________________
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧૨-૧૧-૧૯૯૦, પત્રાંક-૫૪૮ અને ૨૪૯
પ્રવચન નં. ૨૪૯
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પ૪૯. મુમુક્ષુ:-૫૪૮પત્ર. પૂજ્ય ભાઈશ્રી - શરૂથી લેવો છે) પહેલો પેરેગ્રાફ. પત્ર-પ૪૮, પાનું-૪૪૧.
“જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે...” અનંતકાળથી દર્શનમોહનો અભાવ કર્યો નથી. અભાવ બે પ્રકારે થાય છે. ઉપશમથી અને ક્ષયથી. એક શબ્દમાં કહીએ તો અભાવ કર્યો નથી. આમ તો સમ્યક પ્રકારે કોઈ કષાયનો અભાવ નથી કર્યો. કેમકે કષાયમાં પહેલા અનંતાનુબંધી જાય છે. એનો પણ અભાવ નથી કર્યો. પણ દર્શનમોહનીયનો અભાવ થાય તો અનુક્રમે બધાનો અભાવ થાય, સર્વ કર્મનો અભાવ થાય. એ રાજા છે. લકરમાં રાજાને હરાવતાં આખું લશ્કર તાબે થાય છે. એના જેવી વાત છે.
માર્ગની પણ એ સુંદરતા છે કે પહેલે પગથિયે એટલે કે મોક્ષમાર્ગમાં પ્રવેશતાવેંત પ્રથમ રાજાને જ હણવામાં આવે છે. પછી બાકીની સાફસૂફી ક્રમશ થઈ જાય છે. એ પણ એક માર્ગની સુંદરતા છે. અને સમ્યગ્દષ્ટિના પરાક્રમને પણ એ પ્રશંસવામાં આવે છે, કે સૌથી પહેલા રાજાને મારે છે. નહિતર તો આત્માની જઘન્ય શક્તિ ઉત્પન્ન થઈ છે. અનંત શક્તિમાંથી જઘન્ય શક્તિ-ઓછામાં ઓછી શક્તિ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય. પણ આત્માની જઘન્ય શક્તિ જો કર્મના મોટામાં મોટા કર્મને મારે તો એની બાકીની શક્તિની પછી વાત કરવાનું કોઈ કારણ રહેતું નથી. એ પણ આત્માની શક્તિનું પ્રકાશક છે, પ્રસિદ્ધ કરનારું છે.
અહીંયાં ત્રણ પગથિયા લીધા છે. દર્શનમોહનો અભાવ કરવા માટેના ત્રણ Step લીધા છે. પહેલા તો “જ્ઞાની પુરુષનો સત્સંગ થય... જો જ્ઞાની પુરુષનો કોઈ પુણ્યોદયે સત્સંગ થાય તો એ જ્ઞાનીપુરુષ જ છે એમ નિશ્ચય થયે...” નિશ્ચય થયો એમ કહો, ઓળખાણ થઈ એમ કહો, બેય એક જ વાત છે. અને એમ થયા પછી પણ તેના માર્ગને