________________
૩૨૦
રાજહૃદય ભાગ-૧૧ અંતર્લીગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એટલે જ્યારે પોતાની વાત લેવી છે, બીજાનો ત્યાગ વિચારવો તોપણ એને અંતરથી મોહ છૂટ્યો છે કે નહિ, એ જોઈ લેવું. પોતાને વિચાર કરવો હોય ત્યારે એણે એમ વિચારવું કે મારે અંતરથી મોહ છોડવો છે એટલે હુંપદાર્થનો ત્યાગ કરું છું. પદાર્થના ત્યાગ કરવાના હેતુથી કે પ્રયોજનથી મારે કાંઈ કામ નથી. પણ મારે અંદરમાંથી એની ત્યાગવૃત્તિ થઈ જાય એટલે ત્યાગ એનો વિકલ્પન ઊઠે એવી સ્થિતિ આણવા અર્થે હું આ ત્યાગ કરું છું. તો એ મને એ ત્યાગને કાંઈક ઠીક માનવો, ઉપકારી માનવો, નિમિત્તભૂત માનવો એ યોગ્ય છે. ઉપકારી એટલે નિમિત્તભૂત માનવો. એ યોગ્ય છે. નહિતર એ ત્યાગમાં ખરેખર આત્મહિતનું નિમિતત્ત્વ રહેતું નથી. ત્યાગ તો કરે છે માણસ, પણ આત્મહિતનું નિમિત્તપણું રહેતું નથી. એની નજર એકલી ત્યાગ ઉપર જ છે. આ છોડ્યું... આ છોડ્યું... મેં આ છોડયું... આ છોડ્યું... શું કરવા? કેમ છોડવું ? અધ્યાસ છૂટ્યો ? એનો રસ છૂટ્યો ? એનો અંદરમાંથી મોહ છૂટ્યો ? એ વાત જો તપાસમાં ન આવે, વિચારવામાં ન આવે તો એને બાહ્ય ત્યાગ છે એ કાંઈ ઉપકારી થતો નથી.
મુમુક્ષુ -પ્રયોજનમાં અવરોધ જાણીને છોડી દે.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયોજનમાં અવરોધ જાણીને છોડે તો સારી વાત છે, એ યોગ્ય છે. પણ પોતાના પ્રયોજનની જ ખબર ન હોય અને ત્યાગનું પ્રયોજન રાખ્યું હોય છે. અત્યારે શું થાય છે? અણસમજણથી એક ત્યાગના પ્રયોજનથી ત્યાગ કરવામાં આવે છે. અને અંદરનો જે રસ, એનો મોહ, એનો અધ્યાસ, એમને એમ સાજો રહી જાય છે. એને કારણે એને જે પોતાનું આત્મહિતનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ એ પ્રયોજન નથી થતું. અને ત્યાગ કર્યો છે એવું ત્યાગ કર્યાનું દુષ્ટ અભિમાન પછી વર્યા વિના રહે નહિ, ઉત્પન્ન થયા વિના રહે નહિ, કે જે એને ઊલટાનો સંસાર પરિભ્રમણનો, સંસારવૃદ્ધિનો હેતુ થાય, સંસાર નાશનો હેતુ થવાને બદલે સંસારવૃદ્ધિનો હેતુ થાય છે. આ પરિસ્થિતિ આખી ઊલટી થઈ જાય.
એટલે બહુ સમજણથી અહીંયાં વાત મૂકી છે. પહેલા અધ્યાસને છોડવો અને પોતાના પરિણામમાં પોતાના પ્રયોજનની સિદ્ધિને અર્થે બાહ્ય ત્યાગને નિમિત્તભૂત ગણ્યો છે. એ રીતે એ ત્યાગ થવો જોઈએ, બીજી રીતે જરાપણ ત્યાગ થવો ન જોઈએ. એ વાત એમણે ગ્રહણ-ત્યાગના વિષયમાં અહીંયાં એકદમ સ્પષ્ટ કરી છે. (અહીં સુધી રાખીએ...)