________________
૩૭૬
રાજહૃદય ભાગ-૧૧
ભવ મળ્યો છે. હવે આ દાવ ચૂકવો નથી. એ ભાવ એને આવી જાય છે. અને એવી દૃઢતા આવે એને માર્ગ સુલભ છે. એવી પરિસ્થિતિમાં ન આવે એને માર્ગ દુર્લભ છે. આ બહુ સાફ વાત છે. આમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી લાગતો.
મુમુક્ષુ :– ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ કરતાં આ માર્ગ સરળ બતાવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– હા સુલભ છે.
મુમુક્ષુ :– છતાં અનાદિકાળથી આ જ દુર્લભ થઈ પડ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમેય નથી જતો. હવે કયાં એને જવાનું રહ્યું ? ખોટી રીતે શાસ્ત્રાભ્યાસ કર્યો, વિદ્વાન થઈ ગયો. અને ખોટી રીતે ક્રિયાઓ કરીને દુનિયામાં, સમાજમાં તપસી પણ ગણાવ્યો, વિદ્વાન પણ ગણાવ્યો અને ક્રિયાકાંડી અને તપસી પણ ગણાવ્યો. પણ હજી તો સત્પુરુષને ઓળખવો એટલી પાત્રતામાં આવ્યો નથી. ઓળખીને એને જે એના ચરણમાં મનની સ્થાપના કરવી જોઈએ એ સ્થિતિમાં આવ્યો નથી. આ તો સુલભ છે. ઓલા બે કરતા આ સુલભ છે.
સીધું જ્ઞાનમાર્ગે આત્માને ગ્રહણ કરવું, આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવો કે કોઈ તપશ્ચર્યા કરીને સિદ્ધિ કરવી એ તો બધી અઘરી વાત છે આના કરતા. આ તો સાવ સહેલી વાત છે, એથી સહેલી વાત છે. પણ જે કાંઈ ખામી રહી છે એ જીવની પાત્રતાની ખામી રહી છે. ખરી વાત એ છે કે જીવને મૂળમાં ખામી રહી છે એ પાત્રતાની રહી છે. એટલે કોઈ એવી યોગ્યતા જ પોતાને થઈ નથી કે જેને લઈને એ સાચો રસ્તો પકડે, સાચે રસ્તે આવે.
મુમુક્ષુ :- મુમુક્ષુએ પહેલાં પાત્ર થવાનો સર્વ શક્તિથી ઉદ્યમ કરવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :- પહેલા એણે પાત્ર થવું જોઈએ. પાત્ર થવા માટે બીજું કાંઈ ક૨વાનું નથી. એક પોતાને અંતઃકરણથી, નિર્મળ ચિત્તથી, શુદ્ધ ભાવનાથી આત્મહિત કરવા માટે પોતાના પરિણામમાં તૈયાર થવાનું છે. મારે આત્મહિત કરવું છે. ફરી ફરીને મનુષ્યભવ મળવો દુર્લભ છે. માટે મુખ્ય કામ આ ભવનું કોઈ હોય તો તે મારું આત્મહિત કરવું તે છે. બાકી ગૌણપણે જે કાંઈ થવાનું હશે તે થશે, ત્યારે એવા વિકલ્પ આવશે. અત્યારથી તે સંકલ્પ કરીને, યોજના કરીને જીવન જીવવું નથી.
માણસ શું કરે છે ? પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની યોજનાઓ કરે છે. પહેલા આમ કરવું, પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું. પછી પરિણામ એમાં ને એમાં જ લાગ્યા કરે છે. જે તે યોજનાઓ પૂરી થાય ત્યાં બીજી યોજનાઓ ઊભી થાય. પહેલા એમ થાય કે ઘર વસાવવું. ઘર વસાવવા માટે