________________
પત્રાંક-૫૪૮
૩૯
એ સિદ્ધાંત છે; તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે.
મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે; અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો, અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી; તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે; તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો; અને નિત્ય તેવી વૃત્તિ રાખશો, તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે.
બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે; તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે, એમ ચિત્તમાં રહે છે.
રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તોપણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે.