________________
પત્રાંક-૫૬૦
૨૦૩
તા. ૨૦-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૦ થી પ૬૫
પ્રવચન નં. ૨૫૬
મુમુક્ષુ – પ૬૦નો છેલ્લો પેરેગ્રાફ. પૂજ્ય ભાઈશ્રી:- છેલ્લો પેરેગ્રાફ. પ૬૦.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-પ૬૦, પાનું-૪૪૮.
“જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય. આટલું જ્ઞાનીના બાહ્ય પ્રવૃત્તિના વિષયમાં કહે છે. આત્મા બંધાય જાય, આખો આત્મા રોકાય જાય એવી રીતે સંસારની પ્રવૃત્તિ જ્ઞાની કરતા નથી. એવા પરિણામ એમને હોય નહિ, એમ કહે છે. એવા પરિણામ એમને થાય નહિ. પણ પ્રારબ્ધપ્રતિબંધપણે...” પૂર્વકર્મનો ઉદય છે એને કારણે પ્રવર્તીએ છીએ. વર્તમાનમાં લાભ-નુકસાનના કારણ જોઈને પ્રવૃત્તિ નથી. એ પ્રવૃત્તિ કરવી પડે છે. કરવાના ઉત્સાહથી અને કરવાના રસથી પોતાનો લાભ જાણીને કરતા નથી. મુખ્ય વાત તો એ છે કે એમાં પોતાનું છે એમ જણાતું નથી. આવી પડ્યું છે. નિભાવ્યા વિના છૂટકો નથી. એટલે અરુચિ પરિણામે પણ પ્રવૃત્તિ કરી લઈએ છીએ.
મુમુક્ષુ – જ્ઞાનીને એવા પરિણામ થતા નથી. જ્ઞાનીએ શું કર્યું કે એવા પરિણામ નથી થતાં?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીને એક તો એને ભિન્ન જાણ્યું, નિરર્થક જાણ્યું. પ્રતિબંધ તો ત્યારે થાય કે એનું કાંઈ સાર્થકપણું દેખાય તો પણ એ પ્રવૃત્તિ આત્મા માટે નિરર્થક દેખાય છે. એ પ્રવૃત્તિ કરતા ન તો આત્માને સુખ થાય છે, શાંતિ થાય છે, લાભ થાય છે અથવા કરવા યોગ્ય લાગે છે અને કરે છે એવું કાંઈ નથી. કર્તવ્ય જાણીને એ તો કરતા નથી. એમ જણાય છે. એવું જ્ઞાન વર્તે છે.
મુમુક્ષુ-મુમુક્ષુદશામાં શું કર્યું હશે ?
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુદશામાં એવું પરિણમવા માટેનો પુરુષાર્થ ચાલુ કર્યો. એવું જ પરિણમન થાય, એના માટે પુરુષાર્થ ચાલુ કર્યો હતો, પ્રયાસ કર્યો હતો. પ્રયાસની દશા તે મુમુક્ષતા છે. પ્રયાસનું સફળપણું છે તે જ્ઞાનદશા છે. રીત તો એકની