધ આત્મા, અથવા પરમાત્માનાં સ્વરૂપ સમો અંતરાત્મા, શરીરનાં અણુ-અણુમાં વ્યાપ્ત છે; સર્વત્ર-વ્યાપ્ત છે; એટલું જ નહીં પરંતુ શરીર, અંતઃકરણ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરેને, પોતપોતાનાં કાર્યો માટે તે પ્રેરણા આપે છે, ચેતના પૂરી પાડે છે, સ્ફૂર્તિવાળાં બનાવે છે; એ સૌ ક્રિયાશીલ બને છે, કર્મો કરે છે અને એ કર્મોનાં સારાં-નરસાં ફળ ભોગવે છે. આને કારણે કોઈક વિવેકબુદ્ધિ વિનાનો માણસ એમ માની બેસે કે એ બધાંની સાથે જ રહેલો અંતરાત્મા પણ એ બધાં કાર્યો કરે છે.
આવી માન્યતાનું અહીં ખંડન કરવામાં આવ્યું છે. આત્મા તો દેહ-ઇન્દ્રિયોમન-બુદ્ધિ-પ્રાણ વગેરેની સાથે સતત રહેતો હોવા છતાં, પેલાં કોઈ જ કાર્યો તે પોતે કરતો નથી; એ તો માત્ર એક દૃષ્ટા તરીકે, તટસ્થભાવે, સાક્ષીભાવે પેલી બધી ક્રિયાઓને, નિર્લેપ રહીને, જોયા કરે છે. મન વિચારે છે, આત્મા નહીં; હાથ-પગ ચાલે છે, આત્મા નહીં; કાન સાંભળે છે, આત્મા નહીં; વગેરે, વગેરે.
તો પછી, આત્મા આ બધું કરતો હોય, એવું શાથી જણાય છે ? તરત ગળે ઊતરી જાય એવું એક સરસ દૃષ્ટાંત અહીં આપવામાં આવ્યું છે : લોઢાના ગોળાને અગ્નિની ભઠ્ઠીમાં ખૂબ તપાવવામાં આવ્યો, તેથી ગોળામાં પ્રવેશેલો અગ્નિ (અયોનિઃ)એ ગોળાના આકાર-પ્રકારને ધારણ કરે છે; એ લોઢાને એરણ પર હથોડા વડે ટીપવામાં આવે તો લોઢાના આકારમાં જ ફેરફારો થાય, તે બધા જ અગ્નિમાં પણ થતા હોય એમ લાગે, પરંતુ હકીકતમાં અગ્નિમાં કશું જ પરિવર્તન થતું નથી; અગ્નિ તો એનો એ જ રહે છે. જે કાંઈ વિકારો થાય છે, તે તો માત્ર લોઢામાં જ થાય છે.
એ જ રીતે, શરીરનાં અંગોમાં ફેરફાર થાય છે, એમાં શૈશવ, યુવાની, ઘડપણ વગેરેના વિકારો આવે છે; આંખે મોતિયો આવે, કાનમાં બહેરાશ આવે, હાથ-પગ ભાંગી જાય, મનમાં રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ-શંકા વગેરે વિકારો ઉત્પન્ન થાય. આ સર્વ વિકારો-પરિવર્તનો સાથે આત્માને કશી જ નિસ્બત નથી : શરી૨, મન, અહંકાર વગેરેની ક્રિયાઓને તે જાણે છે, તેમનું સહુનું અનુસરણ કરતો હોય એવું લાગે તે છતાં, વાસ્તવમાં, અંતરાત્મા કશી જ ક્રિયા કે ચેષ્ટા કરતો નથી, લેશમાત્ર પણ વિકાર પામતો નથી; દેહનું મૃત્યુ થાય છે, કરેલાં કર્મનાં ફળ ભોગવવા માટે તેનો પુનર્જન્મ થાય છે; પરંતુ આ બધું દેહનું પરિવર્તન છે ઃ આત્મા તો જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ જેવા સર્વ વિકારોથી પર છે. સંક્ષેપમાં, લોઢાના ગોળામાં રહેલો અગ્નિ, તેમાં સર્વવ્યાપ્ત હોવાથી, લોઢામાં થતા સર્વ ફેરફારો કરતો કે પામતો નથી, તેમ જ આ અંતરાત્મા સદા-સર્વદા સંપૂર્ણરીતે નિષ્ક્રિય, નિર્વિકાર, નિર્લેપ, અસંગ અને અનાસક્ત જ રહે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૫) ૨૬૨ / વિવેકચૂડામણિ