________________
૨૮૮
રાજહૃદય ભાગ-૧૧
તા. ૨૬-૧૧-૧૯૯૦ પત્રક – ૫૬૯
પ્રવચન નં. ૨૬૧
સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ જગતમાં જે સમસ્યા છે. વિશ્વના તમામ પ્રાણીઓની આ સમસ્યા છે. બધાને સુખ જોઈએ, દુઃખ કિંચિત્ માત્ર પણ ન જોઈએ. એક જ પંક્તિમાં ઉત્તર આપ્યો છે કે તમામ દુઃખથી મુક્ત થવાનો ઉપાય હોય તો એક આત્માને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન થવું, મૂળ સ્વરૂપનું જ્ઞાન થવું તે છે. જો પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય, એને અહીંયાં આત્મજ્ઞાન કહ્યું, તો એને કોઈ પણ પરિસ્થિતિમાં ક્લેશ અને દુઃખનો અનુભવ ન થાય. આપોઆપ એમાંથી ફલિત થાય છે કે જે કાંઈ દુઃખ અને ક્લેશનો અનુભવ છે એ પરિસ્થિતિને કારણે નથી, બહારની પરિસ્થિતિને કારણે નથી પણ પોતાની એ પરિસ્થિતિ વિશેની સમજણ છે અને એ સમજણ, જેને અજ્ઞાન કહે છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. પોતાના સ્વરૂપના જ્ઞાનનો પણ અભાવ છે. એ બંને એકસાથે હોય છે. એ દુઃખનું કારણ છે. એટલે આત્મજ્ઞાન થતાં બાહ્ય સંયોગોનું પણ એ પ્રકારે જ્ઞાન થાય છે કે જે પ્રકારે એ પરિસ્થિતિ દુઃખનું નિમિત્ત નથી થતી, દુઃખનું કારણ નથી થતી. એ વાતનું જ્ઞાન થવાનું કારણ છે. આત્મવિચાર, આત્માના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો એ વિચારથી એ જ્ઞાન થાય છે.
અહીંયાં બીજા સાધનનો નિષેધ છે. આત્મજ્ઞાન થવા અર્થે આત્મવિચાર સિવાયના બીજા સાધનનો નિષેધ છે. બીજી રીતે તો આત્મજ્ઞાન થતું નથી. આત્મવિચારમાં પણ વિચારબળ ઉત્પન્ન થાય તો એ વિચારથી આગળની પરિસ્થિતિ ઊભી થાય. એટલે કે પ્રયોગની પરિસ્થિતિ ઊભી થાય. પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને વિચાર તો વિચારની ભૂમિકામાં ઊભો છે એટલે સહજ થાય છે પણ પુરુષાર્થની દિશા ઊલટી છે, વિપરીત છે. એટલે એનું જે વિચારનું બળ છે અથવા જેટલી વિચારની ભૂમિકા છે એ નિષ્ફળ જાય છે. એમાં સફળપણું થતું નથી.
એટલે વાત અહીં સુધી આવી કે કેટલાક જીવો આત્મવિચાર કરે છે, છતાં પણ વિચારબળ નહિ હોવાને લીધે એ દિશામાં પ્રગતિ કરી શકતા નથી. જે લોકો